Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

રાજકોટ રેલ્વે ડીવીઝનમાં આજથી ગાંધી જયંતી (ર ઓકટોબર) સુધી 'સ્વચ્છતા હી સેવા' અભિયાનઃરેલ્વે સ્ટેશન આસપાસ કરી સફાઇઃ મુસાફરોને પ્લાસ્ટીકનો ઉપયોગ છોડવા અપીલ

રાજકોટઃ પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડીવીઝનમાં આજે ૧૧ સપ્ટેમ્બરથી ર ઓકટોબર-ગાંધી જયંતી દિવસ સુધી 'સ્વચ્છતા હી સેવા' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અભિયાનની શરૂઆત રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર સ્ટેશન ઉપર સફાઇ હાથ ધરી કરવામાં આવી હતી. ડીઆરએમ શ્રી પરમેશ્વર ફુંકવાલના નેતૃત્વમાં રેલ અધિકારીઓ અને કર્મચારીઓ સૌથી પહેલા સ્લોગન, બેનર અને પોસ્ટરો સાથે રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર રેલી યોજી હતી. આ રેલીના માધ્યમથી મુસાફરોને રેલ્વે સ્ટેશન અને ટ્રેન સાફસુથરી રાખવા અપીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ ડીઆરએમ ફુંકવાલ અને કર્મચારીઓએ રેલ્વે સ્ટેશનના મુખ્ય ગેઇટ અને આસપાસના એરીયા, પાર્કીગ સ્ટેન્ડ, ટીકીટ કાઉન્ટર, પ્લેટફોર્મ સહિતના સ્થળોએ સ્વયં સફાઇ કરી જાગૃતી લાવવા પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન સ્વચ્છતા જાગૃતી માટે પેમ્ફલેઇટસનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. દરેક રેલ્વે સ્ટેશન ઉપર સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા માટે એનાઉસમેન્ટ કરવામાં આવી રહયું છે. આ અભિયાનની શરૂઆત પ્રસંગે એડીશ્નલ ડીઆરએમ એસ.એસ.યાદવ, કોમર્શીયલ મેનેજર શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવ, ડીવીઝનલ મીકેનીકલ એન્જીનીયર એલ.એમ.દહમા અને અન્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(3:42 pm IST)