Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

હેલ્‍મેટની હૈયાહોળીઃ ટ્રાફિક નિયમોના ભંગ સામે ગઇકાલે ૪૭૬ કેસઃ આજે પણ ઠેકઠેકાણે ચેકીંગ

એક દિવસમાં ૨.૩૦ લાખ દંડ વસુલ થયોઃ ઇ-ચલણના મેમા અલગઃ શહેરી વિસ્‍તારમાં હેલ્‍મેટના સતત વિરોધ વચ્‍ચે દંડની કાર્યવાહી યથાવત

રાજકોટઃ ટ્રાફિકના નવા નિયમો અનુસાર ટ્રાફિકના કાયદાનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી કમ્‍મરતોડ દંડ વસુલવામાં આવી રહ્યો છે. કરોડાના ઇ-ચલણ ઇશ્‍યુ થઇ ગયા છે. શહેરી વિસ્‍તારમાંથી હેલ્‍મેટના કાયદાને દૂર કરવાની વાહન ચાલકોની માંગણી વચ્‍ચે સતત હેલ્‍મેટના દંડ કરવામાં આવી રહ્યા છે અને ટ્રાફિકના બીજા નિયમોના ભંગ સબબ દંડ વસુલવામાં આવી રહ્યો છે. ગઇકાલે એક જ દિવસમાં પોલીસે ૪૭૬ કેસ નોંધી રૂા. ૨,૩૦,૧૦૦નો દંડ વસુલ કર્યો છે. આ ઉપરાંત ઇ-ચલણ નીકળ્‍યા હશે તેનો આંકડો અલગ છે. જ્‍યારથી નવા નિયમો હેઠળ દંડ વસુલવાની શરૂઆત થઇ છે ત્‍યારથી ટુવ્‍હીલર ચાલકો દંડના ભયથી હેલ્‍મેટ પહેરવા મજબૂર થઇ રહ્યા છે. પરંતુ સરકારને લોકોની આ મુસિબત જાણે દેખાતી જ નથી. શહેરમાં હેલ્‍મેટના સતત વિરોધ વચ્‍ચે પણ પોલીસે આદેશ મુજબની દંડ વસુલવાની કાર્યવાહી યથાવત રાખી છે. આજે પણ ઠેકઠેકાણે પોલીસે ડ્રાઇવ યોજી હતી અને હેલ્‍મેટ વગર નીકળનારા તથા ત્રણ સવારી સહિતના નિયમોના ભંગ કરનારા વાહન ચાલકોને દંડ ફટકારાયો હતો. તસ્‍વીરોમાં દંડની કાર્યવાહીના દ્રશ્‍યો અને ક્‍યાંક ક્‍યાંક પોલીસ અને વાહનચાલક મહિલાઓ વચ્‍ચે ચકમક ઝરી તેના દ્રશ્‍યો જોઇ શકાય છે. અત્રે નોંધનીય છે કે દરરોજ વાહન ચાલકો દંડાઇ રહ્યા છે, તેની વ્‍હારે આવે તેવું કોઇ દેખાતું નથી. આ કારણે અનેક તકલીફોનો સામનો કરીને પણ શહેરમાં વાહનચાલકો હેલ્‍મેટ પહેરવા મજબુર થયા છે. બીજા તમામ નિયમોનું પાલન કરવા વાહન ચાલકો તૈયાર છે અને પાલન કરી પણ રહ્યા છે. હેલ્‍મેટ સામે વાંધો છે પરંતુ આમ છતાં હેલ્‍મેટ પહેરી રહ્યા છે અને ન પહેરનારા દંડ ભરી રહ્યા છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:46 pm IST)