Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ઓરિસ્સાના શખ્સને બે કિલો ગાંજો સપ્લાય કરનારા ઓરિસ્સાના બે શખ્સ પકડાયા

યુનિવર્સિટી અને એસઓજીની ટીમે દૂર્યોધન અને ચેતનને રૈયા ચોકડીએથી દબોચી લીધા

રાજકોટ તા. ૧૨: શહેર એસઓજીએ ત્રણ દિવસ પહેલા ગાંજા સાથે ઓરિસ્સાના શખ્સને પકડી લીધો હતો. તેને ગાંજો આપનારા ઓરિસ્સાના બે ભાઇઓને હવે પકડી લેવાયા છે.

એસઓજીએ ૧૫૦ રીંગ રોડ શિતલ પાર્ક ચોકડી પાસે ભગવતી રેસિડેન્સીની બાજુમાં પાણીપુરીવાળાના ડેલા પાસે રહેતાં અને સેન્ટીંગ કામની મજૂરી કરતાં મુળ ઓરિસ્સાના નારલા કનકપુરના રાજીબા બનસીંગ ક્ષત્રીયા (ઉ.૪૬)ને રૂ. ૨૦૧૫૦ના ૨.૦૧૫ કિ.ગ્રા. ગાંજા સાથે પકડી લીધો હતો. આ શખ્સને યુનિવર્સિટી પોલીસને સોંપાતા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગણી કરવામાં આવતાં ચાર દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં. પુછતાછમાં તેને ગાંજો આપનારા શખ્સો રૈયા ચોકડી આસપાસ ઉભા રહેતા હોઇ અને પોતે જોયે ઓળખતો હોવાનું કહેતાં પોલીસે તેને સાથે રાખી રૈયા ચોકડી પાસેથી ગાંજાના બે સપ્લાયરને પકડી લીધા છે.

પકડાયેલા બે શખ્સોના નામ દૂર્યોધન ઉર્ફ પ્રકાશ રાજનભાઇ કુમાર (ઉ.૩૫-ધંધો કડીયા કામ) ચેતન રાજનભાઇ કુમાર (ઉ.૨૫-ધંધો કડીયા કામ) (રહે.  બંને-કછારડેગન ગામ તા. ભવાનીપાટણા જી. કલહાંડી ઓરિસ્સા) છે. આ બંને પોતાના વતનથી ગાંજો લાવ્યાનું અને રાજીબાને આપ્યો હોવાનું રટણ કર્યુ હોઇ બંનેની વધુ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા, ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, આર. વાય. રાવલ, પીએસઆઇ બી. જી. ડાંગર, હેડકોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા, ઇકબાલભાઇ મોરવાડીયા, કોન્સ. રાવતભાઇ ડાંગર, અજયભાઇ ભુંડીયા, મહિપાલસિંહ જાડેજા અને પ્રદિપભાઇ કોટડે જરૂરી કાર્યવાહી કરી છે. પકડાયેલા બંને પહેલી જ વાર રાજકોટ આવ્યાનું રટણ કરે છે. તેના રિમાન્ડની તજવીજ થઇ રહી છે.

(3:28 pm IST)