Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

૪૩ કિલો વાસી ખોરાક ઝડપાયો

ગોંડલ રોડ - કનક રોડની પાંચ રેસ્ટોરન્ટમાંથી : ફૂડ શાખા દ્વારા વિવિધ સ્થળોએથી ૧૬ રેસ્ટોરન્ટ, હોટલોનું ચેકીંગ કરાયુ : બે ઘીના નમૂના લેવાયા : હોટલ - રેસ્ટોરન્ટના ૧૪૮ કર્મચારીઓને વેકસીન અપાઇ

રાજકોટ તા. ૧૨ : મ્યુ. કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા જન આરોગ્ય હિતાર્થે શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલ ૧૬ હોટેલ - રેસ્ટોરન્ટમાં ચેકીંગ દરમિયાન પલળેલી, બગડેલી, વાસી, અખાદ્ય ડુંગળી, ટમેટા, લોટ, ગ્રેવી, ચટણી, કેન્ડ ફૂડ પાસ્તા વિગેરે ૪૩ કિ.ગ્રા. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ મંગળા મેઇન રોડ, કેવડાવાડી રોડ પરથી શુધ્ધ ઘીના બે નમૂના લેવામાં આવ્યા હતા.

બે નમૂના લેવાયા

ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં (૧) ભેંસનું શુધ્ધ ઘી (લુઝ) સ્થળ : મે. પોપટ મહેન્દ્ર જમનાદાસ, મંગળા મેઇન રોડ, (ર) ભેંસનું શુધ્ધ ઘી (લુઝ), સ્થળ : વોલ્ગાસ ઘી ડીપો, કેવડાવાડી રોડનો સમાવેશ થાય છે.

૪૩ કિલો અખાદ્ય

ખોરાકનો નાશ

મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જાહેર આરોગ્ય હિતાર્થે અલગ અલગ વિસ્તારમાં આવેલ ૧૬ હોટેલ - રેસ્ટોરન્ટમાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન શ્રી રામ પંજાબી એન્ડ ચાઇનીઝ - ગોંડલ રોડ, વૃધ્ધાશ્રમ સામેથી ૧૦ કિગ્રા પલળેલ, બગડેલ ડુંગળી, બોમ્બે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ - ગોંડલ રોડ અજન્તા કોમ્પલેક્ષ સામેમાંથી ૧૮ કિગ્રા પલળેલ, બગડેલ ડુંગળી, રાજ પાઉંભાજી - ગોંડલ રોડ, અજન્તા કોમ્પલેક્ષમાંથી ૫ કિગ્રા પલળેલ, બગડેલ ડુંગળી - ટમેટા, ભાગ્યોદય રેસ્ટોરન્ટ - ગોંડલ રોડ, આઇસીઆઇસીઆઇ બેંક સામેથી - ૨ કિગ્રા વાસી બાંધેલો લોટ તથા કાવેરી હોટલ - કનક રોડમાંથી કુલ ૮ કિ.ગ્રામ વાસી ગ્રેવી, કેન્ડ ફૂડ, આટો, પાસ્તા, પીઝા બેઇઝ, ચટણીનો નાશ કરવામાં આવ્યો હતો.

વેકસીનેશનની કામગીરી

મનપા દ્વારા યોજાયેલ રવિવારના વેકસીનેશન મહાઅભિયાનમાં ફૂડ શાખા દ્વારા વેકસીનેશન ટીમ સાથે રહીને હોટેલ, રેસ્ટોરન્ટમાં કાર્યરત કુલ ૧૪૮ ફૂડ હેન્ડનલર્સને વેકસીનેશન કરવામાં આવ્યું હતું.

(3:10 pm IST)