Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

કડિયા સમાજને ત્વરિત સહાય ચુકવી તો સોની સમાજના ૯ મૃતકોને કયારે આપશો?

સુવર્ણકાર એકતા સમિતિના અરવિંદભાઇ પાટડીયાએ વિજયભાઇને પત્ર પાઠવી માંગણી ઉઠાવી

રાજકોટ તા. ૧૨ : કાગદડી પાસે થયેલ અકસ્માતમાં સોની પરિવારના ૯ (નવ) લોકોના મૃત્યુ થયાને ૩ માસ વિતવા છતા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એકરૂપિયાની પણ સહાય કરવામાં આવી ન હોય આ બાબતે કઇક વિચારવા સુવર્ણકાર એકતા સમિતિ રાજકોટના અરવિંદભાઇ પાટડીયા અવાજ ઉઠાવ્યો છે.

તેઓએ એક યાદીમાં આક્રોશ વ્યકત કરતા જણાવેલ છે કે રાજકોટ તથા ગ્વાલીયરના સોની પરિવારના કલાડીયા કુટુમ્બના સુરાપુરા દાદાના દર્શનાર્થે રાજકોટથી ભુજ સ્થિત લાકડીયા ગામે આ પરીવાર જઇ રહ્યો હતો ત્યારે મોરબીના કાગદડી પાસે ગમખ્યાર અકસ્માત નડયો હતો. ઘટના સ્થળે જ નવ નવ દેહો ઢળી પડયા હતા.

ઘટનાના બીજા દિવસ જ સ્થાનિક ધારાસભ્ય અને રાજકીય નેતાઓએ મૃતકના પરિવારોને મળી ઠાલી સાંત્વના આપી હતી. પરંતુ હતભાગી પરિવારો માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આજદીન સુધી એક રૂપિયાની પણ સહાય ફાળવવામાં આવી નથી તે દુઃખદ છે.તાજેતરમાં કડીયા સમાજના ૯ લોકોના ઉતરાખંડની યાત્રા દરમિયાન અકસ્માતમાં મૃત્યુ થતા મૃતકોના પરિવારોને પાંચ પાંચ લાખની સહાય મુખ્યમંત્રી ફંડમાંથી જાહેર કરવામાં આવી છે. ત્યારે સોની સમાજને આ લાભ કેમ ન અપાયો તેવા સવાલો સાથે સોની સમાજમાં ભારે કચવાટ પ્રવર્તેલ હોવાનુંઅરવિંદભાઇ પાટડીયાએ જણાવેલ છે.તેઓએ ખેદ સાથે જણાવેલ છે કે મૃતકોના સગાઓ તરફથી મુખ્યમંત્રીને તા. ૧૬-૮-૨૦૧૮ ના તેમજ ફરી તા. ૨૨-૯-૨૦૧૮ ના એમ બે બે વખત પત્રો લખી રજુઆત કરવામાં આવી છે. જેના જવાબમાં મુખ્યમંત્રી કાર્યાલય તરફથી યોગ્ય કરવા માટે અધિક મુખ્ય સચિવને જણાવાયુ છે. તેવા ક્ષુલ્લક જવાબો મળ્યા છે.

જો કડીયા સમાજના મૃતકોને તાત્કાલીક સહાય મળી શકે તો સોની સમાજના મૃતકોને કેમ નહી? સોની સમાજના હતભાગીઓને પત તાત્કાલીક સહાય ફાળવવામાં આવે તેવી સોની સમાજવતી અરવિંદભાઇ પાટડીયા (મો.૯૪૨૭૫ ૩૬૪૦૦) એ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને વિનંતી કરી છે.

(3:23 pm IST)