Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે રાજકોટના ગાયત્રીબા વાઘેલાની નિમણૂંક

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ ટર્મમાં ચૂંટાઈને વિપક્ષી નેતા બન્યા બાદ કોર્પોરેશનમાં કોંગ્રેસને જીતની નજીક પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો'તોઃ બીજી ટર્મમાં પણ બન્ને પક્ષોમાંથી સૌથી વધુ સરસાઈ મેળવી ચૂંટાવાનું ગૌરવ ગાયત્રીબાના ફાળે ગયું'તું: રાહુલ ગાંધીની સીધી સૂચનાથી પ્રદેશ સંગઠનનો તાજ સોંપાયો

શ્રીમતિ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાની પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી થઈ છે ત્યારે તેમના ૨૦૧૦માં થયેલા રાજકીય પ્રવેશ સાથે મ્યુનિસિપિલ કોર્પોરેશનમાં થયેલી વિપક્ષી નેતા પદેની વરણી અને ૨૦૧૫માં સતત બીજી ટર્મમાં તોતિંગ બહુમતીથી ચૂંટાવાની ઉપરોકત ફાઈલ તસ્વીરો નજરે પડે છે. જેમા પ્રથમ તસ્વીરમાં ડો. હેમાંગ વસાવડા, અશોકસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓ અને કાર્યકરોના મોટા સમુહ વચ્ચે વિપક્ષી નેતા પદનો ભાર સંભાળ્યો ત્યારની તસ્વીરો અને અંતિમ તસ્વીરમાં સસ્મિત ચહેરે ભાઈશ્રી નરેન્દ્રસિંહ જાડેજા (એમ.ડી. જીવન કોમર્શિયલ બેન્ક) અને નાના ભાઈ જયદેવસિંહ જાડેજા (પત્રકાર-અકિલા) સાથેની છે. જેમાં કોંગી અગ્રણી લાભભાઈ ખિમાણીયા અને મુકેશભાઈ ચાવડા પણ નજરે પડે છે (ફાઈલ ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત બે ટર્મ ભાજપના વાવાઝોડા વચ્ચે પણ વોર્ડ નં. ૩માંથી ચૂંટાઈ આવેલા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાની કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સીધી સૂચનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે રાષ્ટ્રીય સચિવ અશોક ગેહલોતે ગઈકાલે વરણી કરતો હુકમ કર્યો હતો. જેને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી વધાવાઈ રહ્યો છે. પ્રથમ ટર્મમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેટર ચૂંટાયા બાદ તુરંત વિપક્ષી નેતા વરાયેલા શ્રીમતિ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ શહેરભરના તમામ વોર્ડના પાણી, રસ્તા, ગટર, બાગ-બગીચા સહિતના પ્રશ્ને શાસકો સામે તબક્કાવાર લડત ચલાવી ગત ટર્મમાં કોંગ્રેસને જીતની નજીક લાવી દીધી હતી. બીજી ટર્મમાં પણ તેઓ બન્ને મુખ્ય પક્ષોના મહિલા ઉમેદવારોમાં મહત્તમ આશરે ૫૦૦૦ જેટલી લીડથી ચૂંટાઈ આવ્યા હતા અને આજ પર્યંત રાજકોટની આમજનતાને લગતા પ્રશ્નો ઉઠાવી તંત્રનો કાન આમળવામાં સતત અગ્રેસર રહ્યા છે જેની કદરરૂપે તેમને કોંગ્રેસના રાજ્યભરના સંગઠનનો ભાર સોંપાયો છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમની નિમણૂંકને બહાલી આપ્યા બાદ રાષ્ટ્રીય સચિવ અશોક ગેહલોતની સહી સાથેનો નિમણૂંક પત્ર માધ્યમોમાં જાહેર થતા ગઈ સાંજે શ્રીમતિ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાના યાજ્ઞિક રોડ સ્થિત કાર્યાલયે બહોળી સંખ્યામાં કોંગી કાર્યકરોએ ઉમટી ફટાકડા ફોડયા હતા. બી.એ., બી.એડ્., એલએલબી સહિતનો ઉચ્ચ અભ્યાસ કરનાર મહિલા ક્ષત્રિય આગેવાન ૨૦૧૦માં અને ત્યાર બાદ ૨૦૧૫માં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. સતત બે વર્ષ સુધી વિપક્ષી નેતા પદે રહ્યા હતા. તેઓ બહુવિધ સામાજિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. ગાયત્રીબા વાઘેલાના પતિદેવ અશોકસિંહ વાઘેલા વિદ્યાર્થીકાળથી જ કોંગ્રેસના સક્રિય કાર્યકર રહ્યા છે. તેઓએ નેશનલ સ્ટુન્ડ યુનિયનના પ્રમુખ તરીકે લાંબો સમય પદભાર સંભાળ્યા બાદ યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના લીગલ સેલમાં કોંગ્રેસનું સંગઠન   બનાવવામાં  મહત્વનો ફાળો ભજવેલો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાંથી આ પહેલા શાંતાબેન ચાવડા અને ચંદ્રીકાબેન ચુડાસમાને આ પદભાર સોંપાયો હતો. ત્યાર બાદ ગાયત્રીબા વાઘેલા ત્રીજા છે. જો કે આ પહેલાના બન્ને મહિલા પ્રમુખ ધારાસભ્ય હતા, જ્યારે ગાયત્રીબા વાઘેલાને કોર્પોરેટર પદેથી સીધા જ પ્રદેશ સંગઠનના ઉચ્ચત્તમ હોદ્દા પર બેસાડાયા છે. જે તેમની સક્રિયતા સાબિત કરે છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધારાસભા વિસ્તારમાં રાજકોટ પશ્ચિમમાં આવતા વોર્ડ ૩ માંથી ગાયત્રીબા વાઘેલા મહિલાઓના વિભાગમાં મહત્તમ મતો સાથે ચૂંટાઈ આવેલા હતા. છેલ્લા ૪૦ વર્ષથી જંકશન અને આસપાસના વિસ્તારો ભાજપનો ગઢ ગણાતા હતા જેમાં તેઓએ ૨૦૧૦થી ગાબડા પાડયા છે. ૫૪ બુથ સાથેનો આ વોર્ડ ૩ કોંગ્રેસનો ૩ ટર્મથી ગઢ રહ્યો છે.

