Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સ્પર્શથી ફેલાતા કોરોનાને કાબુમાં રાખવા કોવિડ સેન્ટરમાં ધોબી પ્લાન્ટની કામગીરી પણ કાબીલેદાદ

ઇન્ફેકશન કન્ટ્રોલર ગામીભાઇ અને ગિરીશભાઇ કહે છે- રોજ ૨૦૦થી વધુ બેડશીટ, ચાદરોને સોડિયમ હાઇપોકલોરાઇટથી ધોઇને કરવામાં આવે છે સ્વચ્છ

રાજકોટ તા. ૧૨ : સુક્ષ્મ અને નરી આંખે પણ ન જોઈ શકાય તેવા વાયરસો અને બેકટેરિયા વાયુવેગે બિમારીઓ ફેલાવાનું કામ કરતા હોય છે. આ કિટાણુઓનો ખાતમો કરવા માટે જો કોઈ અસરકારક પગલું હોય તો છે એ સ્વચ્છતા. જો દર્દીની આસપાસ સ્વચ્છ વાતાવરણ હશે તો તેના આરોગ્યમાં ઝડપથી સુધારો આવે છે. ત્યારે કોરોના દરેક દર્દીને સ્વચ્છ વાતાવરણ અને અલાયદી સુવિધા મળી રહે તે માટે સાથે રાજકોટ કોવીડ હોસ્પિટલ સમર્પિત ભાવ સાથે કામગીરી કરી રહ્યું છે. જેમાંની એક સુવિધા એટલે કોવીડ-૧૯ હોસ્પિટલના છઠ્ઠા માળે કાર્યરત ધોબી પ્લાન્ટ.

કોઈપણ બિમારીથી સંક્રમિત થયેલ દર્દી મોટાભાગે હોસ્પિટલમાં તેને ફાળવેલ બેડ એટલે કે પથારીમાં સમય પસાર કરતો હોય છે. ત્યારે કોવીડ હોસ્પિટલના દરેક દર્દીને સ્વસ્છ બેડશીટ, ઓસીકું અને ચાદર, નેપકીન મળી રહે તેની ખાસ તકેદારી લેવામાં આવી રહી છે.

આ સંદર્ભે કોવીડ હોસ્પિટલમાં ઈન્ફેકશન કંટ્રોલર તરીકે ફરજ બજાવતા ગામીભાઈએ ધોબી પ્લાન્ટની કામગીરી વિશે જણાવતા કહ્યું હતું કે, 'સ્પર્શથી ફેલાતા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે હાઈપોકલોરાઈટ અને પોટેશિયમ મેંગનેટ દ્વારા ૨૦૦ થી વધુ દર્દીઓની બેડશીટ, રૂમાલ, ટુવાલ, ઓશીકાના કવર અને ઓઢવાની ચાદરને નિયમિત પણે ધોવામાં આવે છે.'

ધોબી પ્લાન્ટમાં પાયાની કામગીરી કરતાં ગિરિશભાઈએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, '૨૦૦થી વધુ બેડશીટ અને ચાદરને લિફટના માધ્યમથી છઠ્ઠા માળે લઈ જઈને તેને વોશ કરવામાં આવે છે. જરૂરી કેમીકલ દ્વારા વોશીંગ મશીનમાં બેડશીટ-ચાદરને વોશ કર્યા બાદ તેને ખુલ્લા તડકામાં સુકવીએ છીએ. દર્દી રોગમુકત થઈને ઘર પરત ફરી શકે તે માટે પી.પી.કીટ, માસ્ક, ગ્લોવ્ઝ પહેરીને રોજ જંતુયુકત ચાદર અને બેડશીટને જંતુમુકત કરીએ છીએ.'

(2:26 pm IST)