Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

મ.ન.પા.માં કોણ કોનુ કરે ? તેવી સ્થિતિ : ૬૦% જેટલો સ્ટાફ નિષ્ક્રીય

સોલીડ વેસ્ટ, એસ્ટેટ, વેરા વિભાગ, ઇજનેરો, આરોગ્ય વિભાગના ડોકટરો, ડે.કમિશનર, આસી. કમિશનર, આસી. મેનેજર સહિતના મહત્વના વિભાગોના અધિકારીઓ કોરોના સંક્રમિત : રોજીંદી કામગીરી ઠપ્પ : હાલ તમામ સ્ટાફ કોરોનાની ફરજમાં રોકી દેવાતા વહીવટી કાર્યમાં કટોકટીની સ્થિતિ

રાજકોટ તા. ૧૨ : શહેરમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે અને આ સમયે મ.ન.પા.નો તમામ સ્ટાફ કોરોના વોરિયર્સની ફરજ બજાવે છે. જેના કારણે એક પછી એક વિભાગમાં અધિકારીઓ, ઇજનેરો સહિતનો સ્ટાફ કોરોના સંક્રમિત થવા લાગ્યો છે. આરોગ્ય વિભાગમાં ડોકટરો અને મુખ્ય આરોગ્ય અધિકારી પણ કોરોનાની ઝપટે ચડી ગયા છે ત્યારે મ.ન.પા.ની કચેરીમાં હાલની સ્થિતિમાં કોણ કોનું કરે ? તેવી કટોકટી સર્જાઇ છે.

છેલ્લા બે મહિનાથી શહેરમાં કોરોના બેકાબુ બન્યો છે જેના કારણે મ.ન.પા.ના તમામ કર્મચારીઓ - અધિકારીઓને કોઇને કોઇ જગ્યાએ કોરોના સંબંધી ફરજ સુપ્રત કરાઇ છે.

માસ્કનું ચેકીંગ, સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચેકીંગ, સંજીવની રથ, કોરોના ટેસ્ટીંગ વાન, કોરોના ટેસ્ટીંગ કેમ્પ, કોરોના સર્વેલન્સ, હોમ આઇસોલેશન, કોરન્ટાઇન, કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવા, કોરોના કન્ટ્રોલરૂમ, કોરોના હેલ્પલાઇન વગેરે પ્રકારની અનેક કોરોના સંબંધી કામગીરી સુપ્રત કરાઇ છે.

આ કામગીરીમાં મ.ન.પા.ના તમામ વિભાગના અધિકારી, કર્મચારીઓને ફરજ સુપ્રત કરાઇ છે.

આમ, સતત કોરોનાની કામગીરીને કારણે એક પછી એક અધિકારી - કર્મચારીઓમાં સંક્રમણ ફેલાવા લાગ્યું છે ત્યારે હાલમાં તંત્રનો ૬૦ ટકા જેટલો સ્ટાફ નિષ્ક્રીય જેવો થઇ ગયો છે કેમકે અનેક લોકો સતત માનસિક તનાવથી કંટાળી અને ભયના કારણે રજા પર ઉતરી ગયા છે. અન્ય કેટલાક લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

આમ, આવી સ્થિતિમાં વહીવટી કટોકટી સર્જાઇ છે. સોલીડ વેસ્ટ, વેરા વિભાગ, પદાધિકારી પાંખ, એસ્ટેટ વિભાગ વગેરેમાં રોજિંદી કામગીરી ઠપ્પ જેવી છે.

કેમકે ડે. કમિશનર, આસી. કમિશનર, આસી. મેનેજરો, વોર્ડ ઓફિસરો, સેનેટરી ઇન્સ્પેકટરો, ઇજનેરો, કલાર્ક, હેડ કલાર્ક સહિતના અધિકારી - કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડી ગયા છે.

આમ, મ.ન.પા.ના તંત્રમાં પણ વહીવટી કટોકટીની સ્થિતિ કાબુ બહાર થતી જતી હોઇ આ બાબત ભારે ચિંતાજનક બની છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફના એન્ટીજન ટેસ્ટ અમાન્ય?: પોઝિટીવ આવે તો પણ બીજો R.T.-P.C.R.  ટેસ્ટ કરાવાય છે

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા સામાન્ય નાગરીકોનાં એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ આવે તો તેઓને તુરત જ કોરાનાં સંક્રમિત જાહેર કરી ૧૪ દિવસ આઇસોલોટેટ અને કોરન્ટાઇન કરાય છે. પરંતુ મ્યુ. કોર્પોરેશન સ્ટાફ એન્ટીજન ટેસ્ટમાં પોઝીટીવ આવે તો પણ તેનો બોજો આર.ટી.-પી.સી.આર. ટેસ્ટ કરાવવામાં આવે છે.

કેમ કે હવે જે પ્રકારે ધડા-ધડ કર્મચારીઓ પોઝીટીવ આવતાં જાય છે તે જોતાં પરિસ્થિતિ વધુ કટોકટી ભરી બની શકે છે. અને કોરાનાં બચાવ કામગીરીમાં મોટો વિક્ષેપ પાડી શકે છે.

અવિરત કામગીરી-૧ રૂમમાં પ૦ વ્યકિતને બેસાડી ત્રણ-ત્રણ વાર મીટીંગોથી સ્ટાફમાં નારાજગી-કચવાટની લાગણી

રાજકોટ : મ.ન.પા.ના સ્ટાફમાં કોરોના સંક્રમણ ફેલાયાની ફફડાટ વધ્યો છે ત્યારે અધિકારીઓ-કર્મચારીઓમાં ચર્ચાતી વિગતો મુજબ સતત કોરાનાની કામગીરીથી ભય અને ઉચાટ રહે છે. એટલું જ નહીં દરરોજ ત્રણ-ત્રણ વખત મીટીંગો યોજાય છે.

જેમાં પ૦ જેટલા લોકોને ગીચો-ગીચ બેસવું પડે છે અને કામગીરીની સમીક્ષા વખતે થયેલી ક્ષતિઓ અંગે જાહેરમાં અપમાનીત થવું પડે છે. આ બધી બાબતોને કારણે કોરોના સંક્રમણ વધ્યું છે સાથો સાથ માનસિક તણાવ અનુભવી હતાશામાં ગરકાવ થઇ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

(3:28 pm IST)