Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

સુરતથી ૩.૫૦ લાખ ચોરી અભિષેક સૈની રાજકોટથી પ્લેનમાં ઉડે એ પહેલા ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો

બિહારી નોકર રોકડ ચોરી વતન ભાગવા નીકળી ગયો'તો...પણ મેળ ન પડ્યો : વાળંદ કામ કરતો ૨૦ વર્ષનો શખ્સ સુરતથી ખાનગી કાર ભાડે કરી જામનગર આવ્યો, ત્યાંથી રાજકોટ આવી ઓનલાઇન ટિકીટ બૂક કરી દિલ્હી જવા એરપોર્ટ પહોંચ્યો'તો : પીએસઆઇ પી.એમ. ધાખડા અને એએસઆઇ વિજયસિંહ ઝાલાની બાતમી પરથી સકંજામાં: સુરત પોલીસને સોંપાયો

રાજકોટ તા. ૧૨: સુરતમાં સીટી લાઇટ સમય પાર્ક સોસાયટીમાં ભાડેથી રહેતાં અને ત્યાં 'હેર ફેકટરી' નામના પ્રદિપ રણજીતભાઇ સાલવેના સલૂનમાં વાળ કાપવાનું કામ કરતાં મુળ બિહારના જહાનાબાદના ભાને બિગહા ગામના અભિષેક અનિલકુમાર સૈની (ઉ.૨૦) નામનો શખ્સ જ્યાં કામ કરતો હતો એ દૂકાનમાંથી રૂ. ૩,૫૦,૦૦૦ની રોકડ ચોરી કરી ભાગી નીકળ્યો હતો. આ શખ્સને રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી.એમ. ધાખડા અને એએઅસાઇ વિજયસિંહ ઝાલાની બાતમી પરથી એરપોર્ટ પરથી પકડી લેવાયો છે. આ શખ્સે દિલ્હીની ફલાઇટમાં ટિકીટ બૂક કરાવી હતી. તે પ્લેનમાં ઉડે એ પહેલા પોલીસે પાંખો કાપી નાંખી હતી.

સુરતથી અભિષેક સૈની ૩,૩૧,૦૦૦ની રોકડ ચોરીના ભાગી નીકળ્યો હોવાની અને તે ગઇકાલે રાજકોટ એરપોર્ટથી દિલ્હીની ફલાઇટ પકડવા પહોંચ્યો હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચનાથી પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, ફિરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, અમિાતભાઇ અગ્રાવત, કોન્સ. સોકતભાઇ ખોરમ, યોગીરાજસિંહ જાડેજા સહિતની ટીમે એરપોર્ટ પહોંચી ત્યાંના અધિકારી શ્રી મીના અને જીજ્ઞેશભાઇના સહકારથી અભિષેકને પકડી લીધો હતો.

તેણે કુલ ૩ાા લાખની ચોરી કરી હતી. જેમાંથી ૧૨ હજારનો નવો ફોન લીધો હતો. એ પછી કાર ભાડે કરી સુરતથી જામનગર પહોંચ્યો હતો. ત્યાંથી ઓન લાઇન રાજકોટથી દિલ્હી અને દિલ્હીથી બિહાર જવા એર ટિકીટ બૂક કરાવી હતી. જામનગરથી રાજકોટ એરપોર્ટ પર આવ્યો હતો અને અંદર પણ એન્ટ્રી લઇ લીધી હતી. પરંતુ હવાઇજહાજમાં ઉડે એ પહેલા પોલીસે પકડી લીધો હતો. અભિષેકે એવું રટણ કર્યુ હતું કે સલુનના શેઠે પગાર આપવામાં ઠાગાઠૈયા કરતાં પોતે ચોરી કરીને નીકળી ગયો હતો. જો કે તે અલગ-અલગ જગ્યાએ કામે રહી શેઠનો વિશ્વાસ કેળવી લીધા બાદ ચોરીને અંજામ આપતો હોવાની માહિતી પણ બહાર આવી હોઇ અને જરૂર પડ્યે લોકરની નકલી ચાવી પણ બનાવી લેતો હોવાનું બહાર આવ્યું હોઇ સુરત પોલીસ વિશેષ તપાસ કરી રહી છે.

(1:04 pm IST)