ગાયત્રીબા વાઘેલાની મહિલા પ્રદેશ પ્રમુખ પદે નિમણૂક થતા તેઓએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ઓલ ઈન્ડીયા મહિલા કોંગ્રેસ પ્રમુખ સુશ્રી સુસ્મિતા દેવ (સાંસદ), પૂર્વ પ્રદેશ મહિલા પ્રમુખ સોનલબેન પટેલ, ગુજરાતના પ્રભારી શોભનાબેન શાહ, પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રભારી રાજીવ સાતવ, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સહિતના અગ્રણીઓનો આભાર માન્યો હતો અને પોતાને સોંપાયેલી સંગઠનની જવાબદારી સુપેરે નિભાવવાનો કોલ આપ્યો હતો.

શ્રીમતિ ગાયત્રીબા વાઘેલાની નિમણૂંકને પ્રદેશ અને રાજકોટના કોંગી અગ્રણીઓ સર્વશ્રી જસવંતસિંહ ભટ્ટી, અશોકભાઈ ડાંગર, પ્રદીપભાઈ ત્રિવેદી, મહેશભાઈ રાજપૂત, વશરામભાઈ સાગઠીયા, ધરમભાઈ કાંબલીયા, રાજદીપસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા (સૌ.યુ. સેનેટ સભ્ય), ડી.પી. મકવાણા, પ્રદેશ એનએસયુઆઈના આદિત્યસિંહ ગોહિલ, જયપાલસિંહ રાઠોડ, ઈન્દુભા રાઓલ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેષભાઈ વોરા અને જિલ્લા પંચાયતના અગ્રણી અર્જુનભાઈ ખાટરિયાએ હર્ષભેર વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી. (મો.નં. ૭૬૯૮૦૦૩૦૦૬ , 9898477122)

(11:59 am IST)
  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • આજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST

  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST