Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

પરેશ ભરવાડની પત્નિએ પ્રેમી મારફત હત્યા કરાવી'તી

કિરણે પોતાના પ્રેમી મયુર ઉર્ફ મયલાને કહ્યું-મારા ઘરવાળાનો અનહદ ત્રાસ છે, તું એને પતાવી દે નહિતર એ મને મારી નાંખશે...ને મયુરે લાગણીમાં આવી હત્યાને અંજામ આપ્યોઃ કોઠારીયા સોલવન્ટ પાસેના મચ્છોનગરના યુવાનની રહસ્યમય હત્યાનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલ્યો : શુક્રવારે મયુર આટો મારવાના બહાને પરેશને બાઇકમાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઇ ગયોઃ ત્યાં અવેડો જોઇ પરેશ ન્હાવા પડ્યોઃ બહાર નીકળ્યો પછી એ પરેશને મુકીને જ રવાના થઇ ગયોઃ ત્યાર પછી મયુરને કિરણે ફોન કરી પતાવી દેવાનું કહેતાં જ મયુર પાછો વળ્યો અને પરેશને ધક્કો મારી પછાડી દીધો પછી છાતી પર ચડી જઇ બે હાથથી ગળાટૂંપો દઇ રહેંસી નાંખ્યોઃ પરેશથી અલગ રહેતી પત્નિ કિરણ અને તેના પ્રેમી મયુર ઉર્ફ મયલો ચાવડીયાની ધરપકડ : એએસઆઇ બી. જે. જાડેજા, નગીનભાઇ ડાંગર અને યુવરાજસિંહ ઝાલાની સફળ બાતમી

હત્યાના બનાવનો ભેદ ઉકેલાઇ જતાં માહિતી આપી રહેલા ક્રાઇમ બ્રાંચના એસીપી જે. એચ. સરવૈયા, પીએસઆઇ એ. એસ. સોનારા તથા સાથે પીએસઆઇ જોગરાણા,  એએસઆઇ બી. જે. જાડેજા, નગીનભાઇ ડાંગર, એભલભાઇ બરાલીયા સહિતની ટીમ તથા ઝડપાયેલા આરોપી મયુર ઉર્ફ મયલો ચાવડીયા અને હત્યાનો ભોગ બનનારની પત્નિ કિરણ પરેશ ગોહેલ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા) (

રાજકોટ તા. ૧૨: કોઠારીયા સોલવન્ટ પાસેના મચ્છોનગરના ભરવાડ યુવાન પરેશ  ઉર્ફ પવો નાથાભાઇ ગોહેલ (ઉ.૪૨)ની શનિવારે કોઠારીયા સોલવન્ટ પાણીના ટાંકા પાસેથી  હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યાની આ ઘટનાએ ભારે ભેદ ભરમ ઉભા કર્યા હતાં. દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમના એએસઆઇ બી. જે. જાડેજા, કોન્સ. નગીનભાઇ ડાંગર તથા યુવરાજસિંહ ઝાલાની બાતમી પરથી ઉકેલાઇ ગયો છે. પરેશની હત્યા તેનાથી અલગ રહેતી તેની જ પત્નિ કિરણે પોતાના પ્રેમી પ્રહલાદ પ્લોટ-૩૫માં રહેતાં મયુર ઉર્ફ મયો ચંદુભાઇ ચાવડીયા (ઉ.૪૦) મારફત કરાવ્યાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ બંનેને દબોચી લીધા છે. કિરણે એવું રટણ કર્યુ છે કે પતિ પરેશ તેને ખુબ ત્રાસ આપતો હતો. જો તેણે તેની હત્યા ન કરાવી હોત તો તે પોતાની હત્યા કરી નાંખે તેવો ભય હતો! પોલીસ કિરણની આ કેફીયત ચકાસી રહી છે.

આજીડેમ પોલીસે હત્યાની આ ઘટનામાં મૃતક યુવાન પરેશ ગોહેલના ભાઇ કાળુભાઇ નાથાભાઇ ગોહેલ (ઉ.૪૫-રહે. મછોનગર)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ કે તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૦૨ મુજબ હત્યાનો ગુનો નોંધ્યો હતો. હત્યા કોણે અને શા માટે કરી? તે અંગે તપાસ કરવા પોલીસે જુદી-જુદી દિશામાં દોડધામ આદરી હતી. હત્યાનો ભોગ બનનાર મોબાઇલ ફોન પણ વાપરતો ન હોઇ પોલીસને દિશા મળી નહોતી. દરમિયાન આ ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચની ટીમ પણ કામે લાગી હતી. એ દરમિયાન ટૂકડીના ચુનંદા જવાનોને ચોક્કસ બાતમી મળી જતાં પ્રહલાદ પ્લોટ-૩૫માં રહેતાં મયુર ઉર્ફ મયલો ચંદુભાઇ ચાવડીયા (ઉ.૩૦)ને ઉઠાવી લઇ વિશીષ્ટ ઢબે પુછતાછ કરતાં જ ભેદ ઉકેલાઇ ગયો હતો.

