Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ચોરાઉ બાઇકના ઉપયોગથી પર્સની ચિલઝડપ કરીઃ સ્લીપ થયા, પોલીસને જોઇ છરી ઉગામી ભાગ્યાઃ છતાં ઝડપાયા

હેડકોન્સ. કિશનભાઇ આહિરે સરદારનગર પાસે વિરેન રવાણીને દબોચ્યા બાદ સિકંદર ઉર્ફ જોનીને પકડી લેવાયોઃ ચિલઝડપ અને વાહનચોરીના ગુના નોંધવા તજવીજ

રાજકોટ તા. ૧૨: ગત સાંજે જાગનાથ પ્લોટ વિસ્તારના સરદારનગર પાસે બાઇકસ્વાર બે શખ્સો એક મહિલાના હાથમાંથી પર્સની ચિલઝડપ કરી ભાગી ગયા હતાં. આ બંને સરદારનગર બગીચા પાસે સ્લીપ થઇ જતાં ટ્રાફિક શાખાના હેડકોન્સ. કિશનભાઇ આહિર તેને મદદ કરવાના ઇરાદે ગયા હતાં. પણ પોલીસને નજીક આવતાં જોઇ પડી ગયેલા બે પૈકી એકે છરી કાઢી હતી અને બંને ઉભા થઇ ભાગ્યા હતાં. આ બંને ગુનેગાર હોવાનું સમજાઇ જતાં હેડકોન્સ. કિશનભાઇએ દોડીને પીછો કર્યો હતો. પણ બંને આગળ નીકળી જતાં એક નાગરિકના બાઇકમાં બેસી પીછો ચાલુ રાખ્યો હતો અને એકને પકડી લીધો હતો. પોલીસ તપાસમાં આ શખ્સો ચિલઝડપ કરીને ભાગ્યાનું ખુલતાં બીજાને પણ શોધી કઢાયો હતો.

એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એસ.વી. સાખરા, બી.વી. ગોહિલ, હારૂનભાઇ, રામભાઇ, નરેશભાઇ સહિતે પુછતાછ કરતાં પોતાના નામ વિરેન કિશોરભાઇ રવાણી (ઉ.૧૯-રહે. રૈયા રોડ શિવપરા-૩, કનૈયા ચોક) તથા સિકંદર ઉર્ફ જોની હાસમભાઇ ચોૈહાણ (ઉ.૩૫-રહે. બ્રહ્મસમાજ ચોક) જણાવ્યા હતાં. આ બંનેએ જાગનાથ પ્લોટમાં પર્સની ચિલઝડપ કર્યાનું કબુલ્યું હતું. તેમજ જે બાઇકનો ઉપયોગ કર્યો એ બાઇક ત્રણેક દિવસ પહેલા પંચનાથ પ્લોટમાંથી ચોરી કર્યાનું કબુલ્યું હતું. પોલીસે બે ગુના નોંધવા તજવીજ કરી હતી. વિરેન અગાઉ પણ લૂંટ, ચિલઝડપમાં સંડોવાઇ ચુકયો છે. બંનેની વિશેષ પુછતાછ થઇ રહી છે. હેડકોન્સ. કિશનભાઇ આહિર અગાઉ ગાંધીગ્રામ પોલીસ મથક અને ક્રાઇમ બ્રાંચમાં કામગીરી કરી ચુકયા છે.

(4:17 pm IST)