Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના આર્શીવાદે માસક્ષમણ તપ કરનાર કોલકતાના કામાણી સંઘ પ્રમુખ રાજનભાઈ કામદારના રવિવારે પારણા

રાજકોટઃ જૈન ધર્મમાં ઉપવાસની તપશ્ચર્યાનું મહત્વ હોવાથી અનેક ભાવિકો ગુરુઆદેશ પામીને ૧ થી ૩૦ ઉપવાસ ની તપ સાધના કરતા હોય છે. ગત ડિસેમ્બર મહિનામાં રાજકોટમાં દીક્ષા અંગીકાર કરનારા પૂજયશ્રી પરમ સ્વમિત્રાજી મહાસતીજીના કોલકાતા ચાતુર્માસનાં પ્રારંભે ૩૦ દિવસ ઉપવાસ તપના પારણા અવસરે, કોલકાતાના શ્રી કામાણી જૈન ભવનનાં પ્રમુખ એવા ૬૫ વર્ષીય રાજનભાઈ કામદાર એ પૂજય મહાસતીજીને પારણાં કરાવવાનો લાભ લેવા માટે ૩૦ ઉપવાસ તપ કરવાની ભાવના વ્યકત કરતા રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ એ સહર્ષ આશીર્વાદ આપ્યા હતા. પોતાના સંકલ્પને સાકાર કરવા માટે એક પછી એક ઉપવાસની આરાધના કરતા  તા.૧૫ને રવિવારે ૩૦માં ઉપવાસ સાથે તેઓ માસક્ષમણ તપની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે શ્રી કામાણી જૈન સંઘ, કોલકાતા પ્રત્યેની દરેક જવાબદારી અને કાર્ય નિભાવતા નિભાવતા ૬૫ વર્ષની ઉંમરે પણ  રાજનભાઈ શાતા પૂર્વક ઉગ્ર તપ આરાધના તરફ આગળ વધી રહ્યાં છે. વિશેષમાં, વર્ષ ૨૦૧૩માં નિર્માણ થયેલ, કોલકાતા પારસધામ સંકુલ શ્રી રાજનભાઈ ના માતા પિતા એટલે કે શ્રી માતુશ્રી નિર્મલાબેન મનસુખલાલ કામદારના નામકરણ સાથે આજે અનેક-અનેક ભાવિકો માટે સાધના આરાધનાનું એક કેન્દ્રસ્થાન બની રહ્યું છે.

રાજનભાઈના પરિવારમાંથી તેમનાં ધર્મપત્ની શ્રી સોનલબેન કામદાર, તેમ જ એમના દીકરી ધ્વનિબેન રૂપાણી એ વર્ષ ૨૦૦૯માં પૂજય ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં કોલકાતાના ચાતુર્માસમાં માસક્ષમણ તપની આરાધના પરિપૂર્ણ કરી હતી. સાથે જ,તેમના નાના ભાઇ અતુલભાઇ કામદાર અને એમના ધર્મપત્ની અમીબેન અતુલભાઇ કામદાર એ પણ રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીના આશીર્વાદ થી મુંબઇમાં ૩૦ ઉપવાસ તપની આરાધના કરી હતી.

કામદાર પરિવારના રાજનભાઈના માસક્ષમણ તપના પારણાનો અવસર રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીના સાંનિધ્યે રવિવાર, તા.૧૫ સવારના ૯ કલાકે શ્રી કામાણી જૈન સંઘના આંગણે આયોજિત કરવામાં આવ્યો છે.

(3:47 pm IST)