મયુર ઉર્ફ મયલા ચાવડીયા (ભરવાડ)એ કબુલ્યું હતું કે તેને હત્યાનો ભોગ બનનાર પરેશની પત્નિ કિરણ સાથે બે વર્ષથી પ્રેમ હતો. પહેલી વખત એટલે કે બે વર્ષ પહેલા તેની કિરણ સાથે દ્વારકામાં મુલાકાત થઇ હતી. ત્યારથી બંને એકબીજાના પરિચયમાં હતાં. કિરણને તેનો પતિ પરેશ દારૂ પી મારકુટ કરી અનહદ ત્રાસ આપતો હોઇ તે કંટાળી ગઇ હતી. આથી તે અવાર-નવાર તેને મારી નાંખવાની વાતો કરતી હતી. છેલ્લે તે કંટાળીને પતિથી અલગ રહેવા પણ જતી રહી હતી. આમ છતાં ત્રાસ ચાલુ હોઇ પતિ પરેશનો કાંટો કાઢી નાંખવા માંગતી હતી. તેના કહેવાથી જ પોતે ૮મીએ શુક્રવારે રાતે પરેશના ઘર પાસે ગયો હતો. એ દરમિયાન પરેશ ભેગો થઇ ગયો હતો. અગાઉ એક વખત કિરણે તેના પતિ પરેશને દૂરથી દેખાડ્યો હતો.

પરેશને જોતા જ પોતે તેની પાસે ગયો હતો અને તમે ભરવાડ છો? હું પણ ભરવાડ છું તેમ કહી ઓળખાણ કેળવી હતી અને બાદમાં આટો મારવાના બહાને તેને પોતાન પ્લેટીના બાઇકમાં બેસાડીને કોઠારીયા સોલવન્ટ પાણીના ટાંકા પાસે લઇ ગયો હતો. ત્યાં બાઇક ઉભુ રાખ્યું હતું ત્યાં કિરણનો ફોન આવ્યો હતો. મયુરે પોતે પરેશને લઇને અવાવરૂ જગ્યાએ આવી ગયો છે તેમ કિરણને કહ્યું હતું. ત્યારે કિરણે આજે મોકો છે, જવા દેતો નહિ, પુરો જ કરી નાંખજે અને તું એને માર ત્યારે તારો ફોન ચાલુ રાખજે, મારે તેની ચીસો સાંભળવી છે...તેમ કહ્યું હતું.

એ પછી પરેશ અવેડો જોઇ ન્હાવા પડ્યો હતો. ત્યારે એક ક્ષણે મયુરે તેને મારવાનો વિચાર પડતો મુકયો હતો અને બાઇક હંકારી ચાલતો થયો હતો. ત્યાં ફરીથી કિરણનો ફોન આવ્યો હતો અને શું થયું? તેમ પૃછા કરી તેને મારી જ નાંખજે...તેમ કહેતાં પોતે (મયુર) પાછો વળ્યો હતો અને પરેશ અવેડામાંથી બહાર આવતાં જ તેને ધક્કો મારી પછાડી દઇ તેની છાતી પર બંને પગ રાખી ચડી ગયો હતો અને બંને હાથથી ગળાચીપ આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ તે નજીકના વાડામાં જઇ છુપાઇ ગયો હતો અને મોડેથી પોતાના ઘરે જતો રહ્યો હતો.

કિરણે હત્યા પાછળ પરેશનો ત્રાસ કારણભુત હોવાનું રટણ કર્યુ છે. ખરેખર તેની આ કબુલાત સાચી છે કે પછી પરેશ તેણીના પ્રેમસંબંધને જાણી જતાં તેનો કાંટો કઢાવી નાંખ્યો? તે અંગે તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાની સુચના મુજબ પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ એ. એસ. સોનારા, એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, કોન્સ. નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, યુવરાજસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયા, મનજીભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પરેશગીરી ગોસ્વામી, મહિલા કોન્સ. મિતાલીબેન ઠક્કર સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

આરોપી મયુર પરિણીત અને બે સંતાનનો પિતા

. પ્રેમિકાના કહેવાથી હત્યા કરનાર મયુર ઉર્ફ મયલો દુધનો ધંધો કરે છે. તે પરિણીત છે અને બે સંતાનનો પિતા છે. આ કૃત્યથી બે બે પરિવારોના માળા વેરવિખેર થઇ ગયા છે.

