Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સુરતમાં વિદ્યાર્થીઓ ઉપર પોલીસની ગુંડાગર્દી અને દાદાગીરી હતી : આકરી કાર્યવાહી કરોઃ એબીવીપીનું મુખ્યમંત્રીને આવેદન

અભાવિપના આગેવાનોને ગંભીર ઈજા પહોંચી છેઃ રજીસ્ટ્રારે સીપીને લેખીતમાં ફરીયાદ આપી છે : પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરોઃ મુખ્યમંત્રી સહિતના દુર્ગા પૂજા કરે છે ત્યારે આ ઘટના લાંછનરૂપ છે...

એબીવીપીના કાર્યકરોએ સુરતની ઘટના અંગે રાજકોટ કલેકટર કચેરી ગજવી મુકી હતી અને સૂત્રોચ્ચાર-દેખાવો યોજી મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવ્યુ હતું (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૨ :. અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદે મુખ્યમંત્રીને સંબોધી ઉગ્ર સૂત્રોચ્ચાર-દેખાવો સાથે કલેકટરને આવેદન પાઠવી સુરતની વીએનએસજીયુમાં ગરબાનાં સાંસ્કૃતિક પર્વના કાર્યક્રમમાં ઉમરા પોલીસની ગુંડાગર્દી અને દાદાગીરી ઉપર કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતુ કે, હાલમાં ગાંધીનગર ખાતે નાના બાળકના પ્રકરણને ઉકેલવા અને તેની વાહ-વાહી કરનાર ગુજરાત પોલીસનો સુરતમાં અપરાધિક અને અમાનવીય ચહેરો જોવા મળ્યો. સુરતની વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી દ્વારા નવરાત્રી નિમિત્તે યોજાયેલ ગરબાનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ માણી રહ્યા હતા. આ ગરબાના કાર્યક્રમ યુનિવર્સિટીની અનુમતિ, સહમતી અને કોરોનાની રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલી ગાઈડલાઈન્સને અનુસરીને યોજાયો હતો. કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રસાશન, હોસ્ટેલના વિદ્યાર્થી અને સામાન્ય વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા હતા.

કાર્યક્રમમાં યુનિવર્સિટી પ્રસાશનની મંજુરી વગર વર્ધીમાં અને સાદા કપડામાં સુરતનાં ઉમરા પોલીસ સ્ટેશનના પી.આઈ. કિરણ મોદી અને તેની સાથે પી.એસ.આઈ. બીપીન પરમાર, ડી. સ્ટાફ કોન્સ્ટેબલ ઈસુ ગઢવી સહીત સાથી પોલીસકર્મીઓ ગરબા પંડાલમાં વિદ્યાર્થીઓ પર જીપ ચઢાવાનો પ્રયત્ન કર્યો. આવેશવશ અને જોશમાં પોલીસકર્મીઓએ નિર્દોષ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને જબરદસ્તીથી ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અને મારપિટ કરે છે. આ મારપીટમાં સામાન્ય વિદ્યાર્થીઓ, અ.ભા.વિ.પ. ગુજરાતના પ્રદેશ મંત્રી હિમાચલસિંહ ઝાલા, પ્રદેશ સહમંત્રી વિરતીબેન શાહ, સુરત મહાનગર મંત્રી હિતેશભાઈ ગીલાતર, ઈશાનભાઈ મટ્ટૂ સહિતના વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી છે. જેની સારવાર સુરતની હોસ્પીટલમાં ચાલી રહી છે. ઘટના દરમિયાન મારપીટની સાથે સાથે ખૂબ જ ગંદી ગાળો, અપશબ્દો અને બીભત્સ ભાષા સાથે 'કેસ કરી જિંદગી પુરી કરી નાખીશ' જેવી ધમકી પણ પી.આઈ. અને તેના સાથી પોલીસકર્મીઓ દ્વારા આપવામાં આવી.

નવરાત્રીના પર્વ દરમ્યાન જ્યારે રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને સાથી મંત્રીઓ દુર્ગા પૂજા કરતા હોય ત્યારે આવા સમયે ગૃહમંત્રીના ગૃહક્ષેત્રમાં પોલીસ બહેનોને બીભત્સ ભાષામાં ગાળો કાઢે અને મારપીટ કરે તે કેટલી હદે યોગ્ય છે ?

આવેદનમાં ઉમેરાયુ હતુ કે, અપરાધીઓની જગ્યાએ નિર્દોષ વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર ઉમરા પોલીસ સ્ટેશનના પી.આઈ. કિરણ મોદી અને પી.એસ.આઈ. બીપીન પરમાર, ડી. સ્ટાફ કોન્સ્ટેબલ ઈસુ ગઢવી અને તેના સાથીને તરત નિષ્કાપિત કરવામાં આવે, ઉમરા પોલીસને આ હરકતથી વિદ્યાર્થી ભાઈ-બહેનોમાં પોલીસ પ્રત્યે ભય અને આક્રોશનું વાતાવરણ બન્યુ છે. શૈક્ષણિક પરિસરમાં કુલપતિશ્રીની મંજુરી અથવા સૂચના વગર પોલીસનું આ પ્રકારે કેમ્પસમાં ઘુસી આવવું એ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાના અનુશાસનની અનદેખી અને કુલપતિશ્રીનું અપમાન છે. યુનિવર્સિટી રજીસ્ટ્રાર એ આ વિષયમાં લેખિતમાં ફરીયાદ સુરત પોલીસ કમિશ્નરને આપેલ છે. કુલપતિ શ્રી અને સંસ્થાની પ્રતિષ્ઠાને ધૂળમાં મિલાવતી ઉમરા પોલીસની આ હરકત પર સુરત પોલીસ કમિશ્નર માફી માંગે તેવી પણ માંગણી ઉઠાવી છે.

(3:23 pm IST)