Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

હે ગણપતિ બાપા આવજો, આવતા વર્ષે ફરી વહેલા પધારજો

વિહવળ બનેલા ભાવિકો દ્વારા ભીની આંખે મૂર્તિ વિસર્જન : અગીયાર દિવસીય ગણેશ મહોત્સવનું સમાપન

રાજકોટ તા. ૧૨ : દસેય આંગળીઓથી દુંદાળા દેવની પૂજા અર્ચના કર્યા બાદ મુર્તિ વિસર્જનની ઘડી આવી પહોંચતા આજે ભાવિકોની આંખો ભીની બની ગઇ હતી. વિહવળ હ્ય્દયે દાદાની મુર્તિને વિદાય આપતી વેળાએ 'ગણપતિ બાપા મોરીયા, પુડચ્યાવર્ષી લવકરીયા.... હે ગણપતિ બાપા આવજો, આવતા વર્ષે ફરી વહેલા પધારજો' શબ્દો મુખેથી સરી પડયા હતા.

રાજકોટમાં યોજાયેલ તમામ સ્થળોએ આજે ગણપતિ મહોત્સવનું મૂર્તિ વિસર્જન સાથે સમાપન થયુ હતુ. દાદાની વિશાળ મૂર્તિઓને ટ્રક જેવા વાહનોમાં બીરાજમાન કરી જળાશયો સુધી યાત્રારૂપે વાજતે ગાજતે લઇ જઇ જળમાં વિસર્જન કરાયુ હતુ.

ત્રિકોણબાગ ખાતે વિસર્જન યાત્રાનું ભાવભીનું સ્વાગત

શહેરભરમાં સ્થાપિત નાના મોટા ગણપતિ વિસર્જન યાત્રા માટે શાસ્ત્રી મેદાન ખાતે એકત્ર થયા બાદ બપોરે અહીંથી સામુહિક વિસર્જન યાત્રા નિકળી હતી. જેનું શિવસેના દ્વારા ત્રિકોણબાગ ખાતે ભાવભીનું સ્વાગત કરાયુ હતુ. અહીંથી ખોખડદડ નદી તરફ પ્રસ્થાન કરાવાયુ હતુ.

વિસર્જન માટેના સ્થળો

ભયજનક હોય કે પીવાલાયક પાણીના જળસ્ત્રોતો હોય ત્યાં મૂર્તિ વિસર્જનની મનાઇ ફરમાવાઇ છે. જયારે આજી ડેમની બાજુમાં આવેલ ખાણમાં તેમજ પાળ પાસેના તળાવમાં તેમજ વાગુદડ પાસેના રસ્તે અને હનુમાન ધારા ખાતે નહીં પણ તેનાથી આગળ ચેકપોષ્ટ પાસેની ખાતેની ખાણમાં વિસર્જન કરવા ખાસ પ્રબંધ કરાયા છે. પોલીસ સુરક્ષા અને ફાયરના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. મોટી મુર્તિઓના વિસર્જન માટે કેટલાક સ્થળોએ મોટા ખાસ કુંડ તૈયાર કરાયા હતા.

(3:35 pm IST)