Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

જન્માષ્ટમીનું મીની વેકેશન જાણે ભૂતકાળ બન્યુ

સામાન્ય દિવસોમાં જન્માષ્ટમી તહેવારમાં મુસાફરીનું એક પૈડું ઉભું ન હોય એવાં અત્યારે કોરોનાએ મુસાફરો અને મુસાફરીના વાહનોને લોક કરી દીધા

રાજકોટઃ જન્માષ્ટમી જેવો તહેવાર એટલે સૌરાષ્ટ્રના મેળા અને એકસાથે ત્રણ- ચાર દિવસની રજા એટલે સૌરાષ્ટ્રવાસીઓ માટે તો જાણે મીની વેકેશન. આ દિવસોમાં લોકોને રજા હોવાથી નજીકના કોઈ પર્યટન સ્થળ ઉપર રજાઓ ગાળવા નીકળી જતા હોય છે. આ સમયે ગુજરાતના કોઈપણ વાહનવ્યવહાર ના પૈડાં ઉભા નથી હોતાં. આ વર્ષે જાણે એ બધાં વાહનવ્યવહારનાં પૈડાંને કોરોનાની બ્રેક લાગી ગઈ છે.

સામાન્ય દિવસોમાં આ તહેવારના સમયે બસોમાં, ટ્રેનમાં, કે ટેક્ષીમાં જગ્યા મળતી ન હોય એવાં અત્યારે બસો સાવ ખાલી જાય છે.સરકારના આદેશ મુજબ બસ ફૂલ કરવાની મનાઈ છે પણ અત્યારે તો બસમાં મુસાફરોની સંખ્યા ગણવા માટે આંગળીના વેઢે ગણી શકાય એમ છે. જો બસમાં વ્યવસ્થા ન થઈ શકે તો લોકો પ્રાઇવેટ ટેક્ષી કરીને રજાઓ માણવા નીકળી પડતા હોય છે.

રાજકોટ એસ.ટી ડિવિઝનના અધિકારી જણાવે છે કે હાલ સરકારે ૫૦ ટકા રૂટ ચાલુ છે તેમાં પણ મુસાફરોની સંખ્યા હોતી નથી. સામાન્ય સમયમાં આ સમયે નિગમે વધારાની બસ મુકવાની ફરજ પડે છે પણ અત્યારે કોરોનાની લીધે જે બસો મુકાઈ છે તે પણ ખાલી જાય છે. સુરત,વડોદરા, અમદાવાદ જેવા લાંબા રૂટમાં તો ઠીક પણ સૌરાષ્ટ્રના રૂટમાં પણ મુસાફરો મળતા નથી.એટલા વર્ષોમાં એવું પહેલીવાર બન્યું છે કે બસો ખાલી જાય છે. સુરત જવા આવવા માટે ૧૨ તારીખ સુધી પાબંદી છે જો કે સુરત માટેની બસો શરૂ કરવી કે કેમ તે માટે ટૂંક સમયમાં નિર્ણય લેવાની શકયતા જોઈ શકાય છે.

તો આ બાજુ ખાનગી બસ માલિકોની હાલત પણ આવી જ છે. સામાન્ય દિવસોમાં જન્માષ્ટમીની રજાના લીધે મુસાફરોની સંખ્યા બમણી થઈ જતી હોવાથી ગર્જના ભાવ બમણા કરી નાખતા હોય છે પણ આ વર્ષે આ બસ જાણે શોભા માટેનું એક સાધન બની ચુકી છે. કેટલીક જગ્યાએ એવું પણ જોવા મળે છે. કે બસ મુસાફરો ઓછા મળે છે જેને લીધે બસનો ફેરો નુકશાનીમાં જાય છે. જેને સરભર કરવા ખાનગી બસ માલિકો મુસાફરો પાસેથી બમણી કિંમત વસુલ છે.

ખાનગી બસના એસોસિએશનના પ્રમુખ જણાવે છે કે આ સમયે ખાનગી બસો અમદાવાદ, સુરત,વડોદરા, રાજસ્થાન જેવા રૂટમાં મુસાફરો માટે બસોની સંખ્યા વધારી દેતા હોય છે પણ છેલ્લા ચાર મહિનાથી એક પણ બસ તેના સ્ટેશનની બહાર નીકળી નથી આવા કપરા સમયમાં બસ માલિકોને તેના કર્મચારીને સાચવવા એ પણ કપરૃં થઈ પડ્યું છે બસનો નિભાવ અને એના ખર્ચ કાઢવા પણ અઘરૃં થઈ ગયું છે. સામાન્ય સ્થિતિ થતા અને ફરી પાછો ધંધો ગતિમાં લાવવાનું કામ પણ ખૂબ કસોટીભર્યું થઈ પડશે.

ખાનગી બસ અને સરકારી બસોની આવી હાલત છે તો ટેક્ષી માલિકોની હાલત પણ આવી કફોડી બની છે. જન્માષ્ટમીમાં ટેક્ષી બુકીંગ મહિના અગાઉ થઈ જતા હોય છે એવામાં અત્યારે ટેક્ષી ચલાવતા લોકો પણ અત્યારે નવરા થઈ ગયા છે. આ વર્ષે કોરોનાનો માર બધા ધંધાને પડી છે એવામાં મુસાફરી સાથે જોડાયેલા ધંધા અત્યારે ઠપ્પ થઈ ગયા છે.

(3:44 pm IST)