Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

હમણા જમવા આવુ છું...તેવી પત્નિ સાથે વાત કર્યા બાદ ફોન બંધ કરી મવડીના પટેલ વેપારી હસમુખભાઇ અકબરીએ મોત મેળવ્યું

એક મહિના પહેલા મકાનનો સોદો કર્યો હતોઃ ૧૮ લાખ ચુકવ્યા હતાં...બાકીના ગઇકાલે ચુકવવાના હતાં એ પહેલા પગલુ ભર્યુ : રવિવારે સાંજે ઘરે જઇ રહ્યાનું નાના ભાઇને કહીને નીકળી ગયા'તાઃ પરિવારજનોએ શોધખોળ આદરી ત્યાં ગત સાંજે પડધરી રંગપરના ન્યારી-૨ ડેમમાંથી લાશ મળતાં સ્વજનોમાં કલ્પાંતઃ આપઘાતનું ચોક્કસ કારણ અકળ : ૯ વર્ષની પુત્રી આયુષી અને ૪ વર્ષના પુત્ર પૂર્વએ પિતાની છત્રછાંયા ગુમાવી : નાના ભાઇ સાથે ઓઇલ-ગ્રીસનો વેપાર કરતા'તાઃ મુળ ધ્રોલના કાતડાના વતની

રાજકોટ તા. ૧૧: 'કયારે જમવા આવો છો?...બસ નીકળ્યો હમણા જ આવું છું...' આવી વાત રવિવારે સાંજે મવડી રોડ બાપા સિતારામ ચોક મધુવન પાર્કમાં રહેતાં અને ઓઇલ ગ્રીસનો વેપાર કરતાં પટેલ વેપારી હસમુખભાઇ ગંગદાસભાઇ અકબરી (ઉ.૩૩)એ પત્નિ નીતાબેન સાથે કરી હતી. પરંતુ એ પછી પતિના બંને ફોન બંધ થઇ જતાં સ્વજનોએ શોધખોળ શરૂ કરી હતી. તેમજ માલવીયાનગર પોલીસમાં ગૂમ થયાની જાણ કરી હતી. એ દરમિયાન ગઇકાલે સાંજે પડધરીના રંગપર પાસે ન્યારી-૨ ડેમમાંથી હસમુખભાઇની લાશ મળી આવતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે.

ગઇકાલે સાંજે રંગપર પાસે ન્યારી-૨ ડેમમાંથી એક પુરૂષની લાશ મળતાં પડધરી પોલીસ મથકના હેડકોન્સ. રણજીતભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસને પાળી પરથી પૈસા અને એક ચાવી મળી હતી. આસપાસમાં તપાસ કરતાં એક એકટીવા જોવા મળતાં તેમાં ચાવી લગાડતાં લોક ખુલી ગયું હતું. તેની ડેકીમાંથી બે મોબાઇલ ફોન મળ્યા હતાં. જે સ્વીચ ઓફ હોઇ પોલીસે ચાલુ કરીને તેમાં છેલ્લે વાત થઇ હોઇ એ નંબરો પર સંપર્ક કરતાં આ મૃતદેહ રવિવારે સાંજે ગૂમ થયેલા મવડીના હસમુખભાઇ અકબરીનો હોવાનું સ્પષ્ટ થતાં સ્વજનોને પોલીસે મૃતદેહની ઓળખ માટે બોલાવ્યા હતાં.

આપઘાત કરનાર હસમુખભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. તે અને નાના ભાઇ નિરજભાઇ મવડીમાં ઓઇલ-ગ્રીસની દૂકાનમાં બેસી વેપાર કરતાં હતાં. રવિવારે સાંજે હસમુખભાઇ એકટીવા લઇને ઘરે જઇ રહ્યાનું કહીને નીકળ્યા હતાં. એ દરમિયાન તેમના પત્નિ નીતાબેને ફોન કરી જમવા કયારે આવો છો? એમ પુછતાં તેણે હમણા જ આવે છે...તેવી વાત કરી હતી. પરંતુ લાંબો સમય વિતવા છતાં પતિ ઘરે ન પહોંચતા નીતાબેને ફોન જોડતાં પતિના બંને ફોન બંધ આવતા હતાં. જેથી તેણે દિયરને જાણ કરી હતી. બધાએ શોધખોળ શરૂ કરી હતી અને ગૂમ થયાની પોલીસને જાણ કરી હતી.

ત્યાં ગઇકાલે હસમુખભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો. રવિવારે સાંજે જ તેમણે ન્યારી-૨ ડેમે પહોંચી ફોન બંધ કરી ડેકીમાં રાખી દીધા બાદ ડેમમાં કૂદી મોત મેળવી લીધાનું પોલીસે તારણ કાઢ્યું હતું.

હસમુખભાઇ મુળ ધ્રોલના કાતડા ગામના વતની હતાં. હાલમાં મવડી મધુવન પાર્ક-૧ શેરી નં. ૩માં ભાડેથી ત્રણેક વર્ષથી રહેતાં હતાં. તેમના પિતા ગંગદાસભાઇ અને માતા સવિતાબેન ગામડે રહે છે. હસમુખભાઇને સંતાનમાં ૯ વર્ષની પુત્રી આયુષી અને ૪ વર્ષનો પુત્ર પૂર્વ છે.

આ વેપારીએ એક મહિના પહેલા જ આસ્થા સોસાયટી પાછળ રામધણ નજીક ૪૨ લાખના એક મકાનનો સોદો કર્યો હતો અને ૧૮ લાખ ચુકવી દીધા હતાં. બાકીનું પેમેન્ટ ગઇકાલે સોમવારે કરવાનું હતુ અને એ માટે પિતાને ફોન કરી રાજકોટ આવી જવા પણ બે દિવસ પહેલા હસમુખભાઇએ જણાવ્યું હતું. આ મકાનનો સોદો કર્યા પછી તે થોડા ચિંતીત જણાતા હતાં અને પોતે આ સોદામાં છેતરાયા તો નથી ને? તેવી મિત્રોને વાત કરતાં હતાં. આપઘાત કરવા પાછળ આ  ચિંતા કારણભુત છે કે બીજુ કોઇ કારણ? તે અંગે પડધરી પોલીસે તપાસ શરૂ કરી છે.

(3:47 pm IST)
  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST

  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST

  • ભારતીય સેનામાં પહેલીવાર સિપાહીના પદ માટે મહિલાઓની ભરતી :મોટી સંખ્યામાં યુવતીઓ ઉમટી પડી : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4458 ઉમેદવારોએ પરીક્ષા આપી : સીમા સુરક્ષા દળ માફક ભારતીય સેનાએ મહિલાઓ માટે ભરતી કરવા નિર્ણંય : ભારે પ્રતિસાદ મળ્યો access_time 12:59 am IST