Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

રાજકોટ-ગોંડલ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની દોઢ લાખ ગુણીની આવકો

યાર્ડો મગફળીની પુષ્કળ આવકોથી છલોછલઃ ખેડુતો સરકારના ટેકાના ભાવની યોજનાની રાહ જોવાને બદલે રોકડી કરી લેવાના મૂડમાં: કપાસની પણ ધૂમ આવક : મગફળી જીણી એક મણના ભાવ રૂ. ૯૦૦ થી ૯પ૦ તથા મોટી મગફળીના ૯પ૦ રૂ. ભાવ ખેડુતોને મળ્યાઃ કપાસ એક મણના રૂ. ૧૧૦૦ થી ૧ર૦૦ ભાવ રહયા

 તસ્વીરમાં રાજકોટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવકોના પગલે મગફળીના ઢગલે-ઢગલા નજરે પડે છે. બાજુની તસ્વીરમાં રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા, બાજુમાં સૌરાષ્ટ્ર વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણી નજરે પડે છે. નીચેની તસ્વીરમાં હરરાજીની પ્રક્રિયા દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧રઃ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો લાભપાંચમના શુભ મુહુર્તે મગફળીની પુષ્કળ આવકોથી છલોછલ થઇ ગયા હતા.  રાજકોટ તથા ગોંડલ સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં આજે મગફળીની દોઢ લાખ ગુણીની આવકો થઇ હતી. સાથે સાથે તમામ યાર્ડોમાં કપાસની પણ ધૂમ આવકો થઇ હતી.

સૌરાષ્ટ્રમાં ખરીફ પાકમાં મુખ્ય પાક તરીકે મગફળીનું મોટા પાયે વાવેતર થાય છે. આજે લાભ પાંચમના દિવસે સૌરાષ્ટ્રના યાર્ડો ખુલતાની સાથે જ મગફળીની પુષ્કળ આવકોથી છલ્લોછલ થઇ ગયા હતા. રાજકોટ  અને ગોંડલ યાર્ડમાં મગફળીની પ૦-પ૦ હજાર ગુણી સહિત સૌરાષ્ટ્રના તમામ યાર્ડોમાં  મગફળીની દોઢ લાખ ગુણીની આવકો થઇ હતી.  માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીના જણાવ્યા મુજબ રાજકોટ યાર્ડમાં મગફળી ઝીણી એક મણના ભાવ ૯૦૦ થી ૯પ૦ તથા મોટી મગફળીના ૯પ૦ રૂ. ભાવ ખેડુતોને મળ્યા હતા. તેવી જ રીતે રાજકોટ યાર્ડમાં કપાસની ૩૦ હજાર મણની આવકો થઇ હતી. કપાસ એક મણના ભાવ ૧૧૦૦ થી ૧ર૦૦ રૂપીયા રહયા હતા.

૧પ મી નવેમ્બરથી રાજય સરકાર એક મણના ૧૦૦૦ રૂ.ના ભાવે મગફળીની ખરીદી કરનાર છે. જો કે ખેડુતો ટેકાના ભાવે  મગફળી વેચવાની કડાકુટમાં પડવાને બદલે યાર્ડોમાં મગફળી ઠલવી રોકડી કરી લીધી હતી. યાર્ડમાં ખેડુતોને મગફળીના ભાવ ૯પ૦ થી ૯૭પ  રૂ. સુધી મળી રહયા હોય અને ટેકાના ભાવમાં ખેડુતોને ૭-૧રના દાખલા, મંત્રીના દાખલા, લેવામાં મુશ્કેલી પડતી હોય ખેડુતો યાર્ડમાં જ મગફળી વેચી રહયા છે.

અત્રે નોંધનીય છે કે સૌરાષ્ટ્રના તમામ યાર્ડોના વેપારી એસોસીએશને ભાવાંતર યોજના લાગુ કરવાની માંગણી સાથે ૧૧ દિ' માર્કેટ યાર્ડો બંધ રાખ્યા હતા. ભાવાંતર યોજના મુદ્દે રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ વેપારી એસોસીએશનની સરકાર સાથે બેઠક કરાવી આપવાની ખાત્રી આપતા વેપારી એસોસીએશનની હડતાલ સમેટી લીધી હતી.

(3:11 pm IST)