Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

કરણપરાના મઢુલી ચોકમાં પરંપરાગત શકિત આરાધના કરતી 'મસ્તાન'ની ગરબી

રાજકોટ, તા. ૧ર : એક સમયે 'લોંગેસ્ટ ફેસ્ટીવલ ઓફ ધ વર્લ્ડ ' મનાતા નવરાત્રી પર્વનું આગમન થતાં નવા ઉમંગનો સંચાર થયો છે. આપણે ત્યાં ગ્રામ્ય નવરાત્રી કે શેરી ગરબાઓની એક લઢણ એવી છે જેમાં શેરી-મહોલ્લામાં બહેનો એકત્ર થાય અને આવડે તે ઢબે અને આવડે તે લ્હેકે, તાળીઓના તાલે મન મૂકીને ગરબા ગાય અને રાસે રમે અથવા નિશ્ચિત કરેલી અને તાલીમ પામેલી બાળાઓના તાલે ગરબી મંડળી દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે.

હવે ઓર્ગેનાઇઝડ શો જેવા ગરબાઓની સારી એવી ધમૂ મચી છે. આવા ઓર્ગેનાઇઝડ ગરબાઓમાં પણ ગરવી ગુજરાતણોના ઉમંગનો પડઘો કાંઇ છાનો-છપનો રહેતો નથી. રંગબેરંગી વસ્ત્રોરૂપી પીંછાઓનો શણગાર સજી, કળા કરી વનના મોરબલાઓની જેમ નાચતા યુવાનોના ઉધામા પણ અછાના રહેતા નથી. આમ છતાં હજી પણ તાલીમબદ્ધ બાળાઓના તાલીઓના તાલે ગરબા રમાડી સાચા ભાવથી માતાજીની આરાધના કરતા કેટલાક ગરબી મંડળો જીવંત છે.

આવીજ એક પરંપરાગત ગરબી એટલે પોણી સદી વટાવી ચાલુ વર્ષે ૭૯માં વર્ષમાં રમી રહેલી અને એક, સમયે સતત પચાશ/વર્ષ સુધી પ્રખ્યાત રહેલી 'મસ્તાન'ની ગરબી કરણપરા ચોકથી ખૂબજ નજીક આવેલા 'મઢુલીચોક'માં શ્રી જયઅંબે ગરબી મંડળ સંચાલીત આ ગરબીમાં આજે પણ અદલ મૂળભૂત રીતે ભકિતભાવ અને પુરી સંસ્કારીતાથી માં જગદંબાની આરાધના થઇ રહી છે.

આજથી લગભગ ૭૮ વર્ષ પહેલા માં ભગવતીની અસીમ કૃપાથી રી જયઅંબેગરબી મંડળની સ્થાપના થઇ ત્યારે સેવાભાવી એવા સ્વ.કાનજીભાઇ ગીગાભાઇ સ્વ. ઇચ્છા શંકરભાઇ વ્યાસ,સ્વ. અમૃતલાલ મસ્તાન હાલમાં હયાત છે તેવા દેવીસીંગબાપુ સીસોદીયા, તેમજ અનેક નામી અનામી કર્મઠ કાર્યકરો અને દેવી ઉપાસકોએ અથાગ પ્રયત્ન કરી આ મંડળની કેડી કંડારી હતી તે સમયમાં મસ્સતાનની ગરબી તરીકે પ્રખ્યાત થયેલી આ ગરબી દુર દુરથી લોકો જોવા આવતા.

એક સમયગાળામાં ગરબી નિરૂસ્તહી બનતા ગરબી મંડળની ગરબીના પુજારી અને સંચાલક એવા સ્વ. ઇચ્છા શંકરભાઇ વ્યાસે નવી ટોળકીને ગરબીનું સંચાલન કરવા પ્રેરણા આપી.

માં જગદંબાની કૃપાથી આ ટોળકીના સભ્ય એવા હાલમા દુબઇ સ્થિત કૌશીકભાઇ મહેતા નૈૈનેશભાઇ મહેતા વગેરેએ ગરબી મંડળનો આર્થિક બોજ આ જીવન સ્વીકાર્યો. સ્વ. કિરીટભાઇ કોટક તથા છેલ્લા ર૯ વર્ષથી ગરબીનું સંચાલન કરતા નવીનભાઇ રાયજાદાએ ગરબીના તમામ સંચાલનનો ભાર વાહન કરવાનું બીડુ ઝડપ્યું તો ભૂતપૂર્વ કોર્પોરેટર જયેન્દ્રભાઇ મહેતા, પ્રમુખ વિનોદભાઇ પારેખ ઝબક (જબકસિંહ) સીંહ સોલંકી, મયંક જોષી, જીતેન્દ્રભાઇ જાદવ, પરેશભાઇ જોષી, દિપકભાઇ મકવાણા, ઉપપ્રમુખ રાજુભાઇ ચાવડા, જીતેન્દ્રભાઇ શેઠ, રમેશભાઇ દોશી જેવા અનેક નામી અનામી કાર્યકરો દ્વારા આજે ૭૯માં વર્ષે પણ તન,મન, ધનથી સેવા કરી આ મંડળનું કાર્ય આગળ ધપાવી રહેલ છે.

-કિશોર નથવાણી

મો.૯૦૩૩૪ ૩પ૭૦પ

(4:50 pm IST)