Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

માધાપર-મુંજકા-ઘંટેશ્વરને રાજકોટમાં ભેળવવા ચક્રો ગતિમાન?

રાજકોટ મ્યુ. કોર્પો.ની હદ વધારવા તૈયારીઃ આ વિસ્તારોમાં વિકાસના નવા દ્વાર ખુલશે

રાજકોટ, તા.૧૨:  ૨૦૨૦ના વર્ષના ઉતરાર્ધમાં આવી રહેલ કોર્પોરેશનોની સામાન્ય ચૂંટણી પૂર્વે રાજકોટની હદ વધારવા માટે હિલચાલ શરૂ થઈ છે. જામનગર રોડ પર  આવેલ  માધાપર અને ઘંટેશ્વર ગામ અને યુનિર્વસિટી પાસે આવેલ મંુજકા ગામને શહેરમાં જોડી મહાનગરને હજુ મોટુ બનાવવાના ચક્રો ગતિમાન થયાનું ટોચના વિશ્વનીય સુત્રો માંથી જાણવા મળી રહ્યુ છે. શહેરમાં દોઢ દાયકા પહેલા રૈયા, નાનામવા અને મવડીની હદ વધારવામાં આવેલ. ત્યાર પછી ૨૦૧૫માં કોઠારીયા અને વાવડીને રાજકોટ કોર્પોરેશન સાથે જોડવામાં આવ્યા હતા. સરકારે જે ગ્રામ્ય વિસ્તારો જે તે નગર કે મહાનગરની એકદમ નજીક હોય અને સત્તાવાર રીતે અલગ પરંતુ વ્યવહારૂ રીતે શહેર સાથે જોડાયેલા હોય તેને સત્તાવાર રીતે શહેર સાથે જોડવાનું નક્કી કર્યુ છે તે મુજબ માધાપર, મુજંકા, ઘંટેશ્વર  હાલ ગ્રામ પંચાયતનો દરજ્જો ધરાવે છે. તેનુ રાજકોટ શહેરમાં વિલીનીકરણ કરી શહેરના કોર્પોરેશનના કાર્યક્ષેત્રની હદ વધારવાની હિલચાલ ચાલી રહ્રી હોય તેમ સુત્રોમાં ચર્ચાઇ રહ્યુ છે.

માધાપર, મુંજકા અને ઘંટેશ્વરની  જો હદ વધારવાના નિર્ણયને આખરી સ્વરૂપ આપવામાં આવે તો હાલની રાજકોટ શહેરની ૧૫ લાખ જેટલી વસ્તીમાં અંદાજીત ૬૦૦૦૦ જેટલો વધારો થશે. વિસ્તારની દ્રષ્ટિએ ઘણો વધારો થઈ જશે. જમીન મકાન સહિતના ધંધાની દ્રષ્ટિએ બન્ને વિસ્તારો વિકસી રહ્યા છે. સરકારી ચોપડે ગામડુ હોવા છતા વ્યવહારૂ દ્રષ્ટિએ શહેરના જ ભાગોળના વિસ્તાર તરીકેની છાપ ધરાવે છે. ત્રણેય વિસ્તારોને રાજકોટમાં ભેળવી પ્રાથમિક સુવિધા સહિતના વિકાસના મીઠા ફળ પહોંચાડવાની સરકારની કલ્પના છે.ત્રણેય ગ્રામ પંચાયતોએ શહેરમાં જોડાવા માટે સહમતીનો ઠરાવ કરીને સરકારને મોકલવાનો રહેશે. જો કે ગ્રામ પંચાયતનો ઠરાવ તરફેણમાં ન હોય તો પણ હદ વધારા બાબતે નિર્ણય લેવાની સરકારને સત્તા છે.  આ અંગે સત્તાવાર સમર્થન મેળવાઇ રહ્યું છે.

(3:24 pm IST)