Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

શાપર વેરાવળમાં ૫૩ કરોડના ખર્ચે ૪૬ કિ.મી.ના પાકા રસ્તા બનાવાયાઃ ફાયર સ્ટેશનનું ખાતમુહુર્ત

શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસો.ની વાર્ષિક સાધારણ સભામાં ડીરેકટરી વિમોચન-શહીદ જવાનોના પરીવારને ચેક વિતરણ

રાજકોટઃ તા.૧૧, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશન દ્વારા આજે સાંજે રેજન્સી લગુન રીસોર્ટ (ન્યારી ડેમ, કાલાવડ રોડ) ખાતે વાર્ષિક સાધારણ સભા મેમ્બર ડીરેકટરી ૨૦૧૯ વિમોચન શહીદ જવાનોના પરીવારને ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો છે.

હાલમાં એસોસીએશનના પ્રાણ પ્રશ્નો પિવાનું પાણી, ગરીબ માણસો માટે રહેણાંકના મકાનો ભુગર્ભ ગટર, ઔદ્યોગીક ધન કચરાનો નિકાસ પ્રદુષિત પાણીના કારણે થતો રોગચાળો વગેરે માટે રાજય સરકારશ્રીની સહાયથી પ્રશ્નો હલ થાય તેવા પ્રયત્નો ચાલુ હોવાનું તેમજ શાપર વેરાવળમાં ગ્રામ પંચાયતો છે તેને નિયમ મુુજબ નગરપાલીકા મળી શકે તેમ હોય આ માટે રજુઆત કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

ઔદ્યોગીક ઝોન શાપર-વેરાવળ ક્રિટીકલ ઇન્ફાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ પ્રોજેકટ અન્વયે એસોસીએશન દ્વારા રૂ.૫૩ કરોડના ખર્ચે ૪૬ કિમીના પાકા સીમેન્ટ રોડ બનાવેલ છે.

ફાયર સ્ટેશન માટે રૂડા તરફથી અંદાજે રૂ.૯ કરોડની જમીન મંજુર થતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખાતમૂહુર્ત કરેલ.

ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે શાપર વેરાવળ ચોકડી પાસે ઓવરબ્રીજ તથા પારડી ગામ અને શીતળામાતા મંદિર પાસે અન્ડરપાસ બ્રીજ મંજુર કરાવેલ અને શીતળામાતા મંદિર અન્ડરપાસની ઉંચાઇ ૩.૫ મીટર મંજુર કરેલ તે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાશ્રીને રજુઆત કરી ૫.૫ મીટર કરી રી ટેન્ડરીંગ કરાવેલ અને આ કામપૂર્ણ થઇ ગયેલ હોવાનું જણાવાયું છે.

શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસો.ની સાધારણસભામાં ચેરમેન શ્રી રમેશભાઇ ટીલાળા, પ્રમુખ શ્રી કિશોરભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રી અમૃતભાઇ ગઢીયા, શ્રી રતીભાઇ સાદરીયા અને સેક્રેટરી શ્રી વિનુભાઇ ધડુક વિ.  ઉપસ્થિત રહેશે.

(4:21 pm IST)