Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

લોધીકાના ખીરસરા પાસે ૧૬.૬પ લાખનો દારૂ ભરેલ 'આઇશર' પકડાયું: રાજકોટના બે શખ્સોની ધરપકડ

ઓઇલના બેરલમાં નીચેના ભાગે ચોરખાનું બનાવી દારૂનો જથ્થો છુપાવ્યો'તોઃ ઇકબાલ ધારા તથા યુસુફ દલવાણીને ર૬.૮૩ લાખના મુદામાલ સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એ. આર. ગોહિલ તથા પી.એસ.આઇ. એચ. એમ. રાણાની ટીમે ઝડપી લીધાઃ દારૂનો જથ્થો મંગળવાર રાજકોટના બુટલેગર અશોક સિંધવની શોધખોળ

તસ્વીરમાં આઇશરમાં બેરલમાં ચોરખાનામાં છુપાવેલ દારૂનો જથ્થો અને બીજી તસ્વીરમાં રૂરલ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ તથા પકડાયેલ બન્ને શખ્સો (નીચે બેઠેલા) નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧રઃ રાજકોટની ભાગોળે લોધીકાના ખીરસરા ગામ પાસે ગતરાત્રે રૂરલ ક્રાઇમ બ્રાંચે ૧૬.૬પ લાખના દારૂનો જથ્થો ભરેલો આઇશર સાથે રાનજકોટના બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસની નજરથી બચવા બુટલેગરોએ ઓઇલના બેરલમાં નીચેના ભાગે ચોરખાનું બનાવી દારૂનો જથ્થો છુપાવ્યો'તો પણ છટકી શકયા ન હતા.

પ્રાપ્ત વિગતો મુજબ જીલ્લામાં દારૂ-જુગારની બદી ડામવાની રેન્જ આઇજીપી સંદીપસિંહ તથા ઇન્ચાર્જ એસ.પી. સાગર બાગમારની સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા પી.એસ.આઇ. હિતેન્દ્રસિંહ રાણાની ટીમ લોધીકાના મેટોડા પાસે નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રૂરલ ક્રાઇમ બ્રાંચના પો.કો. રહીમભાઇ દલને બાતમી મળેલછ કે, દારૂનો જથ્થો ભરેલું આઇશર ખીરસરા તરફથી દેવગામ તરફ જતું હોય રૂરલ ક્રાઇમ બ્રાંચનો કાફલો વોચમાં ગોઠવાઇ ગયો હતો. અને શંકાસ્પદ હાલતમાં નીક/ેલ આશરને રોકી તલાશી લેતા તેમાં લોખંડના ઓઇલના બેરલ ભરેલ હોય તપાસ કરતા ૩પ બેરલના નીચેના ભાગે બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલ નંગ ર૬૭૬ કિ. ૧૬.૬પ લાખના બેરલ, આઇશર તથા મોબાઇલ નંગ-ર મળી કુલ ર૬.૮૩ લાખના મુદામાલ સાથે આઇશરમાં બેઠેલા ઇકબાલ બાઉદીનભાઇ ધારા તથા યુસુફ ઇબ્રાહીમભાઇ દલવાણી રે. રાજકોટને ઝડપી લીધા હતા. પકડાયેલ ઉકત બંન્ને શખ્સોએ આ દારૂનો જથ્થો હરીયાણાથી લાવ્યાનું અને રાજકોટના નામચીન બુટલેગર અશોક સિંધવે મંગાવ્યાની કેફીયત આપી હતી.

રૂરલ ક્રાઇમ બ્રાંચે ઉકત બંન્ને શખ્સોને લોધીકા પોલીસના હવાલે કરી મુખ્ય સૂત્રધાર બુટલેગર અશોક સિંધવની શોધખોળ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. પ્રભાતભાઇ બાલાસરા, હેડ કો. રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણ ત્રિવેદી, પો. કો. દિવ્યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, મેહુલભાઇ બારોટ, પ્રણયભાઇ સાવરીયા, ભાવેશભાઇ મકવાણા તથા ડ્રાઇવર હેડ કો. નરેન્દ્રભાઇ દવે તથા ડ્રાઇવર પો.કો. જયપાલસિંહ ઝાલા રોકાયા હતા.

(11:37 am IST)