Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

વરસાદ રહી ગયાના કલાકો પછી પણ છલકાતી ભુગર્ભ ગટરો

મોટી ટાંકી ચોક, મવડી, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, ગાંધીગ્રામ જેવા વિસ્તારોમાં ભારે યાતના : રોગચાળો વકરે તે પહેલા તંત્ર જાગે : નીચાણવાળા વિસ્તારોમાં બે બે દિવસથી ચોકડી, સંડાસ, બાથરૂમના ભુંગળા બંધ રહેતા લોકોની દૈનિક ક્રિયાઓ પણ અટકી પડી : ભારે યાતના

રાજકોટ : વરસાદ રહી ગયાના કલાકો પછી એટલે કે બીજા, ત્રીજા દિવસે પણ રાજકોટમાં ભુગર્ભ ગટરના પાણી છલીને માર્ગો ઉપર વહી રહ્યા છે. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં ફલો વધે છે. ત્યાંના પાણીને બહાર નિકળવાનો રસ્તો જ નથી મળતો. ઉલ્ટાના ઉપરવાસના પાણી નીચાણવાળા વિસ્તારો તરફ ગતી કરતા આવા નીચાણવાળા વિસ્તારોમાં મકાનોના ફળીયા, ચોકડી, સંડાસ-બાથરૂમના નિકાલના ભુંગળા સતત ભરાયેલા જ રહે છે. જો આવી જ સ્થિતી રહેશે તો રોગચાળો વકરતા વાર નહીં લાગે. ખાસ કરીને મોટી ટાંકી ચોક, રાજકુમાર કોલેજવાળો માર્ગ, મવડી, રૈયા રોડ, ગાંધીગ્રામ જેવા વિસ્તારોમાં ભુગર્ભ ગટરના પાણી આજ સુધી ઢાંકણામાંથી બહાર માર્ગો ઉપર ઉભરાઇ રહ્યા છે. વરસાદ વરસતો હોય ત્યારે પાણી ભરાય એ વાત તો માનીએ, પણ વરસાદ રહી ગયાના આટલા કલાકો પછી પણ જો ભુગર્ભ ગટરોના લેવલ યથાવત ન થતા હોય તો આ દુઃખ કોને કહેવા જાવુ? હાઇફાઇ બીલ્ડીંગો કે ફલેટમાં રહેનારાઓને સમસ્યા નથી. પણ સમસ્યા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા  લોકોને છે. ન્હાવુ, ધોવુ, વાસણ સાફ કરવા સહિતની દૈનિક ક્રિયાઓ પાણીના નિકાલના અભાવે અટકી પડે છે. લોકો એવુ વિચારતા થઇ ગયા છે કે આના કરતા તો ઓપન ગટરો સારી હતી કે વરસાદ રહી જાય એટલે પાણીનો નિકાલ તો થઇ જતો. અથવા કયાં ગટર જામ થઇ એ નજરે તો નીહાળી શકાતુ. આ ભુગર્ભ ગટરોમાંતો કયાંથી ચોકઅપ થઇ એ જાણવું પણ મુશ્કેલ બની જાય છે. દર વર્ષે વરસાદ પહેલા ભુગર્ભ ગટર અને તેની કુંડીઓ સાફ કરવા પ્રિ-મોન્સુન કામગીર હાથ ધરાતી હોય છે. છતાય આવી સમસ્યા સર્જાતી હોય તો શું સમજવાનું રહે? શું પ્રિ-મોન્સુન કામગીરી કાગળ ઉપર જ થતી હશે? બે બે દિવસથી ભુગર્ભ ગટરોના પાણી માર્ગો ઉપર વહેવાથી માર્ગો પણ ચીકણા બની જવાથી અનેક વાહનો સ્લીપ થયાના નાના મોટા બનાવો પણ બનતા રહે છે. વહેલામાં વહેલી તકે તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. તસ્વીરમાં વરસાદ રહી ગયાન ત્રીજા દિવસે જીમખાના રોડ અને યુનિવર્સિટી રોડ ઉપર માર્ગો ઉપર છલકાતી ભુગર્ભ ગટરના લાઇવ દ્રશ્યો નજરે પડે છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:01 pm IST)