Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

જામનગરના મહેશભાઇ સોનીનો કોઠારીયા નાકાથી જ પીછો થતો હતોઃ કરણપરામાં ૮ લાખના દાગીનાનો થેલો રેંકડીમાં રાખ્યો ને તફડંચી થઇ

જામનગરના વેપારીઓના દાગીનાને રાજકોટ પોલીસીંગ માટે લાવવાનું કામ કરતાં પ્રોૈઢ સાથે ચિલઝડપનો બનાવ : મહેશભાઇ બીજા મિત્ર સાથે ઉભા રહી ત્રીજા મિત્ર કાર લઇને આવે તેની રાહ જોતા'તા ત્યારે ૨૫ થી ૨૬ વર્ષનો શખ્સ પાછળથી ચાલીને આવ્યો, થેલો ઉઠાવ્યો અને દોટ મુકી આગળ બાઇક સાથે ઉભેલા બે શખ્સ પાછળ બેસી ભાગી ગયો : મહેશભાઇએ દોટ મુકી પણ એક પગે ખોટ હોઇ વધુ દોડી ન શકયા : ઘટના સ્થળથી માંડી સાંગણવા ચોક સુધી અનેક જગ્યાએ સીસીટીવી ફૂટેજ મળ્યા

દાગીના ભરેલા થેલાની તફડંચીના બનાવને પગલે પોલીસ અધિકારીઓ અને સોની વેપારીઓ કરણપરામાં પહોંચ્યા હતાં અને ભોગ બનેલા મહેશભાઇ પાસેથી વિગતો મેળવી હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૨ : જામનગરના બે સોની મિત્રો ગત રાત્રે સાડા નવેક વાગ્યે રાજકોટના કરણપરા ચોક ચબુતરા પાસે એક રેંકડીમાં દાગીનાના થેલા રાખી વાતો કરી રહ્યા હતાં અને ત્રીજા મિત્ર કાર લઇને આવે તેની રાહ જોઇ રહ્યા હતાં ત્યારે એક શખ્સ ૮ લાખના દાગીના સાથેનો થેલો રેંકડીમાંથી લઇ આગળ બાઇક સાથે ઉભેલા બે શખ્સો સાથે ભાગી જતાં દોડધામ મચી ગઇ હતી. એ-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રેંકડીમાં બીજા સોની પ્રોૈઢનો દાગીનાનો થેલો પણ હતો, પણ એ સદ્દનસિબે બચી ગયો હતો. સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવતાં કોઠારીયા નાકાથી જ આ પ્રોૈઢનો પીછો થતો હોવાનું અને રેકી કરીને થેલો ઉઠાવી જવાયાનું અને ઉઠાવગીરો સાંગણવા ચોક બાલાજી સેન્ડવીચ તરફથી ભાગ્યાનું પણ જાણવા મળ્યું છે. જુદી-જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરાઇ છે. 

બનાવ અંગે પોલીસે જામનગરમાં ખંભાળીયા નાકા બહાર દિગ્વીજય પ્લોટ-૧૪ રઘુવીર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૨માં રહેતાં અને જામનગરના વેપારીઓના સોના-ચાંદીના દાગીના રાજકોટ પોલીસીંગ વાઇબ્રેટ માટે લાવવા, લઇ જવાનું કમિશનથી કામ કરતાં મહેશભાઇ ગોવિંદભાઇ વજાણી (વાણીયા સોની) (ઉ.૫૬)ની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૭૯, ૩૫૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. આ ત્રણેયની ઉમર આશરે ૨૫ થી ૨૬ વર્ષ જેવી હતી.

મહેશભાઇએ જણાવ્યું હતું કે પોતે વર્ષોથી જામનગરના અલગ-અલગ વેપારીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના મેળવી રાજકોટ પોલીસીંગ કરવા માટે લઇ આવે છે અને પાછા પહોંચાડે છે. આ કામમાં તેઓને કમિશન મળે છે. જામનગરમાં તેમની પોતાની પણ રિધ્ધી સિધ્ધી જ્વેલર્સ નામે દૂકાન છે. ત્યાં તેની સાથે ભાણેજ અનિલભાઇ ઝીંઝુવાડીયા પણ રિપેરીંગનું કામ કરે છે. ગઇકાલે પોતે જામનગર આવ્યા હતાં. તેના સંબંધી વિભાપરવાળા અજયભાઇ સોની કે જેઓ રાજકોટ તેની વેગનઆર કાર લઇને રાજકોટ ગધીવાડમાં દરગાહ પાસેની દૂકાને કામ સબબ આવતાં હોઇ પોતે તેની સાથે પરત જામનગર જાય છે. આ રીતે રમેશભાઇ ભુવા પણ જામનગર રહેતાં હોઇ તે પણ અજયભાઇની કારમાં જ રાજકોટથી પરત જામનગર જાય છે.

ગઇકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે જામનગર-દ્વારકા-ભાવનગર રૂટની એસટી બસમાં બેસની રાજકોટ આવ્યા હતાં. સાથે જામનગરના છ વેપારીઓના સોનાના ઘરેણા અને ચાંદીના ઘરેણા હતાં. સાંજે સવા પાંચેક વાગ્યે રાજકોટ જામટાવર પહોંચેલ ત્યારે રમેશભાઇએ પોતે સાંઢીયા પુલ પાસે હોઇ ઉભા રહેવાનો અને સોની બજારમાં સાથે જ જઇશું તેવો ફોન કરતાં પોતે રાહ જોવા ઉભા હતાં. એ પછી રમેશભાઇ આવતાં બંને હોસ્પિટલ ચોકીમાં ચા પીધા બાદ સોની બજારમાં જવા રિક્ષામાં બેઠા હતાં. રમેશભાઇ પાસે પણ ચાંદીના ઘરેણા હતાં. તેને ગઢની રાંગ પાસે જવું હોઇ ત્યાં ગયા હતાં અને પોતે સોની બજાર સવજીભાઇની શેરીમાં રઘુવીર ચેર્મ્બ્સમાં વસંતભાઇને ચાંદીનો માલ આપવા ગયેલ. ત્યાંથી ચાલીને ગધીવાડ શીવ દુર્ગા દુકાને અને ત્યાંથી પેલેસ રોડ પર માલ આપી ફરી ટંકારીયા ચેર્મ્સમાં પહોંચી માલ આપ્યો હતો.

એ પછી સોની બજાર કામદાર શેરીમાં કે. અશ્વિન આંગડિયા અને પ્રવિણ આંગડિયામાં કચ્છનું આંગડિયુ કરેલ અને ત્યાંથી દરબાર ગઢ પટેલ બ્રધર્સમાં માલ આપી બાદમાં બોઘાણી શેરી જલારામ વાયબ્રેટમાં પરમ દિવસે આપેલો ચાંદીનો માલ આશરે ૧૫.૫૦૫૦ કિલો દાગીના ભરતભાઇ બુસાણી, મનિષભાઇમોનાણી અને ભોગીલાલભાઇ જામનગરવાળાનો માલ હતો તે લીધો હતો અને થેલમાં મુકયો હતો.

એ પછી ધીરૂભાઇ છોલવાલા અને નિલેષભાઇ જામનગરવાળાનું ૫૦૦ ગ્રામ ચાંદી ઓઝા ઇન્ડસ્ટ્રીઝમાંથી લીધુ હતું. ત્યારબાદ ૩૦ ગ્રામ સોનાનો ચેઇન, ૧૧ ગ્રામ ચેઇન, ૨૦ગ્રામ ચેઇન મળી કુલ ૧૬ કિલો ચાંદી રૂ. ૬ લાખનું અને સોનાના દાગીના ૬૧ ગ્રામ આશરે ૨ લાખના જુદી-જુદી દુકાનેથી લઇ જામનગર જવા માટે તૈયાર થયા હતાં. રમેશભાઇ અને ગાડીવાળા અજયભાઇ પણ આવી ગયા હતાં. રાત્રીના નવેક વાગ્યે ત્રણેય જણા કોઠારીય ાનાકા પોલીસ ચોકી પાસેથી રિક્ષામાં બેસી કરણપરા ચબુતરા પાસે આવ્યા હતાં. અજયભાઇ કરણપરા ચોકમાં તેમના સસરાના ઘર પાસે વેગનઆર પાર્ક કરે છે.

તે કાર લેવા ગયા ત્યાં સુધી પોતે (મહેશભાઇ વજાણી) અને રમેશભાઇ બંનેના થેલા બાજુમાં પડેલી રેંકડીમાં રાખીને વાતો  કરતા હતાં. મહેશભાઇએ પોતાના થેલા પર હાથ પણ રાખ્યોહ તો. એ દરમિયાન એક અજાણ્યો શખ્સ પાછળથી ચાલીને આવ્યો હતો અને પોતાનો થેલો ઉપાડીને ભાગ્યો હતો. પોતે તેની પાછળ દોડ્યા હતાં પણ જમણા પગમાં ખોટ હોઇ વધુ દોડી શકયા નહોતાં. આ શખ્સ આગળ બે જણા પહેલેથી જ બાઇક લઇને ઉભા હતાં તેની પાછળ બેસી ગયો હતો અને ત્રણેય ભાગી ગયા હતાં. બે શખ્સે કાળા જેવા કપડા પહેર્યા હતાં. કુલ ૮ લાખના દાગીના અને અમુક રોકડ રકમ સાથેનો થેલો લઇ ત્રણેય શખ્સ ભાગી ગયા હતાં. સદ્દનસિબે સાથેના રમેશભાઇનો થેલો બચી ગયો હતો.

ઘટનાની જાણ થતાં એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, એસીપી બી. બી. રાઠોડ, એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજા, પીએસઆઇ સાખરા,  રણજીતસિંહ, વિજયસિંહ, ભરતસિંહ ગોહિલ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ કરી હતી. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં પી.આઇ. એન. કે. જાડેજાની ટીમ તથા ક્રાઇમ બ્રાંચની જુદી-જુદી ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(3:51 pm IST)