Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

સિવિલ હોસ્પિટલની ઓર્થોપેડિક ઓપીડી ૧ને બદલે ૧૨ વાગ્યામાં બંધ થઇ જતાં અનેક દર્દીઓ રઝળ્યા

તબિબી અધિક્ષક ડો. મહેતા ગમે તેટલુ કરે...અમુક સ્ટાફ પાણી ફેરવી દેવાની તક જ શોધતો હોય તેવું વર્તનઃ ફ્રેકચરવાળા દર્દીઓ રઝળી પડ્યાઃ રાજકોટ તેમજ બહારગામના દર્દીઓએ એક વાગ્યા સુધીનો બતાવવાનો સમય હોવાની રજૂઆત કરી પણ કોઇએ સાંભળી નહિ!

રાજકોટઃ પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દરરોજ સેંકડોની સંખ્યામાં દર્દીઓ અલગ-અલગ વિભાગમાં સારવાર-નિદાન માટે આવે છે. તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા તમામ દર્દીઓને યોગ્ય સારવાર અને સુવિધા મળી રહે તે માટે સતત સક્રિય રહે છે. નિયમીત રીતે અચાનક જુદા-જુદા વિભાગના રાઉન્ડ લઇ જે તે વિભાગના ડોકટરો, નર્સિંગ સ્ટાફની હાજરી ચકાસતા રહે છે. આમ છતાં અમુક વિભાગોનો સ્ટાફ તક મળતા જ ફરજમાંથી છટકબારી શોધી લે છે. આ કારણે દર્દીઓ અને તેના સ્વજનો હેરાન-પરેશાન થઇ જાય છે. જાહેર રજાના દિવસોમાં પણ ઓપીડી અડધો દિવસ ચાલુ રાખવી તેવો નિયમ છે. આ નિયમ મુજબ આજે બકરી ઇદની રજા હોવા છતાં સવારે ૯ થી ૧ ઓપીડી ચાલુ રહી હતી. જો કે આ નિયમ જાણે ઓર્થોપેડિક વિભાગ (રૂમ નં. ૭)ના તબિબોને લાગુ પડતો ન હોય એ રીતે આ ઓપીડી ૧ને બદલે ૧૨ વાગ્યામાં બંધ કરી દેવામાં આવતાં ફ્રેકચરની સારવાર માટે આવેલા અનેક દર્દીઓને કણસવાની,  દર્દ સહન કરવાની વેળા આવી હતી. રાજકોટ-જુનાગઢ સહિતના અનેક દર્દીઓ આજે આ ઓપીડીમાં સારવાર માટે, દેખાડવા, પાટા ખોલાવવા આવ્યા હતાં. બહારગામથી આવેલા  દર્દીઓ પોણા બાર-બાર આસપાસ કેસ પેપર સાથે આ ઓપીડીમાં આવ્યા હતાં. પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે આ વિભાગ બાર વાગ્યામાં જ બંધ થઇ ગયાનું કહેવાયું હતું! ...ગાંધીગ્રામ શાસ્ત્રીનગરમાં રહેતાં અશોકભાઇ મોહનભાઇ લાઠીયાના પત્નિનો પગ ભાંગી ગયો હોઇ તે બતાવવા આવ્યા હતાં. તેમના કહેવા મુજબ ઓપીડીમાં સમય ૯ થી ૧નો હોવા છતાં ૧૨ વાગ્યામાં ઓર્થોપેડિક વિભાગની ઓટીપી ખાલીખમ્મ હતી. સતત દુઃખાવો થતો હોઇ તેમના પત્નિની આંખમાં ઝળઝળીયા આવી ગયા હતાં. બીજા એક વૃધ્ધ દર્દી પણ પીડાથી કણસતા જોવા મળ્યા હતાં. એકાદ તબિબ  અને બીજો સ્ટાફ હતો તેને રજૂઆત કરી હતી છતાં આજે સમય પુરો થઇ ગયો, હવે કાલે આવજો તેમ કહી દેવાયું હતું. અશોકભાઇએ કહ્યું હતું કે આમ તો પોતે વહેલા સવારે સાડા નવે જ આવી જાય છે. પણ આજે પોણા બાર આસપાસ પહોંચ્યા હતાં અને હેરાન થવાની વેળા આવી હતી. તસ્વીરમાં અશોકભાઇ તેમના પત્નિ સાથે તથા બીજા વૃધ્ધ દર્દી અને ખાલી ટેબલ જોઇ શકાય છે.

(3:55 pm IST)