Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રોજગારીની સાથે કોરોનાના સંકટ સમયમાં દર્દીનારાયણોની સેવા કરવાનો સવિશેષ આનંદઃ ડો. પ્રિયંકા લીંબાણી

કોરોના વાયરસના પગલે તબીબોની જરૂરિયાતને પહોંચી વળવા : રાજકોટ જિલ્લામાં ૪૦ જેટલા ડોકટરોની ત્રણ માસ માટે સેવા ઉપલબ્ધ બનાવાઇ

રાજકોટ,તા.૧૧ ઓગસ્ટ- કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી અંતર્ગત સર્વત્ર કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઇ ગુજરાત સરકાર અને સ્થાનિક વહિવટી તંત્રની સાથે પ્રત્યેક સમાજ દ્વારા આ મહામારીને અંકુશમાં રાખવાના અનેક પગલાઓ લેવામાં આવી રહયા છે.

જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં તબીબી સ્ટાફની જરૂરિયાતને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાં કુલ ૪૦ ડોકટરોની ત્રણ માસ માટે સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જેમાં તબીબી ક્ષેત્રની હોમિયોપેથી, આયુર્વેદિક અને બી.ડી.એસ. ત્રણેયના કોમન મેરિટના આધારે તેઓની નિમણૂક મે - ૨૦૨૦માં કરાયુ હોવાનું અધિક મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી મિતેષ ભંડેરીએ જણાવ્યુ છે.

આ તમામ તબીબોને રાજકોટ જિલ્લામાં અલગ અલગ શહેરોની હોસ્પિટલ, ધન્વંતરી રથ વગેરેમાં આરોગ્ય વિષયક ફરજ સોપવામાં આવી છે. જે પૈકી રાજકોટના ડો. પ્રિયંકા લીંબાણીનો પણ સમાવેશ થાય છે. ડો. પ્રિયંકાને જસદણ તાલુકાના ધન્વંતરી રથમાં ફરજ સોંપવામાં આવેલ છે.

 ડો. પ્રિયંકા માહિતી ખાતાની ટીમને કહે છે કે ૨૦૧૯ માં અમદાવાદથી મે મારા બી.ડી.એસ.(ડેન્ટીસ) નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ હું કલીનીક કરવાનું અથવા હોસ્પિટલમાં જોબ કરવાનું વિચારતી હતી પરંતુ આ દરમિયાન લોકડાઉન જાહેર થયું, જેમાં મને રાજકોટ જિલ્લામાં આરોગ્ય તંત્રએ કરેલી ૪૦ તબીબોની હંગામી નિમણૂકમાં સ્થાન પ્રાપ્ત થતા મને રોજગારીની સાથે કોરોનાના સંકટ સમયમાં દર્દીનારાયણની સેવા કરવાનો સવિશેષ આનંદ છે.

અત્યારે મારી ફરજ જસદણ તાલુકાના ધન્વંતરી રથમાં છે. અમે દરરોજ બે થી ત્રણ ગામમાં એકહજાર જેટલા લોકોની કન્ટેન્ટમેન્ટ અને બફર ઝોનમાં આરોગ્ય વિષયક તપાસ કરી રહયા છીએ. અમારી મેડિકલ ટીમ સાથે દર્દીઓનું સ્ક્રીનીંગ, બીપી, ડાયાબીટીસ વગેરેની તપાસ કરીએ છીએ. અમે તેમને દ્યર ગથ્થુ ઉપચાર, સોશ્યિલ ડિસ્ટંસ રાખવા સહિતની સમજૂતી પણ આપીએ છીએ. જેથી તેઓ વાયરસના સંક્રમણથી બચી શકે.

 પોતાની ફિલ્ડ વર્કની કામગીરીમાં કોરોના વાયરસથી બચવા આરોગ્યની ટીમ શુ સાવચેતી રાખે છે તે અંગે ડો. પ્રિયંકા કહે છે કે અમે માસ્ક, હાથ મોજા, એપ્રેન સહિતની જરૂરી સુરક્ષિત કીટ પહેરીએ છીએ. સ્વચ્છતા જાળવીએ છીએ અને સેનીટાઇઝરનો ઉપયોગ કરીએ છીએ.

 પોતાના અનુભવો વિશે ડો. પ્રિયંકા કહે છે કે વૈશ્વિક મહામારી કોરોનાના જંગમાં કરેલી મારી તબીબ તરીકેની કામગીરીનો આ અનુભવ મને હંમેશા આત્મસંતોષ આપશે. અને મારા માટે એક સુખદ સંભારણુ બની રહેશે.

(3:43 pm IST)