Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

પાણીનો ખાડો બન્યો મોતનો ખાડોઃ ૬ વર્ષનો જેનિશ રમતો-રમતો પડી ગયો ને જીવ ગયો

પિતાએ લાડકવાયાને બચાવવા એમ્બ્યુલન્સની રાહ ન જોઇ ફાયરમેનની મદદથી એકટીવા મારફત દવાખાને પહોંચાડવા પ્રયાસ કર્યો પણ જીવ બચી ન શકયો....ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ પાસે બનાવઃ લીલાણી પરિવારમાં ગમગીની

તસ્વીરમાં માસુમ જેનીશ તથા તેના માટે મોત બનેલો ખાડો અને તપાસર્થે પહોંચેલા એએસઆઇ કનુભાઇ માલવીયા તથા મદદનીશ નજરે પડે છે

રાજકોટ તા. ૧૨: શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી હજુ પણ ખાડાઓમાં ભરાયેલા પડ્યા છે. રેલનગરમાં ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ પાસે આવો જ એક વિશાળ ખાડો છે જેમાં વરસાદી પાણી ભરાયેલું છે. આશરે ચાલીસેક ફૂટ લાંબા અને પંદરેક ફુટ પહોળા એવા આ ખાડામાં બાર-તેર ફુટ ઉંડાઇ સુધી વરસાદી પાણી ભરેલુ છે. અહિ ગઇકાલે કેટલાક છોકરા રમવા આવ્યા હતાં. જે પૈકી લીલાણી પરિવારનો ૬ વર્ષનો લાડકવાયો રમતો-રમતો ખાડામાં પડી જતાં ડુબી જવાથી મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ રેલનગરની ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ કે-૪૪માં રહેતો જેનીશ હિતેષભાઇ લીલાણી (ઉ.વ.૬)ગઇકાલે ઘર નજીક પાણીના ખાડામાં પડી જતાં તેને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જેનિશ બે ભાઇમાં મોટો હતો. તેના પિતા હિતેષભાઇહોસ્પિટલ ચોકમાં કપડાની લારી રાખી ધંધો કરે છે.

હિતેષભાઇએ જણાવ્યું હતું કે તેનો પુત્ર અને બીજા બે છોકરા ઘરનજીક ભરાયેલા પાણીના ખાડા પાસે રમવા ગયા હતાં. બીજા બે બાળકો પરત આવી ગયા હતાં પણ મારો દિકરો ન આવતાં છોકરાઓને પુછતાં તેણે જેનીશ ખાડામાં પડી ગયાની જાણ કરતાં હું તુરત જ ટુવ્હીલર લઇ ફાયર સ્ટેશને પહોંચ્યો હતો અને જાણ કરી હતી. ફાયરમેન મેહુલભાઇ તુરત જ આવ્યા હતાં અને તેમણે કુદીને બાળકને બહાર કાઢ્યો હતો. ૧૦૮ આવે એ પહેલા જ મેં તેને એકટીવામ ારફત હોસ્પિટલે પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. રસ્તામાં ફાયરમેને મારા દિકરાને પમ્પીંગ કરી બચાવવા પ્રયાસ કર્યો હતો. પણ અમે હોસ્પિટલે પહોંચ્યા ત્યારે ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

માસુમ માટે મોતનો ખાડો સાબિત થયેલા આ પાણીના ખાડા નજીક આડશ રાખવા કે પછી અહિ જોખમ છે...એવું બોર્ડ લગાવવા સંબંધીતોએ તસ્દી લેવી જોઇએ તેવી વિસ્તારના રહેવાસીઓની માંગણી છે. લાડકવાયાના મોતથી લીલાણી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:56 pm IST)