Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

રૈયાધારમાં ૩૦૦ લોકોને આંખમાં ભેદી બળતરા

મુસ્લિમ પરિવારના દિકરાની સગાઇના જાગરણ (દાંડીયા રાસ)માં ૧૭૫ મહેમાનો અને અડોશી પડોશીઓને આંખમાં તકલીફ શરૂ થઇઃ રાતભર પાણી છાંટી છાંટીને સહન કર્યુ, સવારે રિક્ષાઓ ભરી-ભરીને લોકો સારવાર માટે સવિલ હોસ્પિટલે પહોંચ્યા : આંખની હોસ્પિટલના તબિબોએ કહ્યું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથીઃ આંખના ટીપા-સારવાર બાદ બળતરામાં રાહત શરૂ થઇ ગઇઃ કોઇને ગંભીર અસર નથી : હવામાં ઉડી ૫૦ ધડાકા થાય તેવા ફટાકડા નજીકમાં કોઇએ ફોડ્યા હતાં: તેના ધૂમાડાથી બળતરા થયાની શકયતા? : બળતી આંખો સાથે સંધી પરિવારજનોએ સગાઇ પ્રસંગમાં હાજરી આપી : સારવાર માટે ટોળેટોળા ઉમટી પડતાં સિવિલ હોસ્પિટલની સિકયુરીટી ટીમે ખાસ વ્યવસ્થા ગોઠવી

યે કયા હુઆ...?: રૈયાધારમાં સંધી મુસ્લિમ પરિવારના દિકરાની સગાઇના જાગરણ-દાંડિયારાસનો પ્રસંગ રાતે પુરો થયા બાદ અચાનક પરિવારજનો, ઉપસ્થિત મહેમાનો અને અડોશી-પડોશીઓની આંખોમાંથી પાણી વહેવાનું શરૂ થઇ જવા સાથે બળતરા ઉપડી જતાં બધા ઘાંઘા થઇ ગયા હતાં. અચાનક આવું કઇ રીતે થવા માંડ્યું? તે જાણવા સોૈએ દોડધામ શરૂ કરી હતી. પણ બળતરાનું કારણ જાણી શકાયું નહોતું. રાતભર આંખોમાં પાણી છાંટી-છાંટીને સોૈએ તકલીફ સહન કરી હતી. એ પછી વહેલી સવારે બધા સિવિલ હોસ્પિટલના આંખના વિભાગમાં સારવાર માટે દોડી આવતાં તબિબોએ તાકિદની સારવાર શરૂ કરી હતી. તસ્વીરોમાં આંખની હોસ્પિટલ, સારવાર આપી રહેલા તબિબો અને નર્સિંગ સ્ટાફ તથા જેની આંખોમાં બળતરા થઇ હતી તે લોકો જોઇ શકાય છે. સોૈથી નીચેની તસ્વીરમાં જેના દિકરાની સગાઇ હતી તે અજીતભાઇ મોકરશી (રાઉન્ડ કર્યુ છે તે) તથા તેમના પરિવારજનો જોઇ શકાય છે. અંદાજે ૩૦૦ જેટલા લોકોને બળતરા ઉપડતાં સારવાર લીધી હતી. જો કે આ બળતરા કયા કારણોસર ઉપડી તેનું રહસ્ય જાણી શકાયું નહોતું. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૨: શહેરના રૈયાધારમાં  રહેતાં મુસ્લિમ પરિવારના દિકરાની સગાઇ પ્રસંગે ગત રાતે યોજાયેલા જાગરણ (દાંડીયા રાસ) બાદ આ પરિવારના સભ્યો, ૧૭૫ જેટલા મહેમાનો અને આસપાસના રહેવાસીઓ મળી કુલ ૩૦૦ લોકોને આંખમાં  ભેદી બળતરા ઉપડી જતાં દેકારો મચી

ગયો હતો. તો અચાનક બળતરા ઉપડી જતાં અને આંખોમાંથી પાણી વહેવા માંડતા ભય પણ ફેલાઇ ગયો હતો. વાતાવરણમાં કંઇક ગેસ લિકેજ થયો હશે એટલે કદાચ આંખો બળતી હશે તેમ સમજી બધાએ રાતભર આંખમાં પાણી છાંટી-છાંટીને તકલીફો સહન કરી હતી. સવારે બળતરા વધી જતાં બધા રિક્ષાઓ મારફત સિવિલ હોસ્પિટલ આંખના વિભાગમાં ઉમટી પડતાં તબિબો-નર્સિંગ સ્ટાફે તમામને તાકીદની સારવાર આપી હતી. આંખમાં ટીપા નાંખવામાં આવતાં જ રાહત શરૂ થઇ ગઇ હતી. જો કે બળતરા કયા કારણોસર થતી હતી? તે અંગે તબિબો પણ કોઇ તારણ કાઢી શકયા નહોતાં.

