Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ગરીબ દર્દીઓના વ્હારે

'મા અમૃતમ' અને 'મા વાત્સલ્ય કાર્ડ' યોજના હેઠળ સારવાર આપતી સૌરાષ્ટ્રની નામાંકિત હોસ્પીટલને બાકાત કરવાને બદલે આર્થિક દંડની જોગવાઇ અપનાવી ફરીથી શરૂ કરવા માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા આરોગ્ય મંત્રીશ્રીને રજૂઆત

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા આરોગ્ય મંત્રીશ્રીને રજૂઆત કરેલ કે ગરીબ દર્દીઓ માટે સરકારશ્રીની  આશીર્વાદ સમાન 'મા અમૃતમ' અને 'મા વાત્સલ્ય કાર્ડ' યોજના અંતર્ગત તમામ રોગોની સારવાર આવરી લેવાયેલ છે. જેનાથી લોકોની મુશ્કેલી ખુબ જ સરળ બની ગયેલ છે. ત્યારે તાજેતરમાં ગેરરીતિ યોજવા બદલ સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા સૌરાષ્ટ્રની નામાંકિત મલ્ટીસ્પેશ્યાલીટી એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પીટલ તથા સ્ટલીંર્ગ હોસ્પીટલને આ યોજનામાંથી બાકાત કરવામાં આવેલ છે. તે નિર્ણય સરાહનીય છે.

આ યોજનાનો લાભ ભારત દેશના તમામ નાગરીકો મેળવી રહ્યા છે અને ગરીબ દર્દીઓનો સહારો બનેલ છે. ખાસ કરીને અકસ્માતના સંજોગોમાં મગજની બિમારી, હૃદય રોગ તથા તેને આનુસાંગીક બિમારી, કિડની સલંગી રોગો, ઓપરેશનો, ડાયાલીસીશ વગેરે જેવા ગંભીર રોગોની સારવાર મેળવવા માટે આ યોજના ખુબ જ લાભદાયી બની રહે છે ત્યારે આવા રોગોની સારવાર રાજકોટ શહેરની અમુક હોસ્પીટલોમાં જ મળવા પામે છે અને આ સારવાર ખુબ જ અતિ ખર્ચાળ હોય છે. જે કોઇપણ વર્ગના લોકોને ખાસ કરીને ગરીબ વર્ગ તેમજ મધ્યમ વર્ગને પોસાય શકે તેમ હોતી જ નથી.

આથી સૌરાષ્ટ્રની નામાંકિત એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પીટલ તથા સ્ટર્લીંગ હોસ્પીટલને સરકારશ્રી દ્વારા આર્થિક મોટા દંડની જોગવાઇ અપનાવી સૌરાષ્ટ્રના દર્દીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી ફરીથી આ બન્ને હોસ્પીટલને 'મા અમૃતમ' અને 'મા વાત્સલ્ય કાર્ડ' યોજનામાં તાત્કાલીક શરૂ કરી ફેર વિચારણા કરવા હકારાત્મક પગલા લેવા રજૂઆત કરેલ.

વધુમાં સરકારશ્રીનું ખાસ ધ્યાન દોરેલ કે 'મા અમૃતમ' અને 'મા વાત્સલ્ય કાર્ડ' યોજનામાં સારવાર લેતા લોકોને માન્ય કરેલ હોસ્પીટલોમાં જાહેર રજાઓમાં સારવાર મળતી નથી. અથવા તો તેને રોકડ રકમ ચૂકવવી પડે છે. જે ગરીબ તથા મધ્યમ લોકો માટે અતિ  મુશ્કેલ છે. સરકારશ્રીને વિનંતી કે જાહેર રજાઓના દિવસોમાં પણ 'મા અમૃતમ' અને 'મા વાત્સલ્ય કાર્ડ' યોજનાનો લાભ મળે તે બાબત સરકારશ્રીને રજૂઆત કરેલ.

(4:02 pm IST)