Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ભાજપના કોર્પોરેટર-કોંગ્રેસ આગેવાન વચ્ચે ડખ્ખો

ગેરલાયક જાહેર થયેલ કોંગી કોર્પોરેટર ધર્મીષ્ઠાબા જાડેજાનો પ્રશ્ન જનરલ બોર્ડમાં લેવા બાબતે સેક્રેટરીની ચેમ્બરમાં માથાકુટઃ ભાજપનાં કોર્પોરેટર કશ્યપ શુકલે મહિલા કોર્પોરેટરોની હાજરીમાં ન બોલવાનાં શબ્દો બોલતાં માથાકુટ થયાનો કોંગ્રેસનાં મયુરસિંહ જાડેજાનો આક્ષેપ

રાજકોટ તા. ૧ર :.. આગામી તા. ર૦ નાં રોજ મળનાર મ્યુ. કોર્પોરેશનનાં જનરલ બોર્ડમાં કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર ધર્મીષ્ઠાબા મયુરસિંહ જાડેજા કે જેઓને ગેરલાયક ઠેરવવાનો કાનુની વિવાદ ચાલુ છે ત્યારે તેનો પ્રશ્ન જનરલ બોર્ડમાં લેવા બાબતે સેક્રેટરીની ચેમ્બરમાં ભાજપનાં સીનીયર કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ, અને કોંગ્રેસનાં મયુરસિંહ જાડેજા વચ્ચે ડખ્ખો થયો હતો. જો કે બાદમાં કોંગ્રેસનાં મયુરસિંહ જાડેજા સહિતનાં આગેવાનોને ચેમ્બર બહાર મોકલી દેવાતાં મામલો થાળે પડયો હતો. પરંતુ આ ડખ્ખા પાછળનું કારણ ભાજપનાં કોર્પોરેટર કશ્યપભાઇ શુકલે, મહીલા કોર્પોરેટરની હાજરીમાં બોલેલા ન બોલવાનાં શબ્દો હોવાનો આક્ષેપ મયુરસિંહ જાડેજાએ કર્યો હતો.

આ સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે ૧૦-૩૦ વાગ્યે કોંગ્રેસનાં નેતા વસરામભાઇ સાગઠીયા, વોર્ડ નં. ૧૮ નાં કોર્પોરેટર ધર્મીબઠાબા જાડેજા, મયુરસિંહ જાડેજા વગેરેએ સેક્રેટરી શ્રી રૂપારેલીયાની ચેમ્બરમાં જઇ અને આગામી ર૦ મીએ મળનાર જનરલ બોર્ડમાં ધર્મીષ્ઠાબા જાડેજાનો પ્રશ્ન લેવા જણાવેલ પરંતુ સેક્રેટરી શ્રી રૂપારેલીયાએ સ્પષ્ટ જણાવી દીધુ હતું કે 'ધર્મીષ્ઠાબા જાડેજાને કોર્પોરેટરપદેથી ગેરલાયક ઠેરવવા કમિશનરને દરખાસ્ત કરાઇ છે એટલે તેઓનો પ્રશ્ન લઇ ન શકાય.'

આમ સેક્રેટરીએ ધર્મીષ્ઠાબા જાડેજાનો પ્રશ્ન લેવાની ના પાડતાં વશરામભાઇ ત્થા મયુરસિંહ જાડેજાએ આ મામલે કાનુની લડત ચાલુ છે એટલે પ્રશ્ન લઇ શકાય તેવી દલીલ કરી અને ધર્મીષ્ઠાબાનો પ્રશ્ન લેવા માટે સેક્રેટરી ઉપર દબાણ કરવા લાગ્યા આથી આ તકે ચેમ્બરમાં હાજર ભાજપનાં સીનીયર કોર્પોરેટર કશ્યપભાઇ શુકલે દરમીયાનગીરી કરી અને સેક્રેટરીને કહયુ હતંુ કે 'કોર્પોરેટર ન હોય તેવા વ્યકિતઓને ચેમ્બરમાંથી બહાર કાઢો'

આમ આ મામલે મયુરસિંહ જાડેજા ત્થા કશ્યપભાઇ શુકલ વચ્ચે સેક્રેટરીની ચેમ્બરમાં ઉગ્ર બોલાચાલી થઇ ગયેલ જો કે બાદમાં સેક્રેટરીએ ધર્મીબઠાબા જાડેજાનો પ્રશન લીગલ અભિપ્રાય માટે મોકલતા અને મયુરસિંહ જાડેજાને ચેમ્બર બહાર મોકલી દેતાં મામલો થાળે પડયો હતો.

દરમિયાન આ ડખ્ખો થવા પાછળનું કારણ દર્શાવતા મયુરસિંહે જણાવેલ કે સેક્રેટરીની ચેમ્બરમાં ૪ થી પ મહીલા કોર્પોરેટરો હાજર હતા ત્યારે કશ્યપભાઇ શુકલે ઉગ્રતા સાથે ન બોલવાના શબ્દો બોલ્યા હતાં આથી આ ડખ્ખો થયો હતો.

કોંગ્રેસ ખોટી રીતે દબાવશે તો પાછીપાની કરવી જ પડશેઃ કશ્યપભાઇ શુકલ

રાજકોટ : કોંગ્રેસનાં કોર્પોરેટર મયુરસિંહ જાડેજાએ ભાજપનાં કોર્પોરેટર  કશ્યપભાઇ શુકલ સામે 'ન બોલવાનાં શબ્દો બોલ્યા' નાં આક્ષેપો કર્યા છે. ત્યારે આ અંગે કશ્યપભાઇ શુકલે સ્પષ્ટ જણાવ્યુ હતું કે, જે વ્યકિત ચૂંટાયા નથી અને કોર્પોરેટર નથી તેવા વ્યકિતઓ કોર્પોરેશનનાં અધિકારીઓને  ખોટી રીતે ગેરકાયદે રીતે ધમકાવતાં હોવાથી તેઓને ટપારવાની શાશક પક્ષની ફરજ છે.

આથી મયુરસિંહ જાડેજા કે જે કોંગ્રેસનાં મહીલા કોર્પોરેટરનાં પતિ છે. તેઓને સેક્રેટરીની ચેમ્બરમાંથી બહાર મોકલી દેવાયા હતાં. આમ કોઇપણ જાતનાં અધિકાર વગર સેક્રેટરીને ખોટી રીતે દબાવવાનો પ્રયાસ નિષ્ફળ થતાં કોંગ્રેસનાં મિત્રો આક્ષેપ બાજી કરી રહ્યા છે. બાકી રાજકોટની પ્રજા બધાને જાણે છે. કોણ કેવુ છે ? તેનાં માટે કોઇનાં પ્રમાણ પત્રની જરૂર નથી.

બાકી ખોટી રીતે દબાવવાનાં પ્રયાસનો જવાબ તો અપાશે. તેમ અંતમાં કશ્યપભાઇ શુકલે જણાવ્યુ હતું.

(4:46 pm IST)