Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ચકચારી મગફળી કૌભાંડમાં મગન ઝાલાવડીયાના સાત સાગ્રીતોની જામીન અરજીને સેસન્સ કોર્ટે ફગાવી દીધી

પેઢલાકાંડની તપાસ દરમ્યાન રાજકોટમાં મગફળીની ગુણીઓ સળગાવી દીધાનું ખૂલ્યું હતુ : વિમા કંપનીએ કલેઇમ રદ કરતા દિલ્હીના અધિકારીને પ૦ લાખની લાંચ મોકલાઇ હતી : આરોપીને જામીન અપાશે તો સાક્ષીઓને ફોડવાની કોશિષ કરવાની શકયતા છે : સરકારી વકીલ વોરાની સફળ રજૂઆત

રાજકોટ, તા. ૧ર : જેતપુરના પેઢલા ગામે મગફળીની ગુણીઓમાં ધૂળ, માટી અને કાકરા ભેળવી કૌભાંડ આચરનાર ગુજકોકના મેનેજર મગન ઝાલાવડીયાની ફરીયાદની તપાસ દરમ્યાન ફરીયાદી પોતે ખરો ગુનેગાર હોવાનું ફલીત થતા તેઓની પોલીસ રીમાન્ડ માગવામાં આવી હતી જે રીમાન્ડ દરમ્યાનની પૂછપરછ વખતે રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં રપ લાખ ગુણીઓ સળગ્યાના કૌભાંડમાં ગમન ઝાલાવડીયા પોતે સુત્રધાર હોવાનું જણાઇ આવતા તેમની સામે 'બી' ડીવી. પોલીસ સ્ટેશનમાં રાજકોટના ગુના અંગે જુદી ફરીયાદ નોંધી તેઓની પોલીસ રીમાન્ડની માગણી કરવામાં આવેલ હતી. આ રીમાન્ડ દરમ્યાન મગન ઝાલાવડીયાએ પોતાના જે સાગરીતો મારફત આગથી બચી ગયેલી ગુણીઓ સગેવગે કરેલ હતી તેઓની પણ પોલીસે ધરપકડ કરેલ હતી. આ તમામ સાગરીતોએ ૧૦ દિવસની રીમાન્ડ બાદ જામીન અરજી કરતા એડી. સેશન્સ જજ શ્રી વી.વી. પરમારે જામીન અરજીઓ રદ કરેલ હતી.

તા. ૧૩/૩/ર૦૧૮ના રોજ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રપ લાખ ગુણીઓ સળગેલ હોવાના પ્રકરણમાં મગન ઝાલાવડીયા મુખ્ય સુત્રધાર હોવાનું જણાઇ આવતું હતું. આ હકીકતો ફલીત થતા મગન ઝાલાવડીયા સામે બી-ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો અને તપાસ દરમ્યાન જણાઇ આવેલ હતું કે આગ લાગતા પહેલા ૩ ટ્રકો ભરીને ખાલી ગુણીઓ કાઢવામાં આવેલ હતી. આગ લાગ્યા બાદ પ,ર૦,૦૦૦/-ગુણીઓ આગથી બચી ગયેલ હતી તેને આ મેનેજર મગન ઝાલાવડીયાએ સ્થળાતર કરાવેલ હતી, પરંતુ સ્થળાંતર દરમ્યાન ૮ ટ્રકોમાં ભરાયેલ આ ગુણીઓ ગડાઉનમાં ઉતારતી વખતે પ ટ્રક જ દેખાડવાના હતા. આમ થવાના બદલે ગોડાઉન સંચાલકે શરતચૂકથી ૮ ટ્રકો રજીસ્ટરમાં લખી લેતા આ રજીસ્ટરનું પાનુ ફાડી નાખવામાં આવેલ હતું. આ સરકારી ગોડાઉનમાંથી નીકળેલ પ લાખથી વધારે ગુણીઓ ત્રંબા અને સરધાર મુકામેના ગોડાઉનમાં સગ્રહવામાં આવેલ હતી. જેમાંથી ૩૦,૮૦૦ ગુણીઓ આરોપીઓએ વેચાણ અને ખરીદી કરેલ હતી. જે સસ્તી કિંમતે ખરીદ કરી ઉંચી કિંમતે વેચાણ કર્યાનું ફલીત થતું હતું. આ ગુણીઓ જે ટ્રકોમાં ભરાવીને રવાના કરવામાં આવેલ હતી તે ટ્રકની સગવડતા કાળુભાઇ બાબુભાઇએ કરી આપેલ હતી.

શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલશ્રી સંજયભાઇ કે. વોરાએ રજૂઆત કરતા જણાવેલ હતું કે, આરોપીઓએ જે ગુણીઓ વહેચી આપવામાં મગન ઝાલાવડીયાને મદદ કરેલ છે તે અરવિંદ ઠક્કર અને મહેશ મગે તેઓના સબંધી છે તેમજ મનસુખ લીંબાસીયા અને કાનજી દેવજીભાઇએ જયારે આ ગુણીઓ ખરીદ કરેલ તે ખરીદ ગુજકોટ ગોડાઉનમાં આગ લાગેલ તે બાદ તુરંત જ ખરીદાયેલ હતી.

આ રીતે જયારે સમગ્ર શહેર જાણતુ હતું કે મગફળીની ગુણીઓમાં આગ લાગેલ છે ત્યારે આટલી મોટી સંખ્યામાં ગુણીઓ ખરીદનાર વ્યકિત આ ગુણીઓ સરકારી હોવાનું તેમજ બીલ કે અધિકાર વિના વેચાણ થતી હોવાનું જાણતા હતા અને તેથી જ તેઓએ સસ્તા ભાવે જાણકારી સાથે ખરીદી કરેલ હતી. જેથી મોટી રકમનો નફો મેળવી શકાય. જે ગોડાઉનમાં ગુણીઓ સગેવગે કરીને ઉતારવામાં આવેલ તે ગોડાઉનના રજીસ્ટરમાં પ ટ્રકો લખાવવાના બદલે ૮ ટ્રકો લખાઇ જતા સાચી સંખ્યા જણાઇ આવતી હતી. આ સાચી સંખ્યા ન જણાય તે માટે નિરજ મનસુખભાઇ અને પરેશ હંસરાજભાઇએ રજીસ્ટરના પાના ફાડી નાખેલ હતા. આ રીતે તમામ આરોપીઓએ સરકારી માલીકીની ગુણીઓ જે આગથી બચી ગયેલ હતી તેને ટ્રકો ભરીને સગેવગે કરી તેનું અંગત રીતે વેચાણ અને ખરીદી કરી સરકારને કરોડોની નુકશાની કરાવેલ છે.

સરકાર તરફે વધુમાં જણાવવામાં આવેલ હતું કે આ ગુણીઓનો વીમો લેનાર ન્યુ ઇન્ડીયા એસ્યોરન્સ કાું. એ જયારે વીમાનો કલેઇમ નામજૂર કરેલ ત્યારે આ કલેઇમ મંજૂર કરાવવા માટે દિલ્લીના અધિકારીને રૂ. પ૦ લાખની લાંચની રકમ મોકલવામાં આવેલ હતી તેમ તપાસ દરમ્યાન હકીકત ખુલેલ છે જે અંગે અલગથી ગુનો નોંધી જવાબદાર આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી કરી રહેલ હોય ત્યારે આ ગુનાના આરોપીઓને જામીન ઉપર છોડવામાં આવે તો સાક્ષીઓને ફોડવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા છે તેમજ પોલીસ તપાસની કામગીરીને ફકત ૧પ જ દિવસ થયેલ હોય ત્યારે પોલીસ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી આરોપીઓ વિરૂદ્ધ મળી શકે તેવા પુરાવાઓ મેળવી શકાય તે કારણે આરોપીઓને જામીન ઉપર મુકત કરવા ન્યાયોચિત નથી.

શ્રી સરકાર તરીે જિલ્લા સરકારી વકીલશ્રી સંજયભાઇ કે. વોરા તથા મદદનીશ સરકારી વકીલશ્રી આબીદભાઇ સોસન અને અનિલભાઇ ગોગીયા દ્વારા થયેલ રજુઆતોના અંતે એડી. સેશન્સ જજે તમામ આરોપીની જામીન અરજી નામંજુર કરેલ  છે.(૮.૪)

(12:18 pm IST)