પરેશ મોબાઇલ નહોતો રાખતો, તેની પત્નિનો ફોન રહસ્ય ઉકેલવામાં નિમિત બન્યો

. હત્યાનો ભોગ બનનાર પરેશ મોબાઇલ ફોન રાખતો ન હોઇ પોલીસની મુંજવણ વધી ગઇ હતી. બીજી તરફ કિરણ મોબાઇલ ફોન વાપરે છે કે કેમ? તેની તપાસ થતાં તેણીએ પણ પોતાની પાસે ફોન નથી પણ છોકરાવ ગેમ રમવા ફોન વાપરે છે તેમ કહેતાં પોલીસે આ ફોનની કોલ ડિટેઇલ કઢાવી હતી. જેમાં એક શંકાસ્પદ નંબર સામે આવ્યા હતાં. આ નંબરોની તપાસમાં કિરણ અને તેના પ્રેમી મયુર ઉર્ફ મયલાનું કનેકશન ખુલ્યું હતું અને પોલીસને હત્યાનો ભેદ ઉકેલવાની દિશા મળી હતી.

આઠ દિવસ પહેલા માથાકુટ થતા કિરણે   પતિ પરેશને માથામાં ધોકો ફટકાર્યો'તો

મચ્છોનગરમાં રહેતો પરેશ ભરવાડ પત્નિ કિરણ અને બે બાળકોથી અલગ તેની માતા સાથે રહેતો હતો. અને આઠ દિવસ પહેલા બંને વચ્ચે ઝઘડો થતા કિરણે પતિ પરેશને માથામાં ધોકો ફટકારી દેતા તેને માથામાં આઠ જેટલા ટાંકા પણ આવ્યા હતી. ત્યારથી જ પત્ની કિરણે તેનું કાંસળ કાઢી નાખવાનું નક્કી કર્યુ હતું.

બે વર્ષ પહેલા કિરણને મયુર ઉર્ફે મયલાને દ્વારકામાં મુલાકાત થઇ'તી

રાજકોટઃ મચ્છોનગરમાં રહેતા પરેશ ગોહેલ પત્ની કિરણ તેના બે પુત્રો બે વર્ષ પહેલા દ્વારકા ગયા હતા. ત્યારે મયુર ઉર્ફે મયલો ચંદુભાઇ ચાવડીયા સાથે મુલાકાત થઇ હતી. અને બંનેએ એક બીજાને મોબાઇલ નંબર આપ્યા હતા. ત્યારથી બંને એક બીજા સાથે ફોનમાં વાતચીત પણ કરતા હતા.

દિયર અને સગાપુરએ હત્યા કર્યાની કિરણે ખોટી સ્ટોરી ઉભી કરી પણ...

મચ્છોનગરના ભરવાડ યુવાનની હત્યામાં પોલીસે ભોગબનનારની પત્ની કિરણની પૂછપરછ કરતા બે દિયર અને પુત્રએ હત્યા કર્યાની ખોટી સ્ટોરી ઉભી કરી હતી. બાદ પોલીસે તેના મોબાઇલ નંબરની કોલ ડીટેલ તપાસતા તેના પ્રેમી મયુર ઉર્ફે મયલા ચાવડીયાનો નંબર મળી આવતા ભેદ ઉકેલાયો હતો.

ક્રુર કિરણ...પ્રેમીને કહ્યું-તું પરેશને માર ત્યારે ફોન ચાલુ રાખજે, મારી એની ચીસો સાંભળવી છે!

રાજકોટઃ કોઠારિયા સોલવન્ટ મચ્છોનગરના ભરવાડ યુવાનની હત્યામાં પત્ની કિરણે આઠ દિવસ પહેલાજ પ્રેમી મયુર ઉર્ફે મયલો ચંદુભાઇ ચાવડીયાને પતિ પરેશનું કાસળકાઢી નાખવાનું નક્કી કર્યુ હતું. અને 'મારે તેની ચીસો સાંભળવી છે' તુ મોબાઇલ ચાલુ રાખજે તેમ કિરણે તેના પ્રેમી મયુરને કહી પોતાની ક્રુરતા છતી કરી હતી.

(4:14 pm IST)