Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી એક સમયે-એક સાથે ૧.૧૧ લાખ ભાવિકોની સંવત્સરી પ્રતિક્રમણની સામુહિક આરાધના

વન જૈનના નેજા હેઠળ સામુહિક આરાધનામાં સર્વત્ર ગુંજી રહેશે "મિચ્છામિ દુક્કડં" નો નાદ

રાજકોટ: કોરોના મહામારીના સામુહિક કર્મબંધના ઉદયના આ વિષમ કાળમાં સામુહિક પ્રતિક્રમણની આરાધનાનું ઐતિહાસિક આયોજન રાષ્ટ્રસંત પરમ પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી કરવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં પધારી રહેલાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના અંતિમ, સંવત્સરીના દિવસે તા:22 ને શનિવારના સાંજના ૬:૩૦ થી ૮:૩૦ કલાક દરમ્યાન “વન જૈન”ના નેજા હેઠળ લાઈવ પ્રસારણના માધ્યમથી 1.11 લાખથી વધારે ભાવિકો એક સમયે, એક સાથે સંવત્સરી પ્રતિક્રમણની આરાધના કરીને પાપ વિશુધ્ધિ કરશે. એક સાથે જગતના સર્વ જીવો સાથે ક્ષમાપના કરશે, એકસાથે મિચ્છામી દુક્કડંનો નાદ ગુંજવશે અને સમગ્ર વિશ્વમાં સામુહિક આરાધનાના પાવન તરંગો પ્રસરાવશે.

 લાઈવના માધ્યમે આ આયોજનમાં સમગ્ર ભારતના ગુજરાત, સૌરાષ્ટ્ર, મુંબઈ, પૂર્વ ભારત અને ઉત્તર ભારતના 108 થી વધુ શ્રી સ્થાનકવાસી જૈન સંઘોના ભાવિકો જોડાઈને ધન્ય બનશે.  

આ આયોજનમાં જૈન જાગૃતિ સેન્ટરના હજારો ભાવિકો, જૈન સોશિયલ ગ્રુપના હજારો શ્રાવકો અને જૈનમ ગ્રુપ પ્રેરિત શ્રાવક શ્રાવિકા સાથે ગામો ગામના ભાવિકો જોડાશે.

આ કાર્યક્રમનું પ્રસારણ ટીવી ચેનલ તથા સોશીયલ મીડીયા પરથી લાઇવ થશે. સામુહિક કર્મ ઉદયના આજના સમયમાં સામુહિક આરાધના સાથે આત્મશુધ્ધિ કરવાના આ અવસરે, સહુ ભાવિકોને જોડાવા માટે આમંત્રિત કરવામાં આવ્યાં છે.

(7:02 pm IST)