Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

કુવાડવા રોડ પર કારના શો રૂમમાં ત્રણ બુકાનીધારી ત્રાટકયાઃ ૪.૨૯ લાખની ચોરીઃ ચોરટા કેમેરામાં કેદ

રાત્રે ૧:૫૩ કલાકે અંદર ઘુસ્યા અને ૩:૦૦ આસપાસ બહાર નીકળી ગયાઃ એક શખ્સે મોઢે રૂમાલ, બીજાએ શર્ટ કાઢીને બાંધ્યો છે અને ત્રીજાએ ડિસ્પોઝેબલ કવર ઓઢી રાખ્યું છે!: કુવાડવા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ આદરીઃ માલિયાસણ પાસે ગેલોપ્સ મોટર પ્રા.લિ.માં બનાવઃ મેનેજર પ્રેમલભાઇ ત્રિવેદીએ ફરિયાદ નોંધાવીઃ ઉગમણી દિશાની દિવાલ ઠેંકી અંદર આવ્યાઃ વર્કશોપમાંથી ડિસમીસ, પાઇપ, લાગીયો લઇ કેશીયર રૂમની તિજોરી તોડી હાથફેરો કર્યો

જ્યાં ચોરી થઇ તે ગેલોપ્સનો શો રૂમ અને ફૂટેજમાં ત્રણ તસ્કરો દેખાય છે. ઉપરની તસ્વીરમાં એક તસ્કરે ડિસ્પોઝેબલ કવર (રેઇનકોટ જેવું) પહેર્યુ હોઇ તેમાંથી તેનો થોડો ચહેરો દેખાયો હતો તે જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૨: શહેરના કુવાડવા રોડ પર માલિયાસણ ગામમાં હાઇવે પર આવેલા ગેલોપ્સ મોટર પ્રા.લિ.ના કારના શો રૂમ, વર્કશોપમાં મંગળ-બુધની મોડી રાતે ત્રણ બુકાનીધારી તસ્કરો ત્રાટકી રૂ. ૪,૨૯,૨૭૫ની રોકડ ચોરી જતાં કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્રણેય તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોઇ તેના આધારે તપાસ થઇ રહી છે.

બનાવ અંગે કુવાડવા પોલીસે માધાપર ચોકડી પાસે સત્યમ્ શિવમ્ સુંદરમ્ સોસાયટી બી-૧૯માં રહેતાં અને માલિયાસણના ગેલોપ્સ મોટરમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં પ્રેમલભાઇ ગિરીશભાઇ ત્રિવેદી (બ્રાહ્મણ) (ઉ.૪૨)ની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૪૫૭, ૩૮૦, ૧૧૪, ૪૫૩ મુજબ ચોરીનો ગુનો નોંધ્યો છે.

પ્રેમલભાઇએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું આ શો રૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું. આ શો રૂમમાં મહિન્દ્રા કંપનીની પર્સનલ સેગમેન્ટ  (કોમર્શિયલ સિવાયની ગાડીનું વેંચાણ) થાય છે તથા વર્કશોપ છે. રાજકોટની કંપનીના ડિરેકટર ગંભીરસિંહ ચુડાસમા છે. હેડ ઓફિસ અમદાવાદ છે અને ત્યાંના સીઇઓ સાતિક ચેટર્જી છે. અમારા આ શો રૂમના સીઇઓ પ્રવિણભાઇ પટેલ છે.

તા. ૧૦ના સાંજે સાડા સાતેક વાગ્યે હું શો રૂમ પરથી ઘરે જવા નીકળ્યો હતો. ગઇકાલે ૧૧મીએ સવારે સવા નવેક વાગ્યે આવ્યો ત્યારે સ્ટાફ બહાર ઉભો હોઇ તેને કારણ પુછતાં ચોરી થયાનું કહેવાયું હતું. સ્ટાફે કેશિયર રૂમમાંથી ચોરી થયાની વાત કરી હતી. મેં તપાસ કરતાં કેશિયર રૂમની  કેશ બારીનો ગ્લાસ કાઢી નંખાયેલી હાલતમાં હતો તથા કેેશીયર રૂમના કબાટનો દરવાજો  તથા કબાટના અંદરની તિજોરી ખુલ્લી હાલતમાં હતાં. તેમજ બે ટેબલના ડ્રોઅર પણ ખુલ્લા હતાં.

કબાટના દરવાજામાં લોક મારવામાં આવ્યું નહોતું. કબાટની તિજોરીમાં લોક હતું, તે બળ વાપરીને તોડી નંખાયું હતું. તિજોરીમાં તથા ટેબલના ડ્રોઅરમાં રાખેલા રોકડા રૂપિયા ચોરાઇ ગયા હતાં. કેશીયર ગિરીશભાઇ જારીયા, સીઇઓ પ્રવિણભાઇ પટેલ અને રાજદિપસિંહ ચુડાસમા પણ આવી ગયા હતાં. અમે શો રૂમના સીસીટીવી કેમેરા ચેક કરતાં ૧૧/૯ના રાત્રીના ૧:૫૩ કલાકે ત્રણ ચોર બાજુના ખેતરની એટલે કે ઉગમણી દિશા તરફ આવેલી દિવાલ પરથી આવતાં દેખાયા હતાં. આ ત્રણેયએ મોઢે રૂમાલ, બુકાની બાંધેલા હતાં. તેમજ મોઢા ન દેખાય એ રીતે એક તસ્કરે ડિસ્પોઝેબલ કવર પહેરેલુ હતું. એક તસ્કરે પોતાનો શર્ટ કાઢી નાંખ્યો હતો અને ઉઘાડા ડીલે હતો, તેણે શર્ટ મોઢા પર બાંધી દીધો હતો.

આ ત્રણેય વર્કશોપમાંથી ડિસમીસ અને લોખંડના લાગ તથા પાઇપ લઇને ફ્રન્ટ ઓફિસના રસ્તે આવી કેશિયર ઓફિસમાં જાય છે અને કેશીયર ઓફિસનો કેશબારીનો ગ્લાસ ડિસમીસ તથા બીજા સાધનથી કાઢી બાજુમાં મુકી રૂમમમાં જાય છે. એ પછી ચોરી કરી જાય છે તેવું દેખાય છે.

તિજોરીમાં રાખેલ રોકડ તથા કેશીયર રૂમના ટેબલના ડ્રોઅરમાંથી મળી કુલ રૂ.  ૪,૨૯,૨૭૫ ચોરી ગયા હતાં. ચોરી બાદ ત્રણેય તસ્કરો જ્યાંથી આવ્યા હતાં ત્યાંથી જ રાત્રે ૩:૦૪ કલાકે બહાર નીકળી જતાં પણ દેખાયા છે. કુવાડવા પી.આઇ. પી.આર. પરમાર, પીએસઆઇ એમ. કે. ઝાલા, હિતેષભાઇ ગઢવી, બુટાભાઇ ભરવાડ, દિલીપભાઇ બોરીચા, મનિષભાઇ ચાવડા, અજીતભાઇ લોખીલ, રઘુવીર ઇશરાણી, હરેશભાઇ સારડીયા સહિતના સ્ટાફની ટીમોએ ફૂટેજે આધારે તસ્કરોને શોધવા દોડધામ શરૂ કરી છે. પોલીસે ઘટના સ્થળે ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો અને ફોરેન્સિક એકસપર્ટને બોલાવી ફિંગર લેવા પણ તજવીજ કરી હતી.

(11:48 am IST)