Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

પેડલ મારો, શરીર નિરોગી બનાવોઃ રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન આયોજિત સાઈકલોફનનું રજિસ્ટ્રેશન શરૂ

ચાર પગલાં ચાલવા માટે પણ વાહનનો ઉપયોગ કરતાં લોકોને સાઈકલ તરફ વાળવાનો ઉમદા હેતુ : ૧૫ ડિસેમ્બરે શહેરના રસ્તાઓ પર સાઈકલ દોડશે સડસડાટઃ ૨૫ અને ૫૦ કિ.મી. સાઈકલિંગ ઈવેન્ટની ચાલતી તડામાર તૈયારીઓઃ એક વખત સાઈકલ ચલાવ્યા બાદ વાહનનો ત્યાગ થશે, થશે ને થશે જ તેવો આશાવાદ

રાજકોટ, તા.૧૨ : રાજકોટ સ્વચ્છ અને પ્રદૂષણમુકત રહે, રાજકોટવાસીઓ તંદુરસ્ત રહે તેવા શુભ અને ઉમદા હેતુથી રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા ૧૫ ડિસેમ્બરે રાજકોટમાં સવન સાઈકલોફનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને સાઈકલપ્રેમીઓ ભાગ લેવા માટે આતૂર બન્યા છે. ૨૫ અને ૫૦ કિલોમીટરની આ સાઈકલિંગ ઈવેન્ટની આયોજકો દ્વારા આ ઈવેન્ટ શહેર માટે જ નહી બલ્કે ગુજરાત માટે એક નવો ચીલો ચાતરે તેવી તૈયારીઓ ચાલી રહી છે. ચાર પગલાં ચાલવા માટે પણ વાહનનો ઉપયોગ કરતાં લોકોને સાઈકલ તરફ વાળવા માટે રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને રાજકોટ સાઈકલ કલબનો ઉમદા હેતુ આ આયોજન પરથી ફલિત થઈ રહ્યો છે અને તેમના આ હેતુથી શહેરીજનો મીઠો આવકાર પણ આપી રહ્યા છે.

સાઈકલોફનમાં ભાગ લેવા માટે ૨૫ કિલોમીટરની રાઈડની રજિસ્ટ્રેશન ફી રૂ.૨૫૦ રાખવામાં આવી છે અને આ રાઈડ પૂરી કરવાની સમયમર્યાદા દોઢ કલાક રખાઈ છે. જયારે ૫૦ કિલોમીટર રાઈડની સમયમર્યાદા ત્રણ કલાક અને રજિસ્ટ્રેશન ફી રૂ.૪૦૦ રાખવામાં આવી છે. આ માટે રોટરી મીડટાઉન લાયબ્રેરી (સિટી સિવક બિલ્ડીંગ, અમીન માર્ગ) અને રોટરી ડોલ્સ મ્યુઝિયમ (ડો.યાજ્ઞિક રોડ, હિરા પન્ના કોમ્પલેકસ સામે) ખાતે રજિસ્ટ્રેશન કરાવી શકાશે. આ ઉપરાંત ઓનલાઈન રજિસ્ટ્રેશન www.rajkotmarathon.in ઉપર થઈ શકશે.

રાજકોટ સાઈકલ કલબના સભ્યોએ લોકોને આ રેલીમાં જોડાવવા માટે હાકલ કરતાં જણાવ્યું હતું કે જો તમને રોજ ચાલવાની ટેવ હોય કે કસરત કરવાની ટેવ તો અચૂકથી આ સાઈકલ ઈવેન્ટમાં ભાગ લેવો જોઈએ. સાઈકલોફન એ આનંદ અને કસરતનો સુભગ સંગમ છે. આ ઈવેન્ટ તકી લોકોની ક્ષમતા બહાર આવશે અને લોકો ૨૫ અને ૫૦ કિલોમીટર સાઈકલ આરામથી ચલાવી શકશે. જો કે લોકોએ ૨૫ અને ૫૦ કિલોમીટરની રાઈડ કરવી ફરજિયાત નથી અને જો તેમને અનુકૂળ ન આવે તો તેઓ વચ્ચેથી પણ નીકળી શકશે. આ સાઈકલોફન થકી કસરતની સારી શરૂઆત કરવાની પણ ઉમદા તક છે. આયોજકો દ્વારા સાઈકલોફન દરમિયાન મેડિકલ તેમજ નોન-મેડિકલ સહાય ઉપલબ્ધ રાખવામાં આવી છે.

આ રાઈડમાં ભાગ લેવા માટે નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે જે અનુસાર ૧૬દ્મક ૧૮ વર્ષના સાઈકલીસ્ટની સાથે વાલી હોવા જરૂરી છે. સમયમર્યાદામાં રાઈડ પૂરી કરી લેનાર સાઈકલીસ્ટને મેડલ તેમજ લક્કી ડ્રો થકી ગીફટ આપવામાં આવશે. આ રેલીમાં ભાગ લેનારે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે અને હેલ્મેટની વ્યવસ્થા સાઈકલીસ્ટે કરવાની રહેશે. ભાગ લેનારા સાઈકલીસ્ટને આયોજકો તરફથી ટી-શર્ટ આપવામાં આવશે. આ રેલી રેસકોર્સ ગ્રાઉન્ડ પરથી સવારે શરૂ થશે અને આ રેલીનું રજિસ્ટ્રેશન ૩૦ નવેમ્બર સુધી થઈ શકશે.

સવન બિલ્ડર્સ, રોલેકસ બેરિફ઼ગ અને શિવમ કિઆ તેમજ મહાનગરપાલિકા, જિલ્લા કલેકટર, શહેર પોલીસ, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશન, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી સહિતના સહયોગ આપી રહ્યા છે.

ઈવેન્ટને સફળ બનાવવા માટે કલબ પ્રોજેકટ ચેરમેન દિવ્યેશ અદ્યેરા, પ્રેસિડેન્ટ જિજ્ઞેશ અમૃતિયા, કો-ચેરમેન દીપક મહેતા, સેક્રેટરી વિશાલ અંબાસણા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

રજીસ્ટ્રેશન ફ્રી

રોટરી કલબ મીડટાઉન દ્વારા આગામી ૨૯ ડિસેમ્બરે સવન રાજકોટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેને અત્યારથી જ બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. મેરેથોનમાં ભાગ લેવા દરેક સ્પર્ધક માટે પાંચ કિલોમીટરની દોડના રૂ.૨૦૦, જયારે સ્કૂલ-કોલેજ તરફથી વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવે તો તેના માટે આ દોડના ૧૦૦, ૧૦ કિ.મી.ના રૂ.૪૯૦ અને હાફ મેરેથોનની રૂ.૮૦૦ ફી રાખવામાં આવી છે. મેરેથોનમાં રજિસ્ટ્રેશન કરાવવની છેલ્લી તા. ૭ ડિસેમ્બર છે. આ સ્પર્ધામાં વિજેતા બનનારા સ્પર્ધકોને આકર્ષક ઈનામોથી પ્રોત્સાહિત કરવામાં આવશે.

(3:33 pm IST)