Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

ગ્રીનલેન્ડ ચોકડી પાસે ધનતેરસના દિવસે દિનેશભાઇ પટેલના કારખાનામાં ચોરી

ઇમીટેશનનો ૪૪ હજારનો માલ ગયોઃ એક શખ્સ કેમેરામાં કેદ

રાજકોટ તા.૧૨: ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવ શકિત ચેમ્બરમાં આવેલા ઇમીટેશનના કારખાનામાં ધનતેરસના દિવસે તસ્કરો ઇમીટેશનનો રૂ. ૪૪ હજારનો માલમત્તા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે હરસિદ્ધિ સોસાયટી પાછળ તિરૂપતિ બાલાજી પાર્ક શેરી નં. રમાં રહેતા દિનેશભાઇ છગનભાઇ શીંગાળાએ બી ડિવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુું છે કે, પોતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે સહારા ટ્રાવેલ્સની બાજુમાં શિવશકિત ચેમ્બર્સમાં ભાડેથી ઇમીટેશનનું કારખાનું ધરાવે છે. ગત તા. ૫-૧૧ના ધનતેરસના દિવસે સાંજે પોતે તથા કારીગર ધીરૂભાઇ સતાણી બંને કારખાનામાં દિવાળીનો હિસાબ કરી કારખાનું બંધ કરીને ઘરે જતા રહયા હતા. બીજા દિવસે સવારે પોતે કારખાનું ખોલીને દિવાબતી કરીને મંદિરની બાજુમાં રાખેલ એક બાચકુ જે કારીગરને કામ માટે દેવાનું હોવાથી તેની તપાસ કરતા તે બાચકુ કારખાનામાં જોવામાં આવેલ નહી બાદ પોતે કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તેમા એક શખ્સ ડેલી કુદીને કારખાનામાં અંદર આવી લાઇટ બંધ કરી કારખાનામાં રાખેલ ઇમીટેશનના માલના બાચકા લઇને જતો દેખાયો હતો. ત્યારબાદ કારખાનામાં તપાસ કરતા એક પિતળના પારા ભરેલું બાચકુ, પીતળના તારના ત્રણ બંડલ, ૩૦ કિલો, ટાંચણી ટાઇપનો પિતળનો છુટક માલ મળી રૂ. ૪૪૧૩૦નો માલ સામાનની ચોરી થઇ હોવાની ખબર પડી હતી. આ બનાવ અંગે દિનેશભાઇ પટેલે બી ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એમ.એમ. ઝાલા તથા અશ્વિનીભાઇ અને રાજદિપસિંહ સહિતે તપાસ હાથ ધરી છે.

(2:18 pm IST)