Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

તંત્રનો નવતર પ્રયોગ

૧૭ બગીચાઓમાં કુદરતી ખાતરનું નિર્માણ

બગીચાઓમાં ઉત્પન્ન થતા ઘાસ-પાનના કચરાને ખાડામાં દાટી દઈ ૪ મહિનામાં કુદરતી ખાતરનું નિર્માણ કરાઈ રહ્યુ છેઃ ગાર્ડન ડાયરેકટર ડો. હાપલીયાનું માર્ગદર્શન

રાજકોટ, તા. ૧૧ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા બગીચાના કચરામાંથી કુદરતી ખાતર બનાવવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હાલતૂર્ત બગીચાઓમાં ૧૭ સ્થળોએ આ પ્રકારે કુદરતી ખાતરનું નિર્માણ થઈ રહ્યુ છે. આ અંગે ગાર્ડન ડાયરેકટર ડો. હાપલીયાએ આપેલી વિસ્તૃત માહિતી મુજબ શહેરમાં સ્વચ્છ નગર અભિયાન હેઠળ બગીચાઓને ગંદકી મુકત કરવાની સાથોસાથ બગીચાઓમાંથી નિકળતા ઘાસ અને પાનના કચરામાંથી કુદરતી ખાતર પણ બનાવવાનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.

ડો. હાપલીયાના જણાવ્યા મુજબ આ પ્રયોગ માટે બગીચાઓમાં ૧૭ જેટલા સ્થળોએ ખાડાઓ કરી અને તેમા બગીચામાંથી નિકળતો ઝાડ-પાનનો તથા લીલી-સુકી ડાળીઓ, ફુલછોડ વગેરેનો કચરો આ ખાડામાં દરરોજ સફાઈ દરમિયાન નાખવામાં આવે છે અને વૈજ્ઞાનિક ઢબે આ કચરા ઉપર માટીનો થર રોજેરોજ કરવામાં આવે છે અને ખાડો પુરાઈ ગયા બાદ ૪ મહિના સુધી આ ખાડાને બુરેલો રાખવામાં આવે છે. ૪ મહિના બાદ આ ખાડામાં રહેલા કચરાનું અત્યંત ફળદ્રુપ અને ઉપજાવ એવુ કુદરતી ખાતર બની જાય છે. આ ખાતર ફુલછોડના ઉછેર માટે અત્યંત ફળદ્રુપ હોય છે. આમ તંત્ર દ્વારા આ શરૂ થયેલ નવતર પ્રયોગથી સ્વચ્છતાની સાથોસાથ કુદરતી ખાતરનું પણ નિર્માણ થઈ રહ્યુ છે.(૨-૧૬)

(3:54 pm IST)