Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

જડતી આવતા જ પોરબંદરના પાકા કેદી ભીમો ઉર્ફ ભીમડીએ ફોન ચાદર નીચે છુપાવી દીધો

સિમકાર્ડ કોના નામે? કોણ આપી ગયું? સહિતના મુદ્દે તપાસઃ પ્ર.નગરમાં ગુનો નોંધાવાયોઃ ફોનથી કોઇ ગુનાહિત કૃત્ય થયું છે કે કેમ? તે સહિતના મુદ્દે તપાસ કરાવવા જેલર રબારીની ફરિયાદઃ એફએસએલમાં મોકલાશેઃ રાજકોટ જેલમાંથી બે ઇંંચ લાંબો, એક ઇંચ પહોળો સિમ કાર્ડ-બેટરી વાળો કાળા રંગનો ફોન મળ્યોઃ જેલ કર્મચારીની સંડોવણી?

રાજકોટ તા. ૧૧: અહિની સેન્ટ્રલ જેલમાંથી અગાઉ અનેક વખત મોબાઇલ ફોન, તમાકુ, બીડી સહિતની પ્રતિબંધીત વસ્તુઓ મળી ચુકી છે. તે વખતે ફરજ બજાવતાં અમુક જેલ સિપાહીઓની સંડોવણી ખુલતાં તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. દરમિયાન ફરી વખત જેલમાંથી એક પાકા કામના કેદી પાસેથી મોબાઇલ ફોન મળતાં ગુનો દાખલ કરાવાયો છે. આ કેદી પાકા કામનો છે અને પોરબંદરનો રહેવાસી છે.

ગ્રુપ-૨ જેલર ડી. પી. રબારીએ આ અંગે પ્ર.નગર પોલીસમાં જેલના પાકા કામના કેદી નં. ૪૨૦૦૦ ભીમો ઉર્ફ ભીમડી વેજાભાઇ સામે પ્રિઝન એકટની કલમ ૪૨, ૪૩,૪૫ તથા પેટા કલમ ૧૨ મુજબ ગુનો નોંધ્યો છે.  શ્રી રબારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૯/૯ના  મારી ડ્યુટી જેલર તરીકેની હોઇ સાંજે સવા પાંચેક વાગ્યે જેલમાં સ્થાનિક જડતી સ્કવોડ દ્વારા સર્કલ-૨ના વિવિંગ વિભાગમાં જતાં જ ત્યાં કામ કરતો પાકો કેદી ભીમો ઉર્ફ ભીમડી દોડીને વિવિંગ વિભાગના મશીનરી વિભાગમાં જતો રહ્યો હતો. શંકા જતાં જડતી સ્કવોડના જેલ સહાયક વશરામભાઇ જી. ખાંભલા પાછળ ગયા હતાં.

ત્યાં જતાં કેદી ભીમાએ મશીન પર મોબાઇલ મુકી માથે ચાદર ઢાંકી દીધી હોઇ તે શોધી કાઢ્યો હતો. કે-૧૦ કંપનીનો આ મોબાઇલ કાળા રંગનો, બે ઇંચ લાંબો અને એક ઇંચ પહોળો તેમજ સિમકાર્ડ બેટરી સાથેનો હતો. આ મોબાઇલને એફએસઓલમાં મોકલી સાયબર ફોરેન્સિક વિભાગ દ્વારા ચકાસણી કરાવવી જરૂરી છે. જેથી તેમાંથી વધુ માહિતી મળી શકે તેમ છે. આ ફોનનું સિમકાર્ડ કોના નામે છે? ફોનથી કોઇ ગુનાહિત પ્રવૃતિ થઇ છે કે કેમ? મોબાઇલ જેલમાં ઘુસાડવા કોઇ જેલ કર્મચારીની સંડોવણી છે કે કેમ? બીજા કોણે-કોણે ફોનનો ઉપયોગ કર્યો? તે સહિતના મુદ્દે તપાસ કરાવવા જેલર ડી.પી. રબારીએ પોલીસને જણાવતાં પીએસઆઇ એમ. બી. ગોસ્વામીએ તપાસ શરૂ કરી છે.

જે કેદી પાસેથી ફોન મળ્યો છે તે પોરબંદરનો રહેવાસી છે અને પાકા કામનો છે. પ્ર.નગર પોલીસ કોર્ટમાંથી મંજુરી મેળવી કેદીનો કબ્જો લઇ વિશેષ તપાસ હાથ ધરશે.

(11:47 am IST)