Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

વિસર્જનમાંથી સર્જન... લાભુભાઇ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગરબાને પક્ષીના માળામાં ફેરવવાનું પ્રેરણારૂપ કાર્ય

રાજકોટ તા. ૧૨ : નવરાત્રીમાં ઘરે ઘરે માતાજીના ગરબા પધરાવી પૂજન અર્ચન કરવામાં આવે છે. પરંતુ નવરાત્રી પૂર્ણ થતા તેને જળમાં પધરાવી દેવામાં આવે છે. ત્યારે રાજકોટની લાભુભાઇ ત્રિવેદી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓને આજથી પાંચેક વર્ષ પહેલા વિચાર ઝબકયો કે આ રીતે ગરબા પધરાવી દેવાને બદલે તેને પક્ષીના માળાઓરૂપે ઉપયોગમાં લઇએ તો કેમ રહે? બસ ત્યારથી આ વિસર્જનને બદલે સર્જનની યાત્રા આજે પણ ચાલુ છે.

ટીમના આગેવાનોએ 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવેલ કે આ રીતે નવરાત્રીના પૂજન બાદ નકામ થઇ જતા ગરબામાં વ્યવસ્થીત હોલ પાડી તેને ટીંગાડવા માટે વાયર બાંધીને માળાનું સ્વરૂપ આપવા અમોએ ખાસ વર્કશોપ તૈયાર કર્યો છે. જયાં ગરબામાં હોલ પાડવા મશીનો પણ તૈયાર કરાયા છે. આ ટીમમાં ૧૫૦ થી વધુ વોલ્યુન્ટર અને ૧૦૦ થી વધુ કોલેજ સ્ટાફ કાર્યરત છે.

આવા ગરબામાં પક્ષીઓ માળા બનાવે છે તે સફળતાના પુરાવારૂપે વિડીયો કિલપ પણ તૈયાર કરીને લોકોને બતાવવામાં આવી રહી છે. નવરાત્રી પછીના દિવસોમાં આવા ગરબા એકત્ર કરી તેના માળા બનાવી યોગ્ય સ્થળે મુકવાનું કામ પણ આ ટીમના સભ્યો જ કરે છે. કોઇપણ વ્યકિતઓ સમુહમાં ભેગા મળી ગરબા એકત્ર કરી રાખે તો ત્યાંથી ગરબા લઇ જવાની તૈયારી પણ આ ટીમે દર્શાવી છે.

મુખ્યમંત્રીએ પણ આ કાર્યને બિરદાવી શુભેચ્છા પાઠવી છે. એટલુ જ નહી આ વખતે તો રેકોર્ડ બનાવવાનો મનસુબો બનાવ્યો છે. પર્યાવરણને પ્રેરતી આ પ્રવૃત્તિ અંતર્ગત કોલેજ દ્વારા તા. ૨૦ ઓકટોબરના ૨૪ કલાકમાં ૧૦ હજાર જેટલા ગરબામાંથી ચકલીના માળાઓ બનાવવાનું કાર્ય થવા જઇ રહ્યુ છે. ૨૪ કલાક માળાઓ બનાવી તા. ૨૨ થી એક અઠવાડીયા સુધી રાજકોટના અલગ અલગ સ્થળોએ માળાઓનું વિતરણ કરવામાં આવશે.

આ નોંધ લેવા લિમ્કા બુક અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને પણ આમંત્રણ અપાયુ છે.

આ કાર્યના પાયારૂપે કોલેજના મિકેનીકલ વિભાગના પ્રો. નિકુંજ ગેવરીયા માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે. કોલેજના ટ્રસ્ટી અલ્પાબેન ત્રિવેદી, પ્રિન્સીપાલ શ્રી રામાણી, હેતલબેન ત્રિવેદી, પ્રો. કુશળ વાળાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ તડામાર તૈયારી કરી રહ્યા છે.

આગામી ૧૯ ઓકટોબરના સાંજે પ વાગ્યા સુધી ગરબા એકત્રિકરણ ચાલશે. કોઇ આ રીતે ગરબો આપવા માંગતા હોય તો મહાત્મા ગાંધી ટ્રસ્ટ સંચાલિત લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ, સરકારી ઇજનેરી કોલેજની બાજુમાં, કાલાવડ રોડ, રાજકોટ (મો.૯૦૩૩૦ ૮૫૧૧૦) ખાતે અથવા વોટસ અપ મો.૯૫૧૦૩ ૩૫૩૨૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં પર્યાવરણલક્ષી સેવામય પ્રોજેકટની વિગતો વર્ણવતા પ્રો. મોહીત નથવાણી, લાયબ્રેરીયન લ્યુશી બગડાઇ,  પુનિત વરસાણી (સ્ટુડન્ટ), ખુશ્બુ કરગટીયા) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા

(3:51 pm IST)