Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

તંત્રની બેદરકારી કે 'વહિવટ'ની માયાજાળ

રાજકોટની ૧૦ ટી.પી. સ્કીમોને ૧૭ વર્ષથી મંજૂરી નથી અપાતી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ટી.પી. સ્કીમો વહેલી મંજુર થાય તે માટે પ્રયાસો કરે છે પરંતુ સરકારી ટી.પી.ઓ. 'આળસ' નથી ખંખેરતા : ૪-૪ ટી.પી.ઓ. બદલાઇ ગયા : એસી ચેમ્બરમાં બેસી આડેધડ ડ્રાફટ ટી.પી. તૈયાર કરી નંખાતા ટી.પી. સ્કીમના નાના પ્લોટ ધારકોને ટી.પી. મંજુર ન થાય ત્યાં સુધી જબરી હેરાનગતિ પેન્ડીંગ સ્કીમોના ઝડપી નિકાલ માટે અનેક રજૂઆતો છતાં પરિસ્થિતિ યથાવત : કચેરી રેઢીપડ

રાજકોટ તા.૧૨: શહેરનાં વિકાસ માટે એન્જીન સમાન ગણાતી ટી.પી. સ્કીમોના નિકાલમાં રાજય સરકારનાં ટી.પી.ઓની ઢીલી નીતિ સામે અનેક ફરિયાદો ઉઠી રહી છે. એકલા રાજકોટ શહેરનીજ ૧૦ જેટલી ટી.પી. સ્કીમોને છેલ્લા ૧૭ વર્ષથી સરકારનાં ટી.પી.ઓ. મંજુર નથી કરી પરિણામે આ ટી.પી. સ્કીમોનાં અસરગ્રસ્ત ખેડૂતો તથા નાના પ્લોટ ધારકોને ભારે મુશ્કેલીઓ થઇ રહી છે. એટલું જ નહી શહેરનો વિકાસ પણ અટકી રહયો છે.

આ અંગે ટી.પી.સ્કીમોનાં અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારો અને નાના પ્લોટ ધારકોમાં ઉઠવા પામેલી ફરિયાદો મુજબ ''૨૦૦૧, ૨૦૦૩, ૨૦૦૪, ૨૦૦૫,૨૦૦૬, ૨૦૦૮,૨૦૧૨માં તૈયાર કરાયેલી રાજકોટની -૫ ઉપરાંત, કોઠારીયા, વાવડી, મવડી વગેરે વિસ્તારોની કુલ ૧૦ જેટલી ફાસ્ટ ટી.પી. સ્કીમ સરકારમાં હજુ પેન્ડીંગ છે.

આ ટી.પી. સ્કીમનાં અસરગ્રસ્તોમાં ઉઠવા પામેલી ફરિયાદ મુજબ અધિકારીઓએ એ.સી. ચેમ્બરમાં બેસીને ફાસ્ટ ટી.પી. સ્કીમ તૈયાર કરી નાંખવામાં આવે છે પરિણામે સ્થળ પરની હકીકત અને ટી.પી.ના નકશાની હકીકતમાં મોટી વિસંગતતા આવે છે. અને તેનાં વાંધા-સુચનો વગેરેનાં નિકાલમાં વર્ષોનાં વર્ષો વિતી જાય છે. અને નાના પ્લોટ ધારકોને પોતાનાં હકકની જમીનનાં પ્લોટ મેળવવામાં ભારે મુશ્કેલી સર્જાય છે.

નોંધનીય છે કે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ ટી.પી. સ્કીમનાં ઝડપી નિકાલને પ્રાધાન્ય આપી અને આ માટે સતત પ્રયાસો કર્યા છે. પરંતુ સરકાર નિયુકત ટી.પી. અંગેની આળસ કે બેદરકારીને કારણે વર્ષોથી પેન્ડીંગ રહેલી આ ટી.પી. સ્કીમો હજુ મંજુરીની રાહ જોઇ રહી છે.

આ દરમિયાન ૪-૪ ટી.પી.ઓ. પણ બદલાઇ ગયા છતાં હજુ આ ૧૦ ટી.પી. સ્કીમો પેન્ડીંગ છે. સરકારી ટી.પી.ઓ.ની કચેરીમાં રેઢાપડ જેવી સ્થિતિ છે. કોઇજ જાતનું ચેકીંગ થતું નથી પરિણામે 'વહીવટી' માયાજાળ ફેલાઇ  રહયાની ફરિયાદો પણ ઉઠી રહી છે.

આમ શહેરનાં વિકાસને રૃંઘવા સમાન ટી.પી. સ્કીમોની મંજુરી અટકાવવાની બેદરકારી વહેલી તકે દૂર કરીને આ વર્ષો જુની ટી.પી. સ્કીમોને સરકારી ટી.પી.ઓ. વહેલી તકે મંજુરી આપે તે માટે રાજય સરકારે ઝુંબેશાત્મક કાર્યવાહી કરવાની તાતી જરૂર હોવાની માંગ શહેરીજનોમાં ઉઠી રહી છે.

(3:32 pm IST)
  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • આજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST

  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST