Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

દરીયાઇ કાંઠે કરોડોનું ડ્રગ્સ પકડાય છેઃ માલ-સામાનની હેરાફેરીની નવી પોલીસી બનાવો : ગાયત્રીબા

છેલ્લા ૫ વર્ષમાં સૌરાષ્ટ્ર-કચ્છનાં દરિયા કાંઠેથી અંદાજીત રૂ.૩૫ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયુ છે!! : વિશ્વનાં ડ્રગ્સ માફિયાઓની પક્કડ મજબુત બને તે પહેલા અટકાવી જરૂરીઃ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખે વડાપ્રધાન મોદીને પત્ર પાઠવ્યો

રાજકોટ, તા., ૧૨: છેલ્લા પાંચ (પ) વર્ષમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરીયા કાંઠેથી અંદાજીત ૩પ૦૦૦ હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે ત્યારે ગુજરાતના ૪ર બંદરોના દરીયા કાંઠા ઉપર વિશ્વના ડ્રગ માફીયાઓની પક્કડ મજબુત બને તે પહેલા દરીયાઇ રસ્તે માલ-સામાનની હેરાફેરીની નવી કડક પોલીસી બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ પત્ર પાઠવી રજુઆત કરી છે.

આ અંગે ગાયત્રીબાએ નરેન્દ્રભાઇ મોદીને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે ગત તા.૧પ સપ્ટેમ્બર ગુજરાત રાજયના મુંદરા પોર્ટ ઉપર ઇમ્પોર્ટ કરાયેલ ટેલ્કમ પાઉડરના નામે ૨૧ હજાર કરોડની કિંમતનું ૩૦૦૦ કિલો હેરોઇન ડીઆરઆઇએ પકડયું છે. જેની દેશ વ્યાપી તપાસ ચાલુ છે ત્યાં જ રાજયના દેવભુમી દ્વારકા જીલ્લામાંથી પોલીસ દ્વારા રૂ. ૩૧૦ કરોડની કિંમતનું ૬૦ કિલો ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે આ સાથે છેલ્લા પાંચ વર્ષમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરીયા કાંઠેથી રૂ. ૩પ૦૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ત્યારે એ વાત સાબીત થાય છે કે ડ્રગ્સ માફીયાઓ આયોજન બધ્ધ નેટવર્ક ગોઠવીને ગુજરાતના બંદરો ઉપર કન્ટેનરમાં અન્ય સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી કરે છે. ત્યારે આ બાબતે નક્કર અને કડક અમલવારી સાથેની પોલીસી ઘડવી જરૂરી છે.

વધુમાં ગાયત્રીબાએ જણાવ્યું હતુ કે ગુજરાતના બંદરો ઉપરથી ડ્રગ્સ અને નશીલા પદાર્થોનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે દેશના બીજા બંદરો ઉપર પહોંચે અને ત્યાંથી વિશ્વના અન્ય દેશોમાં એકસપોર્ટ કરી દેવામાં આવે છે. એકસપોર્ટ-ઇમ્પોર્ટ થકી ગુજરાતના ૪ર બંદરોમાંથી કોઇ પણ બંદરનો ઉપયોગ થઇ શકે છે અને એમાય ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છનો દરીયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે ટ્રાન્ઝીટ પોઇન્ટ છેલ્લા પાંચ વર્ષથી સાબીત થઇ રહયો છે. ૧પ સપ્ટેમ્બરના રોજ મુંદરા પોર્ટથી પકડાયેલ ડ્રગ્સનો જથ્થો હોય કે તા.૧૦ નવેમ્બર દ્વારકા જીલ્લામાંથી પકડાયેલ કે પછી પોરબંદરમાંથી પકડાયેલ જથ્થો હોય આ તમામ જથ્થો ગુજરાતમાં આવ્યો ત્યારે ડ્રગ્સ માફીયાઓએ ગુજરાતનો ઉપયોગ ટ્રાન્ઝીટ પોઇન્ટ તરીકે કરી રહયા છે.  ખાસ કરીને ગુજરાતના ૧૬૦૦ કી.મી.ના દરીયા કાંઠા ઉપર આવેલા ૪૨ બંદરોમાંથી ૧૭ નોન મેઝર પોર્ટ છે કે જે  કાર્ગો હેન્ડલ કરે છે. આવા બંદરો ઉપર અરેબીયન કન્ટ્રીમાંથી બીજા કોઇ સામાન સાથે હેરોઇન કે અન્ય ડ્રગ્સ ઉતારાય છે. ગુજરાતના બંદરો ઉપર એકસપોર્ટ-ઇમ્પોર્ટ થકી વેપાર સતત વધી રહયો છે. ત્યારે તમામ કન્ટેનરનું .ંડામાં ઉંડુ ચેકીંગ કરવુ શકય નથી. એ તકનો લાભ લઇ ગુજરાતના દરીયાકાંઠાના બંદરોનો ઉપયોગ ટ્રાન્ઝીટ પોઇન્ટ તરીકે કરવામાં આવી રહયો છે. ત્યારે આ મામલે માત્ર ગુજરાતની પોલીસ કે એટીએસ જ નહી પરંતુ તેની સાથે કેન્દ્રીય એજન્સીઓ જેવી કે કોસ્ટગાર્ડ, નેવી, ડીઆરઆઇ અને કસ્ટમ જેવી એજન્સીઓની કામગીરીની સંક્રમીતતાની સાથે સતર્કતા પુર્ણ કામગીરી જ વિશ્વના ડ્રગ્સ માફીયાના ગુજરાત સાથેના મજબુત કનેકશનોને તોડી શકશે.

અંતમાં ગાયત્રીબાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા દરીયાઇ રસ્તે માલ-સામાનની હેરાફેરીની નવી પોલીસી ઘડવી અત્યંત આવશ્યક છે. ત્યારે આ અંગે ઝડપી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

(3:11 pm IST)