Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

આર્ષ ઈન્ટરનેશનલ સ્કુલ ત્રંબાના ૧૨૧ છાત્રોની ડિપોઝીટના નાણા પરત આપવા વાલીઓની પ્રચંડ માંગ

વાલીઓ દ્વારા પોલીસ કમિશ્નર, ટ્રસ્ટીઓને રજૂઆત છતા પરત ન મળતા વાલીઓની હાલત દયનીય * કડક પગલા ભરી નાણા અપાવવા વાલીઓનો પોકાર

રાજકોટ : આર્ષ ઈન્ટરનેશનલ સ્કુલ ત્રંબામાં ભરેલ ડિપોઝીટ પ્રશ્ને રજૂઆત કરતા વાલીઓ નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

રાજકોટ, તા. ૧૧ : શહેરની ભાગોળે આવેલ કસ્તુરબાધામ (ત્રંબા) સ્થિત આર્ષ ઈન્ટરનેશનલ સ્કુલના ૧૨૧ વાલીઓની સ્થિતિ ખૂબ દયનીય બની છે. સ્કુલમાં ભરેલી ડિપોઝીટ પેટેની રકમ પરત મેળવવા વાલીઓ ભારે રઝળપાટ કરે છે છતા કોઈ યોગ્ય નિર્ણય ન થતા આજે વાલીઓએ અખબારી કચેરી અને સંબંધિત વિભાગમાં રજૂઆતો કરી છે.

શહેરની ભાગોળે ત્રંબામાં આવેલ આર્ષ ઈન્ટરનેશનલ સ્કુલમાં ધો.૧ થી ૧૨ સાયન્સ કોમર્સ ગુજરાતી મીડીયમ, અને અંગ્રેજી માધ્યમ ડે એન્ડ રેસીડેન્સ સ્કુલ આવેલ. તેમાં સ્કુલ મેનેજમેન્ટ દ્વારા ખાસ પેમ્પલેટ બહાર પાડી ભણાવો આપના બાળકને ઈન્ટરનેશનલ સ્કુલમાં, એક વાર રીફન્ડેબલ ડીપોઝીટ ભરીને આ અંતર્ગત અનેક વાલીઓએ તેમના સંતાનો માટે પ્રવેશ મેળવેલ.

અકિલા કાર્યાલય ખાતે આર્ષ ઈન્ટરનેશનલ સ્કુલના વાલીઓ આશિષભાઈ મોલીયા, શૈલેષભાઈ હરસોરા, રસીકભાઈ ઢોલરીયા, મેહુલભાઈ ડાંગરીયા સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેલ અને રોષભેર જણાવેલ કે, અમે અમારા સંતાનોનું આર્ષ ઈન્ટરનેશનલ સ્કુલમાં પ્રવેશ મેળવેલ અને તેની યોજના મુજબ અમે રીફન્ડેબલ ડિપોઝીટ ભરેલ. રૂ.૬૦ હજાર થી ૧ લાખ સુધીની ડિપોઝીટ રકમ ભરેલ પરંતુ અચાનક સ્કુલ બંધ થઈ જતા અમે વાલીઓએ ડીપોઝીટ રીફન્ડ લેવા માટે રજૂઆત કરેલ, પરંતુ ટ્રસ્ટી મંડળોએ એક બાદ એક મુદ્દતો નાખતા ગયા અગાઉ આ અંગે પોલીસ કમિશ્નરશ્રીને પણ રજૂઆત કરેલ અને આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે પણ રજૂઆત કરેલ, પરંતુ અમોને હજુ સુધી કોઈ ડિપોઝીટ રીફન્ડ મળેલ નથી.

વાલીઓએ વધુમાં જણાવેલ કે અમોએ સગા સંબંધી તેમજ અન્ય પાસેથી ઉછીના લઈને અમે આ રકમ ભરી છે. હવે અમારે પરત કરવાના સમયે પણ નથી શિક્ષણ મળતુ કે નથી ડિપોઝીટ રીફંડ થતી. આ અંગે તુરંત અમોને ન્યાય મળે તેવી અરજ કરેલ.

(3:43 pm IST)