Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સૌરાષ્ટ્રના મોટાભાગની ડેરીઓ કરતાં રાજકોટ ડેરી દૂધ ઉત્પાદકને વધુ ભાવ આપે છે

ઓછા ભાવ અપાતા હોવાના આક્ષેપને આંકડાઓ સાથે નકારતા ગોવિંદભાઈ રાણપરીયા

રાજકોટ,તા.૧૨: રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.એ જિલ્લાના દૂધ ઉત્પાદકોના હિતો અને વિશ્વાસ ઉપર કાર્યરત જિલ્લાના સહકારી સંસ્થા છે. રાજકોટ જિલ્લાના ૫૦,૦૦૦થી વધુ દૂધ ઉત્પાદકો સક્રિય રીતે દૂધ સંઘ સાથે જોડાયેલા હોવાનું રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના અધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ રાણપરીયાએ એક યાદીમાં જણાવ્યું છે.

રાજકોટ દૂધ સંઘમાં ભાવાની બાબતમાં અમુક વર્ગ ગેરસમજણો ફેલાવી દૂધ ઉત્પાદકોની લાગણી સાથે ખેલી રહ્યા છે. ત્યારે રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષશ્રી ગોવિંદભાઈ રાણપરીયાએ દૂધના ખરીદ ભાવ ઉપર વિસ્તૃત સ્પષ્ટીકરણ કરતા જણાવેલ હતુ કે ડેરી એક ઈન્ડસ્ટ્રીઝ છે. તેમાં દૂધના ખરીદ ભાવ નકકી કરતી વખતે અનેક પરીબળો અસરકર્તા છે. જેમ કે દૂધની માંગ અને પુરવઠો, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા, રોગચાળો, ઘાસચારો, ખોળદાણના ભાવો, કુદરતી પરીબળો જેમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ, ગરમી, ઠંડી વગેરે ઉપરાંત દૂધની આવક- જાવક, દૂધના વેચાણના ભાવો, દૂધનું સ્થાનીક બજાર, દૂધ અને દૂધની બનાવટોના ભાવો વગેરે અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને દૂધનો ખરીદ ભાવ ચુકવવાનો નિર્ણય જે તે વખતે સંઘનું નિયામક મંડળ કરતુ હોય છે.

સંઘે છેલ્લા ૫ વર્ષમાં દૂધના સરેરાશ ખરીદ ભાવમાં (ભાવફેર સાથે) કયારેયછ આગળના વર્ષની સરખામણીએ ઓછા ભાવ ચુકવેલ નથી. જે આંકડાઓ પણ રજૂ કર્યા હતા.

હાલમાં પણ દૂધ સંઘ દૂધ ઉત્પાદકોને દૂધનો ખરીદ ભાવ પ્રતિ કિલો ફેટના રૂ.૬૮૦ ચુકવે છે જે સૌરાષ્ટ્રના મોટા ભાગના દૂધ સંઘ કરતા અંદાજે રૂ.૩૫ થી ૪૦ વધુ છે.

આ ઉપરાંત દૂધ ઉત્પાદકોના પશુપાલનના વ્યવસાયને પણ મદદરૂપ થવા અનેક યોજનામાં કરોડો રૂપિયાની સબસીડી, દૂધ ઉત્પાદકના અકસ્માતમાં મૃત્યુ સમયે રૂ.૧૦ લાખનું વિમા કવચ તેના વારસદારને મળે તે માટે વિમા પ્રિમિયમની રકમ અને પશુપાલન સારવારનો લાખો રૂપિયાનો ખર્ચ સંઘ કરે છે. પશુપાલન વ્યવસાયમાં દૂધ ઉત્પાદન ખર્ચ ઘટે અને પશુદીઠ દૂધ ઉત્પાદન વધે તે માટે પણ સંઘે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ દૂધ ઉત્પાદકોના હિતોને ધ્યાનમાં રાખીને કરે છે.

સ્વ.વિઠલભાઈ રાદડીયાના આદર્શ ઉપર કેડી કંડારનાર કેબીનેટ મંત્રી અને રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડીયાના માર્ગદર્શન હેઠળ દૂધ સંઘના અધ્યક્ષ અને નિયામક મંડળે હરહંમેશ દૂધ ઉત્પાદકોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણયો કર્યા છે. દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોએ સંઘના ૧૪ નિયામક મંડળના સભ્યોને બિનહરીફ ચુંટેલ છે. જે દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોએ નિયામક મંડળ ઉપર મુકેલ વિશ્વાસ એ જ સંઘના સારા વહીવટનું પ્રમાણપત્ર ધરાવતા હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(12:57 pm IST)