Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

આને મોંઘવારી નો નડે...પારકી જમીનમાં ઓરડીઓ બનાવી ભાડે દઇ દીધી'તીઃ મહેશ ઉર્ફ ભખો પકડાયો

આંબેડકરનગરના પ્રફુલભાઇ દાફડાની જમીનમાં ગોકુલનગરના શખ્સે કબ્જો જમાવ્યો હતોઃ જમીન પચાવી પાડવાના નવા કાયદા હેઠળ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી એસીપી ગેડમની ટીમે કરી ધરપકડની કાર્યવાહી

રાજકોટ તા. ૧૨: ગમે તેની જમીન, મકાન કે અન્ય મિલ્કતોમાં ઘુસી જઇ કબ્જો જમાવી લેનારાઓ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ કડક કાર્યવાહી થાય છે. આવા વધુ એક કેસમાં માલવીયાનગર પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો છે. જેમાં ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર ગોકુલનગર-૨માં રહેતાં મહેશ ઉર્ફ ભખો ગોવિંદભાઇ (ગોરાભાઇ) મુછડીયા (ઉ.વ.૩૫)ની ધરપકડ કરવામાં આવી છે. પારકી જમીનમાં આ શખ્સે ઘુસણખોરી કરી પંદર ઓરડીઓ બનાવી લઇ ભાડે આપી દીધી હતી!

આંબેડકરનગર-૬માં ૮૦ ફુટ રોડ પર રહેતાં પ્રફુલભાઇ રામજીભાઇ દાફડા (ઉ.વ.૩૪) નામના યુવાને માલવીયાનગર પોલીસમાં ફરિયાદ કરતાં નવા કાયદા હેઠળ ગુનો દાખલ કરાયો હતો. પ્રફુલભાઇએ જણાવ્યું હતું કે તેની જમીન મવડી સર્વે નં. ૧૦૨ પૈકીની પ્લોટ નં. ૫૨ની બીન ખેડવાણ જમીન છે જે હાલ ગોકુલનગર-૨/૬ના ખુણે શ્રેયા ફર્નિચર સામે આંબેડકરનગરની બાજુમાં આવેલી છે. ૨૯૪.૫૦ ચો.વા. જમીનની હાલની કિંમત આશરે ૧૩,૫૫,૦૦૦ ગણાય છે. આ જમીન પર ગોકુલનગર-૨માં રહેતાં મહેશ ઉર્ફ ભખાએ કબ્જો જમાવી લીધો હતો અને તેમાં પંદર ઓરડીઓ ચણી લઇ ભાડે આપી દીધી હતી.

પ્રફુલભાઇ પોતાની જમીનમાં ઘુસી જનાર મહેશ ઉર્ફ ભખો પોતાની જ્ઞાતિનો જ હોઇ સમજાવવા જતાં ત્યારે ઉલ્ટાના તેના પર આક્ષેપો કરી મારવા દોડતો હતો. સમાધાનના પ્રયાસો પણ તેમણે કર્યા હતાં. પરંતુ અંતે ફરિયાદ નોંધાવતાં એસીપી જે. એસ. ગેડમની ટીમે ગુનો દાખલ કરાવી આરોપીની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:07 pm IST)