Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

યુનિવર્સિટીના દેરાણી-જેઠાણીના સતત ડખ્ખામાં અંગ્રેજી અને ફીઝીકલ એજયુકેશનના છાત્રો રઝળી પડયા

અંગ્રેજીમાં ૧ છાત્રના ભોગે ૯ છાત્રોને અને ફીજીકલ એજયુકેશનમાં ર૮ છાત્રોના પ્રવેશ અટકયા

રાજકોટ, તા., ૧૧: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટીની સીધ્ધીને બદલે કુલપતિ અને કુલનાયકના દેરાણી-જેઠાણી જેવા ઝઘડા ખુબ ચર્ચાસ્પદ બન્યા છે. દરરોજ કોઇને કોઇ મુદ્દે કુલપતિ પેથાણી અને કુલનાયક દેશાણી વચ્ચે અહંમનો ટકરાવ થતો હોય છે.  કેટલાક લોકો આ ખટરાગનો ભરપુર લાભ લઇ ધાર્યા કામ બંન્ને પાસે કરાવે છે પરંતુ વિદ્યાર્થીઓનો તો રીતસરનો ખો નિકળી જાય છે.

સામાન્ય રીતે કુલપતિ નિર્ણય કરે તો કુલનાયકને વાકુ પડે અને જો કુલનાયક નિર્ણય કરે તો કુલપતિને વાકુ પડે આ સ્થિતિમાં વિદ્યાર્થીઓની હાલત હવે કફોડી બની છે. વિદ્યાર્થીઓના મહત્વના શિક્ષણના દિવસો કુલનાયક અને કુલપતિના હઠાગ્રહને પરીણામે અટકી પડયા છે.

છેલ્લા દોઢ મહિનાથી ફીજીકલ એજયુકેશનમાં પ્રવેશ માટે જાહેરાત પ્રસિધ્ધ થયેલ ર૮ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરેલ. પરંતુ કુલપતિ અને કુલનાયકના અહંમ ટકરાવના કારણે હજુ સુધી પ્રવેશ કાર્યવાહી ચાલુ થઇ નથી. કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ આ અધ્ધરતાલ જેવી સ્થિતિમાં અન્ય યુનિવર્સિટીનો માર્ગ અપનાવ્યો છે.

આવી જ રીતે અંગ્રેજી ભવનમાં કુલ ૧૦ વિદ્યાર્થીમાંથી માત્ર એક વિદ્યાર્થીના મેરીટ પ્રશ્ને ૯ વિદ્યાર્થીઓનો પ્રવેશ અને શિક્ષણ બંન્ને અટકયા છે. કુલપતિ કે કુલનાયકની લડાઇમાં વિદ્યાર્થીઓના કિંમતી સમય અને શિક્ષણ બંન્ને  બગડી રહયા છે.

(3:36 pm IST)