Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સ્માર્ટ સીટીની સોનાની થાળીમાં લોઢાની મેખ !

રાજકોટની શાન રેસકોર્ષ રીંગ રોડ પરના કલરફુલ લાઇટીંગમાં 'મોર'ની 'કળા' વિખાઇ - ફુલડા કરમાયા

૧II વર્ષ અગાઉ બ્યુટીફીકેશનના નામે ૨૫ થી ૩૦ લાખના ખર્ચે સમગ્ર રોડ પર કલરીંગ લાઇટીંગ કરાયેલ : આજે ૬૦ થી ૭૦ ટકા લાઇટીંગ બંધ છે જે ભ્રષ્ટ તંત્રની ચાડી ખાય છે

રાજકોટ તા. ૧૨ : મ.ન.પા. દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર બ્યુટીફીકેશન માટે અવાર-નવાર લાખોના ખર્ચાઓ થઇ રહ્યા છે જે અંતર્ગત ૧ાા થી ૨ વર્ષ અગાઉ એટલે કે કોરોના કાળના અગાઉના જ વર્ષે દિવાળી અવસર ઉપર જ રેસકોર્ષ રીંગ ફરતે 'કલરીંગ લાઇટીંગ' કરાયેલ પરંતુ આજે આ કલરીંગ લાઇટીંગની ૬૦-૭૦ ટકા લાઇટો બંધ હાલતમાં હોઇ રાજકોટની શાન સમો રેસકોર્ષ રીંગ રોડ કાળા ધબ્બા સમાન લાગી રહ્યો છે.

બે વર્ષ અગાઉ રેસકોર્ષ રીંગ રોડ ફરતે આવેલા કલાત્મક સ્ટ્રીટ લાઇટના પોલની બંને બાજુએ પતંગીયા, મોરલા અને ફુલછોડની આકૃતિવાળા કલરફુલ ફીચર લગાવી સમગ્ર રીંગ રોડને કલરફુલ લાઇટીંગથી ઝળહળતો કરાયો હતો પરંતુ સમય જતાં આ લાઇટીંગનું મેન્ટેનન્સ ન થયું અને આજે રીંગ રોડ ફરતે આવેલ કલરીંગ પતંગીયાઓની એક જ પાંખ ચાલુ હોવાનું તો મોરલાઓની કળાવાળો ભાગ બંધ થઇ ગયાનું અને ફુલછોડમાં પણ અર્ધા ફુલનું લાઇટીંગ બંધ થયાનું નગરજનો જોઇને જીવ બાળી રહ્યા છે. કેમકે રંગીલા રાજકોટની ઓળખ સમા રીંગ રોડને કલરીંગ લાઇટીંગથી સજ્જ કરવામાં આવતા રાજકોટવાસીઓના હૈયા હરખાયા હતા અને હવે આજ કલરફુલ લાઇટીંગમાં કાળા ધબ્બા દેખાતા રાજકોટિયનો તંત્ર સામે રોષ વ્યકત કરી રહ્યા છે ત્યારે હવે પ્રકાશ પર્વ દિવાળી આવી રહી છે તે પૂર્વે રેસકોર્ષ રીંગ રોડનું કલરીંગ લાઇટીંગ ફરી ઝળહળતુ કરી દેવામાં આવે તેવી લોક લાગણી ફેલાઇ છે.

(3:26 pm IST)