Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

પ્રદ્યુમન પાર્કમાં હીમાલીયન રીંછ સહીત રપ પ્રાણી-પક્ષીઓનું નવુ આકર્ષણ

રાજકોટ ઝુએ છતબીર ઝુંને સિંહ, સફેદ વાઘ અને જંગલી બિલાડી સહીત ૪ પ્રાણીઓ આપી બદલામાં નવા પ્રાણીઓ લીધાઃ નવા પ્રાણી-પક્ષીઓ ર૧ દિવસ પછી લોકોને જોવા મળશે

રાજકોટ, તા., ૧૨: મ્યુ. કોર્પોરેશન સંચાલીત પ્રદ્યુમન પાર્ક ઝુમા હીમાલીયન રિંછ સહીત નવા રપ જેટલા પ્રાણીઓ અને પક્ષીઓનું આકર્ષણ ઉમેરાયું છે. આ તમામ નવા પ્રાણીઓ હાલ અવલોકન હેઠળ છે જે તમામને ત્રણ અઠવાડીયા બાદ એટલે કે ર૧ દિવસ પછી લોકોને જોવા મળશે.

આ અંગે ઝુ વિભાગની યાદી મુજબ રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝુ ઓથોરીટી ન્યુ દિલ્હીના માર્ગદર્શન હેઠળ આધુનીક ઢબે વિકાસ કરવામાં આવી રહયો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનીમય હેઠળ ભારતના અન્ય ઝુ પાસેથી નવા નવા વન્ય પ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝુનો વિકાસ કરવામાં આવે છે. જે અંતર્ગત સેન્ટ્રલ ઝુ ઓથોરીટી ન્યુ દિલ્હી તથા રાજય સરકાર દ્વારા રાજકોટ પ્રાણી ઉદ્યાન અને એમ.સી. ઝુલોજીકલ પાર્ક, છતબીર વચ્ચે વન્યપ્રાણી-પક્ષીઓ વિનીમય કરવા મંજુરી મળતા ર૮ પ્રાણી-પક્ષીઓ મેળવવામાં આવેલ છે.

જેમાં રાજકોટ ઝુએ ર એશીયાઇ સિ઼હ, ૧ સફેદ વાઘ, ૧ જંગલ કેટ આપી અને બદલામાં છતબીર ઝુ પાસેથી હિમાલીયન રીંછ ૧, જંગલ કેટ ર, રોઝ રીંગ પેરાકીટ પક્ષી-૬, એલેઝાન્ડ્રીન પેરાકીટ પક્ષી ૪, રીંગનેક ફિઝન્ટ પક્ષી-ર, જાવા સ્પેરો પક્ષી-ર અને ઝિબ્રા ફિન્ચ પક્ષી-૧૦ જયારે હમદ્રયાસ બબુલન (નર-૧, માદા-૧) પૈકી હાલ માદા વાનર-૧ લાવાવમાં આવેલ છે. બબૂન નર હલ છતબીર ઝુ ખાતે ઉપલબ્ધ ન હોય, ટુંક સમયમાં તેઓ દ્વારા (છતબીર ઝૂ) બબૂન નર અન્ય ઝૂ પાસેથી મેળવી રાજકોટ ઝુને સોંપવામાં આવેશ.

હાલ આ તમામ પ્રાણી-પક્ષીઓને ત્રણ અઠવાડીયા સુધી કવોરેન્ટાઇનમાં અવલોકશન હેઠળ રાખવામાં આવેલ છે. કવોરેન્ટાઇન સમય પૂર્ણ થતા મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવશે. આ નવા પ્રાણી-પક્ષીઓ આવતા હાલ રાજકોટ ઝૂ ખાતે જુદી જુદી પપ પ્રજાપતિના કુલ-૪૩૦ પ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવી રહ્યા છે.

એ નોંધનિય છે કે હાલ ગુજરાતના એક પણ ઝુમાં વિદેશી વાનર હમદ્રયાસ બબૂન રાખવામાં આવેલ નથી. આથી રાજકોટ ઝૂ બબૂન વાનરોને પ્રદર્શીત કરનાર ગુજરાતનું પ્રથમ ઝૂ બનેલ છે. ચાલુ વર્ષે રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારમાં ખુબ જ સારો વરસાદ પડતા ઝૂની બન્ને બાજુનાં બન્ને તળાવો લાલપરી તથા રાંદરડા સંપૂર્ણ ભરાઇ જતા તથા ઝૂનું કુદરતી સૌંદર્ય વાતાવરણ જોઇ મુલાકાતીઓ ખુબ જ પ્રભાવિત થાય છે.

દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન રાજકોટ ઝૂ મુલાકાતીઓ માટે ફરવા માટેનું હોટ ફેવરીટ સ્થળ બની ચુકયું છે. દિવાળીના તહેવારોથી આજદિન સુધી ઝુ ખાતે ૮૧,૦૦૦ થી પણ વધારે મુલાકાતીઓ (આવતાં) રાજકોટ મહાનગરપાલિકાને રૂ.ર૦.૦૦ લાખથી પણ વધારે આવક થયેલ છે.

(4:13 pm IST)