Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

શુક્રવારે મોરબીથી રેજંગલા વોરિયર્સ યાત્રા

૧૯૬૨માં રેજંગલાના યુધ્ધમાં શહિદ થયેલા વીર આહિર જવાનોની યાદમાં આહિર એકતા મંચ દ્વારા આયોજન : ભોજાબાપાની પ્રતિમાને ફૂલહાર કરી યાત્રાનું પ્રસ્થાન,ગામોગામ ફરશે, ૧૮મીએ ગોવર્ધન પર્વત (કચ્છ) ખાતે સમાપનઃ સંતો- મહંતોની ઉપસ્થિતિમાં જાહેરસભા

રાજકોટ,તા.૧૨: ૧૯૬૨માં રેજંગલાના યુધ્ધમાં શહિદ થયેલા વીર આહીર જવાનોની યાદમાં મોરબીથી ગોવર્ધન પર્વત (કચ્છ) સુધીની રેજંગલા વોરીયર્સ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું  છે.

આ અંગેની વિગતો આપવા અકિલા કાર્યાલયે આવેલા આહિર એકતા મંચના આગેવાનોએ જણાવેલ કે ૧૮ નવેમ્બર ૧૯૬૨માં ચીન સામે રેજંગલાના યુધ્ધમાં શહિદ થયેલા આહિર જવાનો કે જેની શહાદત અને પરાક્રમથી રેજંગલાના પહાડો આજે ભારતના નકશામાં છે. આ વીર શહીદ આહીર જવાનોની શહાદત કાયમ યાદ રહે તે માટે ગોવર્ધન પર્વત, કચ્છ સુધીની રેજંગલા વોરિયર્સ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈ તે માટે મોરબી, જામનગર, કચ્છ જિલ્લાના ૧૦૨ ગામોમાં જઈ ગ્રામસભાઓ કરી આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઉપરાંત રેલીમાં શિસ્તબધ્ધ રીતે જોડાવા વિનંતી કરાઈ છે.

આ યાત્રા ૧૫ નવેમ્બરના રોજ મોરબી ખાતે આવેલ આહીર વીર ભોજાબાપાની પ્રતિમાએ ફૂલહાર કરી સવારે ૯ વાગ્યે સંતો- મહંતો અને આગેવાનો દ્વારા પ્રસ્થાન થશે. જે યાત્રા દહિંસરા, વવાણિયા, માળીયા વગેરે ગામોમાં થઈ રાત્રે કચ્છના જંગી ગામે પહોંચી રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે ૧૬ નવેમ્બરના સામખીયારી, ચોબરી, લૂણવા વગેરે ગામોમાં થઈ રાત્રે કચ્છના ભીમાસર પહોંચી રાત્રી રોકાણ કરશે. ત્રીજા દિવસે ચાંદરણી, જરૂ વગેરે ગામોમાં થઈ સાપેડા પહોંચી રાત્રી રોકાણ કરશે. ચોથા દિવસે સવારે ૯ વાગ્યે ગોવર્ધન પર્વત, સતાપર, કચ્છ પહોંચી ત્યાં વિશાળ સભામાં જોડાઈને શહીદવીર આહીર જવાનોને શ્રધ્ધાંજલી આપવામાં આવશે. જેમાં સંતો- મહંતો- આગેવાનો તથા વિશાળ સંખ્યામાં આહીર સમાજ ઉપસ્થિત રહેશે તેમ જણાવાયું છે.

તસ્વીરમાં આહિર સમાજના આગેવાનો સર્વશ્રી વી.ડી.બાલા, અર્જુનભાઈ આંબલીયા (મો.૮૨૦૦૫ ૮૯૮૦૫), રામભાઈ મીયાત્રા (મો.૯૮૨૫૧ ૦૯૧૮૪), રાજુભાઈ ડાંગર (મો.૮૭૫૮૦  ૦૦૦૧૫), મુકેશભાઈ જોટવા અને ગીતાબેન જોટવા નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:19 pm IST)