બનાવની વિગતો જણાવતાં રૈયાધાર રાણીમા રૂડીમા ચોકમાં રહેતાં અને મજુરી કરતાં અજીતભાઇ બચુભાઇ મોકરશી (ઉ.વ.૫૦) નામના સંધી મુસ્લિમ પ્રોૈઢ જણાવ્યું હતું કે મારા દિકરા મહમદની આજે સગાઇ છે. તેની સગાઇ પોપટપરા ૫૩ કવાર્ટરમાં રહેતાં જાહીદભાઇ સમાની દિકરી આરઝૂ સાથે આજે રાખવામાં આવી હોઇ અમારે આજે સવારે અમારે બધાને સગાઇ કરવા માટે જવાનું હતું. એ પહેલા એટલે કે સોમવારે રાતે અમારા ઘરે જાગરણ-દાંડીયા રાસ રાખવામાં આવ્યા હતાં. જેમાં કન્યા આરઝૂ  તથા તેના પરિવારજનોએ પણ હાજરી આપી હતી. પરિવારના સભ્યો તથા આમંત્રીત મહેમાનો મળી ૨૦૦ જેટલા લોકો દાંડીયારાસ-જાગરણમાં જોડાયા હતાં.

મોડી રાત સુધી આ પ્રસંગ ચાલ્યો હતો. એ પછી અચાનક જ બધાની આંખોમાં બળતરા ઉપડી ગઇ હતી. સગાઇમાં સામેલ તમામ લોકો તથા પડોશીઓ અને આસપાસના રહેવાસીઓમાં પણ આંખોની બળતરાની ફરિયાદ ઉઠતાં બધાએ ભેગા થઇ તપાસ કરી હતી. પરંતુ આંખો શા માટે બળે છે તેની કોઇને ખબર પડી નહોતી. કદાચ કોઇ ગેસ લિકેજ થયો હશે તેમ માની સોૈએ આંખોમાં પાણી છંટકાવ કરવાનું ચાલુ કર્યુ હતું. પણ તેનાથી થોડીવાર રાહત રહેતી હતી અને ફરીથી આંખો બળવા માંડતી હતી. સવાર સુધી બધાએ સહન કર્યુ હતું. એ પછી વહેલી સવારે બધા રિક્ષાઓ તથા બીજા વાહનો મારફત સિવિલ હોસ્પિટલે ઉમટી પડતાં આંખના વિભાગમાં તબિબો અને નર્સિંગ સ્ટાફે તાકિદે સારવાર આપવાનું શરૂ કર્યુ હતું.

જેના ઘરે સગાઇ હતી તે અજીતભાઇ મોકરશી તથા તેના પરિવારના બચુભાઇ જુમાભાઇ, મુમતાઝબેન ઇશાકભાઇ, અનિશ ઈશાકભાઇ, સુમિના પલેજા, હમીરભાઇ અજીતભાઇ, ફરીદાબેન ચોૈહાણ, અફસાના હનીફભાઇ તેમજ બાળકો અને તેમજ તેમના પડોશીઓ વિનુભાઇ ગોટેચા, આરતીબેન વિનુભાઇ, પ્રિન્સ વિનુભાઇ, ધ્રુવ વિનુભાઇ તેમજ અન્ય લોકો સારવાર માટે આવ્યા હોઇ તેમણે જણાવ્યું હતું કે રાતે દાંડીયારાસ બાદ અચાનક આંખો બળવા માંડી હતી. આવુ શા માટે થયું તેની કોઇને ખબર પડી નહોતી. જેની સગાઇ આજે છે તે આરઝૂને પણ આંખમાં તકલીફ થઇ જતાં તેને પણ સારવાર આપવામાં આવી હતી.

અજીતભાઇએ કહ્યું હતું કે અમે એવી કોઇ ચીજવસ્તુઓનો ઉપયોગ કર્યો નહોતો કે જેનાથી આંખો બળે. દરમિયાન એવી ચર્ચા છે કે જ્યાં પ્રસંગ હતો તેનાથી થોડે દૂર બીજા કોઇ લોકોએ હવામાં જઇ પચાસ જેટલા ધડાકા થાય તેવા ફટાકડા ફોડ્યા હતાં. કદાચ તેના ધૂમાડાથી આ અસર થઇ હોઇ શકે. જો કે અજીતભાઇએ પોતાના પરિવાર તરફથી કોઇ ફટાકડા ફોડવામાં જ નહિ આવ્યાનું સ્પષ્ટ કહ્યું હતું.

આંખના ટીપાઓના ઉપયોગ બાદ બળતરામાં રાહત શરૂ થઇ ગઇ હતી. બળતી આંખો સાથે સગાઇ પ્રસંગમાં બધા જોડાયા  હતાં.

તબિબોએ કહ્યું હતું કે-આંખો બળવાનું કોઇ કારણ જાણી શકાયું નથી. કોઇ કેમિકલ સ્પ્રે-અત્તર કે બીજા કોઇ કારણોસર બળતરા થઇ હોઇ તેવું પણ સામે આવ્યું નથી. બધાને તાકિદની સારવાર આપી દેવામાં આવી છે. કોઇને ગંભીર અસર જણાઇ નથી.

બનાવની જાણ થતાં અને મોટી સંખ્યામાં આંખની હોસ્પિટલે લોકો એક સાથે સારવાર માટે ઉમટી પડતાં અવ્યસ્થા ન સર્જાય એ માટે સિકયુરીટી ટીમના નાઇટ ડ્યુટીના ઇન્ચાર્જ ભીમાભાઇ ખટારીયા, બાવકુભાઇ જળુ, સિકંદર શેખ, રેશ્માબેન સહિતનો સ્ટાફ તાકીદે આંખની હોસ્પિટલે પહોંચી ગયો હતો અને તમામને તાકીદે લાઇનબધ્ધ સારવાર માટે બેસાડી વ્યવસ્થા ગોઠવી હતી.

(3:15 pm IST)