Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

બે માસુમ જિંદગી અકાળે ખતમ

૫ વર્ષની રાધાનું સર્પદંશથી અને ૮ વર્ષની રિન્કૂનું પાણીના ખાડામાં ડૂબવાથી મોત

ગોંડલના ખડવંથલી અને શાપરના શાંતિધામમાં બનાવઃ પરપ્રાંતિય પરિવારોમાં શોક

રાજકોટ તા. ૧૨: બે માસુમ બાળકીની જિંદગી અકાળે ખતમ થઇ જતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. બે અલગ અલગ બનાવમાં પાંચ વર્ષની એક બાળાનું સાપ કરડવાથી અને આઠ વર્ષની એક બાળાનું રમતાં-રમતાં પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બંને બાળકીને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

જાણવા મળ્યા મુજબ ગોંડલના ખડવંથલી ગામે ભરતભાઇ જેન્તીભાઇ પટેલની વાડીએ રહી ખેત મજૂરી કરતાં મુળ મધ્ય પ્રદેશના તેરસીંગ સુરસીંગ બામણીયાની પુત્રી રાધા (ઉ.વ.૫) રાત્રે એકાદ વાગ્યે વાડીએ સુતી હતી ત્યારે કાન પર સાપે દંશ મારી દેતાં તે ચીસ પાડી જાગી જતાં પિતા તેરસીંગ તથા બીજા પરિવારજનો પણ જાગી ગયા હતાં. સાપને ભાગતો જોઇ તેરસીંગે મારી નાંખ્યો હતો.

રાધાને ગંભીર હાલતમાં ગોંડલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દમ તોડી દેતાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને યુવરાજસિંહ જાડેજાએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રાધા બે બહેન અને એક ભાઇમાં મોટી હતી.

બીજા બનાવમાં શાપર વેરાવળમાં શાંતિધામ સોસાયટીમાં ભાડાની રૂમમાં રહેતાં મુળ બિહારના રાજેશભાઇ દાસની પુત્રી રિન્કૂ (ઉ.વ.૮) ગઇકાલે બપોર બાદ રમતી રમતી ઘરની પાછળના ભાગે ભરાયેલા પાણીના ખાડા પાસે પહોંચી હતી અને તેમાં પડી જતાં ડુબી ગઇ હતી. એ વખતે કોઇ વ્યકિત ત્યાંથી નીકળતાં તે બાળાને ડૂબતી જોઇ જતાં તેણીને બહાર કાઢી લીધી હતી. પરંતુ એ પહેલા તે પાણી પી ગઇ હોઇ બેભાન જેવી થઇ ગઇ હતી. તેણીએ આસપાસમાં તપાસ કરતાં બાળાના પરિવારજનો દોડી આવ્યા હતાં. તેણીને શાપર દવાખાને અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડી હતી. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેણીનું રાત્રીના અગિયારેક વાગ્યે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. મૃતકના પિતા રાજેશભાઇ કારખાનામાં કામ કરે છે. તે બે બહેન અને એક ભાઇમાં મોટી હતી તથા બીજા ધોરણમાં ભણતી હતી. બનાવોથી સ્વજનોમાં શોક છવાયો હતો. 

(11:50 am IST)