Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

રેલનગર આસ્થા એવન્યુમાં સાવિત્રીબેન સિંધીનો ભોં ટાંકામાં ડૂબી જઇ આપઘાત

ચારેક વર્ષથી પેરાલિસિસથી પીડાતા હોવાથી કંટાળીને પગલું ભર્યુઃ સવારે રૂમમાં જોવા ન મળતાં પરિવારજનોએ તપાસ કરતાં ફળીયાના ટાંકામાંથી મળ્યાઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૨: રેલનગર આસ્થા એવન્યુમાં રહેતાં સિંધી મહિલાએ પેરેલિસિસથી કંટાળી જઇ ઘરના ફળીયાના ભોં ટાંકામાં પડી જઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ આસ્થા એવન્યુ મકાન નં. ૯માં રહેતાં સાવિત્રીબેન પ્રવિણભાઇ સેવાણી (ઉ.વ.૫૫) નામના સિંધી લોહાણા મહિલાનું ભોં ટાંકામાં ડૂબી જવાથી મોત થયાની જાણ ૧૦૮ના ઇએમટી ધીરૂભાઇ મારફત થતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર તથા રાઇટર અશોકભાઇ હુંબલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.  સવારે પરિવારજનો જાગ્યા ત્યારે  સાવિત્રીબેન  તેમના રૂમમાં જોવા ન મળતાં શોધખોળ આદરી હતી. દરમિયાન ફળીયામાં ભોં ટાંકાનું ઢાંકણુ ખુલ્લુ જોતાં તેમાં તપાસ કરતાં તેઓ અંદર જોવા મળતાં સ્વજનો હેબતાઇ ગયા હતાં. દેકારો મચી જતાં અડોશી-પડોશી ભેગા થઇ ગયા હતાં. પડોશી દિગ્વીજયસિંહ ગોહિલે ફાયર બ્રિગેડ અને ૧૦૮ને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે સાવિત્રીબેનને બહાર કાઢ્યા હતાં. તેમને ૧૦૮ના તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ સાવિત્રીબેનને ચારેક વર્ષથી પેરાલિસિસ હતું. આ કારણે કંટાળી જઇ તેમણે આ પગલું ભર્યુ હતું. તેમના પતિ પ્રવિણભાઇને હોસ્પિટલ ચોકમાં પાનનો ગલ્લો છે. સંતાનમાં ત્રણ પુત્રો છે. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(3:42 pm IST)