Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ઇલેકટ્રીશ્યન્સને સરકારી લાભ લેવા બળવંતભાઇ પૂજારાનું આહ્વાન

રાજકોટ તા.૧૨: ઇલેકટ્રીશ્યન કલબ ઓફ રાજકોટની મીટીંગ રાજકોટ ખાતે મળી હતી જેમા બહોળી માત્રામાં ઇલેકટ્રીશ્યન વ્યવસાય સાથે સંકળાયેલા ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટીંગમાં સરકારશ્રી દ્વારા આપવામાં આવતા વિવિધ લાભો અંગેની માહીતી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના રીજયોનલ ડાયરેકટર ડી.જી.પંચમીયા દ્વારા આપવામાં આવી હતી જેમા શ્રમીકોના ઘરે બાળકના જન્મથી લઇ શિક્ષણ સહાય વિમા સુરક્ષા કવચ અને શ્રમીક મૃત્યુ બાદ પણ સરકારશ્રી સહાય આપે છે તેની વિસ્તૃત જાણકારી આપી હતી. બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોના સંગઠન ક્ષેત્રે કામ કરતા સમાજસેવી જયદિપકાચા દ્વારા સંગઠનનુ મહત્વ અને સંગઠનના ફાયદા અંગેની માહિતી આપવામાં આવી હતી. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના રીજયોનલ નિયામક જે.સી. વ્યાસ દ્વારા બોર્ડમાં શ્રમિકોની નોધણીની પ્રક્રિયા અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ઇલેકટ્રીશ્યન કલબ ઓફ રાજકોટના પ્રેરક બળવંતભાઇ પુજારા દ્વારા રાજકોટમાં ઇલેકટ્રીશ્યન વ્યવસાય સાથે સંકળાયેલ તમામ કારીગરોને સરકારી લાભો લેવા આહવાન કર્યુ હતુ અને તેમા જે પણ જરૂરીયાત હોય તે જરૂરીયાત પુરી કરવા ઇલેકટ્રીશ્યન કલબ ઓફ રાજકોટ વતી ખાત્રી પણ આપી હતી. આ મિટીંગમા અતિથી તરીકે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલભાઇ બારસીયા સૌરાષ્ટ્ર કચ્છ ગર્વ.એપ્રુ.કોન્ટ્રાકટર એસોશીયેશનના ઉપપ્રમુખ જગદિશભાઇ પટેલ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના રીજયોનલ ડાયરેકટર ડી.જી.પંચમીયા રીજયોનલ નિયામક જે.સી.વ્યાસ પ્રોજેકટ મેનેજર વિપુલભાઇ જાની બાંધકામ શ્રમયોગી યુનિયનના હોદેદાર જયદિપકાચા, ભુપતભાઇ ચાવડા, વિનુભાઇ સોલંકી, પરેશભાઇ સાપરીયા ભરતભાઇ રાબા ઉપસ્થિત રહેલ હતા. મિટીંગને સફળ બનાવવા માટે ઇલેકટ્રીશ્યન કલબ ઓફ રાજકોટના પ્રેરક બળવંતભાઇ પુજારા ઉપપ્રમુખ રમેશભાઇ ટાંક કારોબારી સભ્ય ઇકબાલભાઇ બેલીમ કીરીટભાઇ વખારીયા એ જહેમત ઉઠાવી હતી.

(5:06 pm IST)