Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

વ્યાજખોરીનો ભોગ બનેલા રૈયાના મુમતાઝબેન સિપાહીએ ઝેર પીધું

મહિલાના પતિ મહમદભાઇએ જાહીદાબેન પાસેથી પોતાના મિત્રને ૧૦ લાખ અપાવ્યા હતાં: મિત્ર ભાગી જતાં મહમદભાઇ પાસે આકરી ઉઘરાણી થતાં તે પણ ૨૯મીએ ઘર છોડી જતાં રહ્યા છે

રાજકોટ તા. ૧૧: રૈયા ગામમાં ચાંદની મંડપ સર્વિસવાળી શેરીમાં રહેતાં મુમતાઝબેન મહમદભાઇ સિપાહી (ઉ.૪૫)એ ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. વ્યાજખોરીથી ત્રાસીને આ પગલુ ભર્યાનું તેણીએ કહ્યું હતું.

મુમતાઝબેનને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પોતે રોટલી વણવાનું કામ કરવા જાય છે. તેણે કહ્યું હતું કે તેના પતિ મહમદભાઇ જે રિક્ષા હંકારે છે તેણે ત્રણ વર્ષ પહેલા સાધુ વાસવાણી રોડ પર રહેતી જાહીદાબેન નામની મહિલા પાસેથી રૂ. ૧૦ લાખ ૧૦ ટકા વ્યાજેથી મિત્ર અસલમને અપાવ્યા હતાં. હવે અસલમ કયાંક જતો રહેતાં તેણીના પતિ પાસે વ્યાજની આકરી ઉઘરાણી શરૂ થતાં તે પણ ૨૯મીએ ગામ મુકીને કયાંક જતાં રહ્યા છે. હવે પોતાની પાસેથી વ્યાજની ઉઘરાણી થતી હોઇ બે મહિનામાં કટકે-કટકે કરી બે લાખ જેવી રકમ ચુકવી આપી છે. આમ છતાં હેરાનગતિ થતી હોવાથી કંટાળીને પોતે ઝેર પી ગયા હતાં.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને યુવરાજસિંહે યુનિવર્સિટી પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી.

(3:40 pm IST)